સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસમાં ટેકનિકલ પેનલ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટને જાહેર કરવાની માંગણીને આજે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે જોડાયેલી કોઈપણ રિપોર્ટને જાહેર કરવામાં આવશે નહીં. પેનલનો રિપોર્ટ રસ્તા પર ચર્ચા માટેનો દસ્તાવેજ નથી.
પેગાસસ વિવાદમાં આજે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે વ્યક્તિગત આશંકાઓનું સમાધાન થઈ શકે છે, પરંતુ ટેકનિકલ પેનલનો રિપોર્ટ રસ્તા પર ચર્ચા માટેનો દસ્તાવેજ હોઈ શકે નહીં. કોર્ટે વધુમાં જણાવ્યું કે ટેકનિકલ પેનલનો રિપોર્ટ કયા હદ સુધી વ્યક્તિઓ સાથે શેર કરી શકાય છે તેની તપાસ કરવી પડશે. પેગાસસ સ્પાયવેરના અનધિકૃત ઉપયોગની તપાસ માટેની અરજીઓ પર હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 30 જુલાઈના રોજ હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરજદારના વકીલ શ્યામ દિવાને 22 એપ્રિલના રોજ આ મામલો સર્વોચ્ચ અદાલત સમક્ષ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે 2021માં બનાવવામાં આવેલી ટેકનિકલ પેનલનો રિપોર્ટ તમામ લોકોને આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તે હજી સુધી શેર કરવામાં આવ્યો નથી. તેમણે સીલબંધ કવરમાં સોંપવામાં આવેલો રિપોર્ટ જાહેર કરવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટ પાસે માંગ્યો હતો.
વાસ્તવમાં, 2019માં એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકારે નેતાઓ, મંત્રીઓ, પત્રકારો સહિત લગભગ 300 લોકોની જાસૂસી માટે પેગાસસનો ઉપયોગ કર્યો હતો. ઓગસ્ટ 2021માં આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.

