Connect with us

ગુજરાત

પેન્સિલ, પેપર, પીછી, પરિશ્રમ અને પ્રારબ્ધ વડે મેળવી પ્રતિષ્ઠા

Published

on

પોરબંદરના મીરા રાજપરાએ પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે કલા ક્ષેત્રે કાઠું કાઢી અમદાવાદમાં પરિવાર અને વતનનું નામ રોશન કર્યું

પોરબંદરના દરિયાકિનારે રેતીમાંથી કલાકૃતિ બનાવી ત્યારે એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ પણ હાજરી આપી હતી

નાનું સિટી હોય અને પરિવારનું મોટું નામ હોય ત્યારે અમુક નિયમ પાલનની જવાબદારી પરિવારના દરેક સભ્યો પર આવી જતી હોય છે, આવા પરિવારની દીકરીએ તો થોડા વધુ નિયમોને અનુસરવું પડતું હોય છે.એમાંય જો એ દીકરી કલાકાર બનવા ઈચ્છતી હોય તો અનેક બંધનો સાથે ઉડવા જેવી વાત થાય. એક કલાકાર માટે સૌથી મોટી સ્ટ્ર્રગલ એ હોય છે કે તે જે ઈચ્છે તે ન કરી શકે.દાયકા પહેલાંના સમાજમાં દીકરી કલા કરતા ભણવામાં વધુ રસ લે તેવું મા બાપ પસંદ કરતા હતા.પોરબંદરની એ દીકરી મીરા રાજપરા ચોકસીએ અનેક પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે કલા ક્ષેત્રે કાઠું કાઢ્યું છે અને હાલ અમદાવાદમાં પરિવાર અને વતનનું નામ રોશન કરી રહી છે.


પોરબંદરનો ભરવડિયા પરિવાર કે જે 100 વર્ષથી વધુના સમયથી સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તે પરિવારની દીકરી એટલે મીરા. માતા માલતીબેન અને પિતા કિર્તીભાઇ સહિત ત્રણ બહેનોના પરિવારમાં દીકરી મીરાને અભ્યાસ ઉપરાંત રંગો અને પીછી સાથે પણ દોસ્તી થઈ.નાના ગામમાં વધુ શીખવા તથા પોતાની કલા વ્યક્ત કરવાની મર્યાદા વચ્ચે પેન્સિલ, પેપર અને રંગો તથા પીછી પ્રત્યેની પ્રીત વધુ ગાઢ બની.


પોરબંદરની બાલુબા શાળામાં અભ્યાસ અને ત્યારબાદ કલામાં રસ હોવા છતાં અમુક સંજોગોના કારણે ફાઈન આર્ટસના બદલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાથી આર્કિઓલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ પૂર્ણ થતાં અમદાવાદના ચોકસી પરિવારમાં લગ્ન થયા. નવું વાતાવરણ, નવા લોકો અને નવું શહેર હોવાથી કલાની યાત્રા થોડા સમય માટે થંભી ગઈ પણ પ્રારંભની ધીમી ગતિ બાદ ઘરમાં પતિ ઝુબિન ચોકસી, સાસુ, સસરા, નણંદ દરેકનો આગળ વધવામાં સાથ અને મનગમતી પ્રવૃત્તિ માટે મોકળાશ મળતાં કારકિર્દીને વેગ મળ્યો. પેઇન્ટિંગના રંગો, રો-મટિરિયલ ઘણાં કોસ્ટલી હોય છે તેથી તેઓ હંમેશાં એવું વિચારે છે પોતે જે પેઇન્ટિંગ બનાવે તેનો ખર્ચ પોતે જ કરે.


અમદાવાદમાં પણ ધીમે ધીમે કલાકારોના ગ્રુપ સાથે સંપર્ક થયો. તેઓ ઓઇલ પેઇન્ટિંગ, એક્રેલિક પેઇન્ટિંગ, નાઈફ પેઇન્ટિંગ, આર્ટ પેપર કોલાજ, ટેરાકોટા, સિરામિક, ફાઇબર ગ્લાસ વર્ક મિરર, મેટલ આર્ટ પણ કરે છે.

રિયાલિસ્ટિક, ક્ધટેમ્પરરી, એબસ્ટ્રેક,મોડર્ન આર્ટ, ઇન્ડિયન ક્ધટેમ્પરરી આર્ટમાં પિછવાઈ, મધુબની વગેરે કરે છે. મડ મિરર માટે કચ્છ તળાવની માટી મગાવીને બનાવે છે.આ ઉપરાંત અમદાવાદમાં એક બંગલોમાં સિલિંગમાં સાત બાય સાત ફૂટમાં રાસ લીલા બનાવી હતી. અમદાવાદ પ્રહલાદ નગરમાં રૂફટોપ રેસ્ટોરન્ટમાં 28 ફીટ બાય 7 ફીટ મડ મિરર બનાવ્યું છે જે ખૂબ સુંદર છે. અત્યારના સમયમાં કસ્ટમરની ડિમાન્ડ મુજબ કસ્ટમાઈઝ પણ તેઓ કરી આપે છે તેમની દરેક કલાકૃતિ 10,000થી શરૂ થાય છે.


રાજકોટમાં પણ અનેક નામાંકિત લોકોએ પણ તેમની ઘર અને ઓફિસ માટે કલાકૃતિ બનાવડાવી છે. આ ઉપરાંત કીર્તિ મંદિર, પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ઇન્ડિયન એમવેસી પેરિસમાં પણ તેમની કૃતિઓ છે.
તેઓએ વતન પોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરી, અમદાવાદ ગુફા,કનોરિયા આર્ટ સેન્ટર, ગોવા, જયપુર, અમદાવાદ વગેરે જગ્યાએ એક્ઝિબિશન કરેલ છે આ ઉપરાંત સુરત, અમદાવાદ, પોરબંદર ખાતે વર્કશોપ પણ તેઓએ કર્યા છે. કોલેજના સમયમાં પોરબંદરમાં દરિયાકિનારે રેતીમાંથી કલાકૃતિ બનાવી હતી એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ પણ હાજરી આપી હતી એ અનુભવ યાદગાર છે.


અત્યારના સમયમાં કલા પ્રત્યે લોકોની જાગૃતિ બાબત મીરાબેન જણાવે છે કે, ‘વર્તમાન સમયમાં મધ્યમ વર્ગમાં પણ કલાની જાગૃતિ છે તેઓ પણ પોતાના બજેટ પ્રમાણે ઘરનો એક ખૂણો તો કલાકૃતિ વડે ચોક્કસ સજાવે છે. મોટી ઓફિસ રેસ્ટોરન્ટ તથા હોટલમાં પણ કલા પ્રત્યેની દૃષ્ટિ વિકસી છે જેથી આ બધી જગ્યાએ પણ સારા સારા પેઇન્ટિંગ રાખવામાં આવે છે’. કલા સાથેની તેમની આ યાત્રા હજુ ઘણી આગળ વધવાની છે ત્યારે તેમનું સ્વપ્ન છે કે તેઓ વિશ્વ વિખ્યાત કલાકાર એમ.એફ.હુસેનના લેવલ સુધી કામ કરે. તેમને ક્ધટેમ્પરરી આર્ટ ગમે છે અને કલાના ક્ષેત્રમાં તેમની પોતાની આગવી ઓળખ બનાવવી છે. મીરાબેનને તેમના સ્વપ્ન માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

ચાલતા રહો…. આગળ વધતા રહો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે પોરબંદરમાં એક કેટરપિલર ગ્રુપ બનાવ્યું હતું તેનો અર્થ એ થાય છે કે કેટરપિલરની જેમ ધીમી ગતિએ પણ જો તમે આગળ વધતા રહેશો તો તમે જરૂર સફળ થશો.જો તમારે સફળ થવું છે તો તમારા રહેલી આવડત સાથે આગળ વધવું પડશે. દોડી ન શકો તો ચાલો પણ આગળ વધતા રહો. કોઈપણ કામની શરૂઆત ધીમી હશે, સંઘર્ષમય હશે પણ સફળતા સુધી જરૂર પહોંચાડશે. પરિશ્રમથી પીછે હઠ નહીં કરો તો પ્રારબ્ધ જરૂર સાથ આપશે.

writen by: BHAVNA JOSHI

ગુજરાત

રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, અનેક લોકો ફયાસા હોવાની આશંકા, જુઓ વિડીયો

Published

on

By

રાજકોટ શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર ૨ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આગના બનાવને પગલે ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, થોડીવાર પહેલા આગના બનાવની જાણ થતાં આવ્યો છું. આવ્યા પછી ગંભીરતા જોતા લાગે છે કે કાંઈક જાનહાનિ થઈ છે, ઈશ્વરને પ્રાર્થના કે બધા સલામત રીતે બહાર આવે. બાળક કે કોઈ વાલીને કોઈ નુકસાન ન થાય. અંદર કેટલા છે એની માહિતી નથી મળી રહી. હાલની પ્રાયોરિટી આગ બુઝાવવાની છે અને સલામત લાવવાની. જવાબદારોને છોડવામાં નહીં આવે તેની ખાતરી આપું છું. તંત્રમાં અધિકારીઓ જવાબદાર હશે તેમને કોઈ બાંધછોડ ન કરાય.

https://www.facebook.com/reel/323686807288108

Continue Reading

ગુજરાત

એક દી’માં 18.70 કરોડની વિક્રમી વેરા વસૂલાત

Published

on

By

દોઢ માસમાં 2.57 લાખ કરદાતાઓએ રૂા.181 કરોડ કોર્પોરેશનની તિજોરીમાં ઠાલવ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ નવા નાણાકીય વર્ષના શરૂૂઆતના તબક્કાથી જ વેરા વસુલાત ઝુંબેશ મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલના આદેશ તથા નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ચેતન નંદાણીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાના સહાયક કમિશનર સમીર ધડુકના માર્ગદર્શનમાં ઝુંબેશના રૂૂપમાં મિલકત વેરા વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે વિવિધ સરકારી વિભાગો તેમજ ત્રણેય ઝોન કક્ષાએ મેનેજર-ટેક્ષ દ્વારા શહેરમાં વેરા વસુલાતની કામગીરી દરમ્યાન તા.24/05/2024ના રોજ સાંજે 6:00 વાગ્યા સુધીમાં (એક જ દિવસમાં) રાજકોટ મહાનગરપાલિકામાં અંદાજીત રૂૂ. 18.70 કરોડ વિક્રમી વેરાની વસુલાત થયેલ છે. દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.08/04/2024થી તા.24/05/2024 દરમ્યાન 257559 કરદાતાઓએ રૂૂ.181.30 કરોડનો વેરો ભરપાઈ કર્યો છે.


આજની આ વેરા વસુલાત ઝુંબેશ દરમ્યાન શહેરના વિવિધ સ્થળોએ રહેલા મોબાઇલ ટાવરના ટેક્સ પેટે રૂૂ.6.64 કરોડની વસુલાત થયેલ છે.


જયારે હાઈ વેલ્યુ ટેક્સ પેયર પાસેથી રૂૂ.8.90 કરોડના વેરાની રકમ વસુલ કરવામાં આવેલ છે. હાલ અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમ ચાલી રહી છે જે અન્વયે 31-મે સુધીમાં એડવાન્સ વેરો ભરપાઈ કરનાર કરદાતાને મળવાપાત્ર મહત્તમ 22% ડિસ્કાઉન્ટ મેળવવા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી આનંદ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Continue Reading

ગુજરાત

સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજરનું હાર્ટએટેકથી મૃત્યુ

Published

on

By


રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ એક કરૂણ ઘટનામાં રાજકોટના સિનિયર ફોટોગ્રાફરના પુત્ર અને બજાજ કેપીટલના બ્રાંચ મેનેજરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. યુવકના મોતથી બે માસુમ બાળકોએ પિતાનું છત્ર ગુમાવતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં માધાપર ચોકડી પાસે સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલ જીહિત પાર્કમાં રહેતા સિનિયર ફોટોગ્રાફર પ્રવિણભાઈ સેદાણીના પુત્ર અને બજાજ કેપિટલના બ્રાંચ મેનેજર સંદીપભાઈ પ્રવિણભાઈ સેદાણી (ઉ.39) પોતાના ઘરે હતાં ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. યુવકને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. જાણ થતાં સેદાણી પરિવાર અને પત્રકારો સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારને શાંત્વના પાઠવવા દોડી ગયા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મૃતક સંદીપભાઈ સેદાણીના પિતા રાજકોટના ‘જય હિન્દ’ ન્યુઝ પેપરમાં સિનિયર ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવે છે. મૃતક સંદીપભાઈ સેદાણી બે ભાઈમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. સંદીપભાઈ સેદાણી બજાજ કેપિટલમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. સંદીપભાઈ સેદાણીનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending