Site icon Gujarat Mirror

જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામની સીમમાં લગ્નના બીજા દિવસે જ નવોઢાનો આપઘાત

જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામની સીમ વાડી વિસ્તારમાં રહેતા અંકિતાબેન દેવાભાઈ કોડીયાતર ઉ. વ. 22 નામના પરિણીતાએ ગુરુવારે સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાના લગ્નના બીજા દિવસે મકાનની છતમાં પંખા સાથે લટકી જઈને ગળાફાંસો ખાઈ મોતને મીઠું કરી લીધું હતું. જેની જાણ થતા તાલુકા પોલીસે દોડી જઈને પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ઘટના અંગે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે રહેતા મૃતકના પિતા કરસનભાઈ રામભાઈ મકવાણાના નિવેદન અનુસાર તેની દીકરી 22 વર્ષીય અંકિતાના લગ્ન તારીખ 8 એપ્રિલ બુધવારના રોજ પ્લાસવા ગામના દેવાભાઈ જેઠાભાઈ કોડીયાતર સાથે કરવામાં આવ્યા હતા.કુટુંબ પ્લાસવામાં જ રહેતું હોવાથી ગામમાં જ દીકરીને સાસરે વળાવી ભાઈને ત્યાં રોકાયા બાદ ગુરુવારે બોડીદર ગામ જઈ રહ્યા હતા ત્યારે અંકિતાએ કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાણ રસ્તામાં થતા પરત પ્લાસવા ગામે આવ્યા હતા. દરમિયાન વધુ તપાસ પીએસઆઇ એચ. કે. સોનરત ચલાવી રહ્યા છે. લગ્નના બીજા દિવસે જ સાસરિયામાં નવોઢાએ ગળાફાંસો ખાઈ લેતા સમગ્ર ગામમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

Exit mobile version