Connect with us

Udaan

વાંચનના વળગણથી શબ્દ સૃષ્ટિના સર્જન સુધીની યાત્રા

Published

on

ગાંઠે ચપટીક અજવાળું ને સામે અઢળક અંધાર, પ્રાગટ્યની આ પળે ઊગતો ઝળહળ ઉજાસ

પોરબંદરની શાળામાં ચોથા ધોરણમાં ભણતી બાળકીને વાંચવાનો ખૂબ શોખ.એ ઉંમરે કીર્તિ મંદિરની લાયબ્રેરીના મોટા ભાગના પુસ્તકો તેણીએ વાંચી લીધા હતા.વાંચનના આ ગાંડા શોખના કારણે આંખોમાં નંબર પણ આવી ગયા હતા.જે હાથમાં આવે તે વાંચી જ જવાના સ્વભાવને કારણે પિતાજી તેને લાયબ્રેરીથી દૂર દાદીમાના ઘરે મૂકી આવ્યા.દાદીમા ભણેલા ન હોવાના કારણે પિતાજીએ સૂચના આપી કે ખાખી પૂઠું હોય તો અભ્યાસની બુક હશે તે વાંચે તો વાંધો નહિ પણ આ બંદાએ તો અન્ય પુસ્તકોને પણ ખાખી પૂઠ્ઠાં ચડાવી દીધા. દાદીને તો એમ કે દીકરી શાળાના જ પુસ્તકો વાંચે છે જેથી દીકરાને ઠપકો આપ્યો કે પૌત્રી તો ભણવામાં જ મશગૂલ હોય છે બીજા પુસ્તકો ક્યાં વાંચે છે? અત્યારે મોં પર હાસ્ય આવી જાય એવી આ ઘટનામાં પૌત્રી એટલે ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખિકા નીલમ કારિયા દોશી.પિતાજીને પણ ત્યારે ક્યાં ખબર હતી કે વાંચનનું વળગણ ધરાવતી આ દીકરી એક વખત કલમ ઉપાડી શબ્દની આરાધના કરી દેશ-વિદેશમાં નામ કમાશે.

બાળકોને વાંચનની ટેવ પાડવી હશે તો માતા-પિતાને મોબાઈલ નહીં પણ પુસ્તક હાથમાં લેવાની ટેવ પાડવાનું સૂચન કરે છે નીલમ કારિયા દોશી

Advertisement

નીલમ કારિયા દોશીના ઘરની દરેક દીવાલ પર કાવ્ય પંક્તિ લખેલ છે અને ફર્નિચરમાં કલાત્મક લાઈબ્રેરી જોવા મળે છે

પોરબંદરમાં જન્મ,અભ્યાસ અને ઉછેર થયો.માતા જયાબેન કારિયા અને પિતા લાલજીભાઈ કારિયા.ચાર સંતાનોમાં દીકરી નીલમ ઉપર જાણે મા સરસ્વતીના આશીર્વાદ હોય તેમ વાંચનના શોખ સાથે ભણવામાં પણ તેજસ્વી હતી. દસમા ધોરણમાં સારા માર્કસ આવવાના કારણે પિતાજીનું સ્વપ્ન દીકરીને ડોક્ટર બનાવવાનું હતું પણ દીકરીને આર્ટસ લઈ સાહિત્ય સર્જનની દુનિયામાં મ્હાલવું હતું. પિતાજીની ઈચ્છા આગળ નમતું જોખી વિજ્ઞાન વિષય લઈ રાજકોટ મહિલા કોલેજમાં બીએસસી વિથ કેમેસ્ટ્રી કર્યું.આ સમય દરમિયાન પણ વાંચન લેખન તો ચાલુ જ રહ્યું.પોતાના વાંચનના શોખ બાબત નીલમ બહેને જણાવ્યું કે 9 માં ધોરણમાં જેતપુર શિફ્ટ થયા બાદ શાળાના શિક્ષકોએ શું વાંચવું જોઇએ તે દિશા બતાવી.દસમાં ધોરણમાં પ્રથમ વાર્તા પબ્લિશ થઈ અને લેખનની કેડીએ પ્રથમ પગલું માંડ્યું.આ સાહિત્ય રસના કારણે જ રૂમ મેટ બહેનપણીના ભાઈ સાથેનો પરિચય પરિણયમાં પરિણમ્યો.

પતિ હરીશભાઈ દોશી કેમિકલ એન્જિનિયર હોવા છતાં સાહિત્ય પ્રત્યે સ્નેહ ધરાવે છે.તેઓ પણ સુંદર કવિતા,વાર્તા લખે છે.લગ્ન પછી નીલમબેને 18 વર્ષ સુધી મીઠાપુર હાઇસ્કૂલમાં સાયન્સ ટીચર તરીકે નોકરી કરી એ સમય દરમિયાન પણ વિદ્યાર્થીઓ માટે ડ્રામા,વકતૃત્વ સ્પર્ધા માટે સ્ક્રિપ્ટ લખતા.જ્યારે પતિની મીઠાપુર થી કલકત્તા ટ્રાન્સફર થઈ ત્યારે અજાણ્યા પ્રદેશમાં એકલતામાં કલમ સહારો બની અને દીકરીને યાદ કરી ‘દીકરી મારી દોસ્ત’ લખ્યું, ત્યારબાદ દીકરા માટે ‘દીકરો વહાલનું આસમાન’ લખ્યું જ્યારે પુત્રવધૂ માટે ‘સાસુ વહુ ડોટ કોમ’ લખ્યું છે.

લગ્ન બાદ પતિનો સાથ મળતા સાહિત્ય સર્જનને વેગ મળ્યો.લેખનમાં પ્રોત્સાહન સાથે યોગ્ય વાતાવરણ તેઓ પૂરું પાડતા.લેખન સમયે કોઈ વિક્ષેપ ન પડે તે પણ ધ્યાન રાખતા અને એટલે જ હાલ 25 પુસ્તકો પબ્લિશ થવા સાથે અન્ય પ્રોજેક્ટમાં પણ તેઓ કામ કરી રહ્યાં છે.જેના ઘરની દરેક દીવાલ પર કાવ્ય પંક્તિ લખેલ હોય અને ઘરમાં કલાત્મક લાઈબ્રેરી હોય ત્યાં સંતાનોમાં વાંચનના સંસ્કાર ન આવે તો જ નવાઈ! અમેરિકા વસતા તેમના સંતાનો અને પૌત્ર-પૌત્રીને પણ વાંચનનો જબરો શોખ છે.પુત્ર હાર્દિક અને પુત્રવધૂ ગતિ બંને ડોક્ટર છે.પુત્રી પૂજા મહેતા ડોક્ટર છે તો જમાઈ જીતેન મહેતા આઈટીમાં છે. દીકરીના બંને સંતાનો જીયા અને અયાનને પણ નાની નીલમબેન ગુજરાતી ભાષા અને વાંચનનો શોખ વિકસે તે માટે ભેટમાં પુસ્તકો આપતા રહે છે અને સમય મળતા વાર્તાઓ કહે છે.તેમની 10 વર્ષની પૌત્રી જીયા પણ નાનીનો વારસો સંભાળતા લેખન ક્ષેત્રે ડગ માંડી રહી છે.નીલમબેનના 25 પુસ્તકો ઉપરાંત વાર્તાઓ, લેખો, પ્રવાસ વર્ણન, નાટકો વગેરે જુદા જુદા પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થતા રહે છે. ઘણી વાર્તાઓ, નાટકોને જુદી-જુદી સ્પર્ધાઓમાં ઇનામ મળેલા છે.સંબંધો પરના તેઓના પુસ્તકના વાંચનને કારણે અનેક સંબંધો સુધરી ગયા છે. સંવેદનશીલ નીલમબેન બાળકો માટે અનોખી લાગણી ધરાવે છે એટલું જ નહિ તેમને મળતા પુરસ્કારો પણ અનાથાશ્રમમાં ભેટ આપે છે. ‘પરમ સખા પરમેશ્વરને’ પુસ્તક લખવાનો અનુભવ તેઓ અદ્ભુત ગણાવે છે. 6 દિવસમાં 48 પ્રકરણો એકધારા લખ્યા જાણે કોઈ શક્તિ લખવાની પ્રેરણા આપતી હોય તેવું અનુભવ્યું.સોશિયલ મીડિયામાં સર્જકના નામ વગર કૃતિ વાઈરલ કરતા લોકોના વલણને અયોગ્ય ગણાવતા નીલમબેન સોશિયલ મીડિયામાં લખવાની પ્રવૃત્તિને વધાવે છે અને કહે છે કે એ બહાને લોકો થોડું લેખન-વાંચન કરે તો શું ખોટું છે? હાલ તેઓએ ગુજરાતી ફિલ્મ ‘રાજીવ ઓલવેઝ ખુશ’ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે તો ધૂમકેતુની ‘પોસ્ટ ઓફિસ’ પરથી નવલકથા ‘મરિયમ થી મીરા’ લખ્યું છે. આમ જુદા જુદા ફલક પર લેખન કાર્યમાં આનંદ અનુભવતા નીલમબેન જિંદગીથી બહુ જ ખુશ છે. છેલ્લા શ્વાસ સુધી વાંચવાની ઈચ્છા ધરાવતા તેઓ ઈશ્વરનો આભાર માનતા કહે છે કે મારી લાયકાત કરતાં ઈશ્વરે મને ઘણું બધું આપ્યું છે.ખૂબ સરસ મિત્રો, પ્રેમાળ કુટુંબ, વાચકોનો પ્રેમ…એનાથી વધુ શું જોઈએ? નીલમબેનને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

Advertisement

તો જ બાળકોમાં વાંચનનો શોખ વિકસશે

તેઓના ઘરમાં કલાત્મક લાઈબ્રેરી છે.અમદાવાદમાં પોતાના બિલ્ડિંગમાં પણ લાઈબ્રેરી બનાવી છે.રોજ લાફિંગ ક્લબમાં આવતા લોકોને ફી સ્વરૂપે ફરજિયાત વાંચનનો આગ્રહ કરે છે.તેઓએ મહિલાઓ સંદેશ આપતા જણાવ્યું હતું કે પુસ્તકો ક્યારેય તમને એકલતા નથી આપતા પરંતુ મનગમતું એકાંત આપે છે.માતાઓ જ્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે તો બાળકો પણ એ જ શીખવાના છે.જો બાળકોને વાંચનની ટેવ પાડવી હશે તો તમારે પણ પુસ્તક હાથમાં લેવું પડશે.પુસ્તકોથી તમારા બાળકોનું અલગ ઘડતર થશે.

પુસ્તકોની પ્રશંસા અને પારિતોષિક

ગુજરાત સાહિત્ય અકાદમી ગમતાનો ગુલાલ ( બાળનાટય સંગ્રહ )ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2006નો શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ,જન્મદિનની ઉજવણી(બાળનાટય સંગ્રહ)ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2008નો શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ,અંતિમ પ્રકરણ( નવલિકા સંગ્રહ) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વરસ 2010નો શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ,ભગિનિ નિવેદિતા એવોર્ડ,દોસ્ત!મને માફ કરીશને ? (નવલકથા) કલાગુર્જરી મુંબઈ દ્વારા વર્ષ 2014નો શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ, ઉપરાંત ગુજરાતી બ્લોગ ‘પરમ સમીપે’ જેના ચાર લાખ જેટલા વાચકો દેશ-વિદેશમાં છે.www.paramujas.wordpress.com રેડિયો ડલાસ (યુ.એસ.એ.) અને રેડિયો ઓસ્ટ્રેલિયા પરથી વાર્તાઓ અને ઈન્ટરવ્યુ પ્રસારિત થયા છે તેમજ આકાશવાણી રાજકોટ પરથી શૈક્ષણિક કાર્યક્રમો અને ઝાલર ટાણું કાર્યક્રમ અંતર્ગત નાટક પ્રસારિત થયા છે.

Advertisement

લાઇબ્રેરી જોઇને જ પુસ્તક વાંચવાનું મન થઇ જાય તેવી કલાત્મક લાઇબ્રેરી

Continue Reading
Advertisement

Udaan

તળેટીથી શિખર સુધી પહોંચી અનેકના જીવનની કરી કાયાપલટ

Published

on

માટી ચિકિત્સાથી આકર્ષાઈને 100થી વધુ પ્રોડક્ટ બનાવી હેલ્થ,વેલ્થ અને બ્યુટી ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે ડો. અંજુ પાડલિયાએ

પોતાના સંઘર્ષ જેવી તકલીફ અન્ય મહિલાને વેઠવી ન પડે તે માટે મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે ડો.અંજુ પાડલિયા

દિવાળીનો સમય હતો એ મહિલા કામની શોધ માટે એક બ્યુટીપાર્લરમાં જાય છે.પતિની દારૂૂની લત અને બાળકોના ઉછેરની જવાબદારીના કારણે રડી રહી હતી. બ્યુટી સલૂન ચલાવતી તે મહિલાએ પોતાની પ્રોડક્ટ તેને બતાવી અને જણાવ્યું કે દિવાળીનો સમય છે તું તારી તાકાત લગાડી અને આ પ્રોડક્ટ વેચ અને તારી દિવાળી સુધાર. એ મહિલાએ પણ ચેલેન્જ સ્વીકારી અને મહેનત કરી પ્રોડક્ટનું વેચાણ કરી બતાવ્યું.પેલી મહિલાએ આર્થિક રીતે કાયમ માટે પગભર બને એ માટે કોર્સ શીખવ્યો અને પોતાની પ્રોડક્ટ વેચવા માટે આપી.આવક થતાં તેનું સમગ્ર જીવન સુધરી ગયું.આ સલૂન ચલાવતી મહિલા એટલે માટીની 101 પ્રોડક્ટ બનાવતી સ્ત્રી સંચાલિત ‘કાયાપલટ’ના માલિક અને સ્થાપક ડો.અંજુ પાડલિયા.તેઓએ આ એક નહિ પણ અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમના જીવનની કાયાપલટ કરી છે પરંતુ આ બદલાવની યાત્રા સહેલી નહોતી.

Advertisement

અમરેલીના નવા ઉજળા ગામે જન્મ.માતા પ્રભાબેન બગથરિયા પિતા બટુકભાઈ બગથરિયા. ચાર બહેન અને એક ભાઈમાં સૌથી મોટું સંતાન હોવાથી નાનપણથી જ જવાબદારીઓ માથે આવી. નાના ભાઈ-બહેનને સાચવવાથી લઈને ચૂલામાં રસોઈ,વાડીએ ભાત લઈને જવું, નદીએ કપડાં ધોવા વગેરે તેઓ કરતા.પિતાજી માનતા કે કરિયાવરથી દીકરીનું ઘર ન ચાલે,પોતાની પાસે કલા હોવી જોઈએ એટલે મોતીકામ, સિલાઈકામ શીખ્યા.બાળપણમાં રમવાની ઉંમરમાં જ કમાવા લાગ્યા.જે કરવું તેમાં સફળ થઈને જ રહેવું એ મંત્ર નાનપણ થી જ મનમાં કોતરાઈ ગયો હતો.જવાબદારીના બોજ વચ્ચે વીતેલા બાળપણ વખતે ક્યાં ખબર હતી કે હજુ તો દોજખના દરિયાને ઓળંગવાનો છે.ધો.12 પૂરું કર્યું, ન કર્યું ત્યાં લગ્ન થઈ ગયાં.લગ્ન પછી નબળી આર્થિક સ્થિતિ,સંયુક્ત કુટુંબ,જુનવાણી વિચારધારા વચ્ચે બે બાળકોનો જન્મ થયો. બંને બાળકોને જોઈને જાણે જિંદગી જીવવા જેવી લાગતી પરંતુ દિવસે દિવસે આર્થિક સંઘર્ષ અને શારીરિક,માનસિક ત્રાસ વધતો ગયો.પતિથી અજાણ નાનકડી ખુરશીમાં આઈબ્રો કરવાથી પાર્લરની શરૂૂઆત કરી. પૈસા આવતા સુખનું કિરણ દેખાયું પરંતુ પતિની લત અને બેકારી વચ્ચે જિંદગી નિરાશાના વંટોળથી ઘેરાયેલી જ રહી.પોતાના કામ અને સ્વભાવના કારણે બ્યુટી પાર્લરની આવક વધતા પોતાનું ઘર લીધું અને ધીમે ધીમે આર્થિક સ્થિતિ સ્થિર થવા લાગી પરંતુ માનસિક પરિતાપ એ જ રહ્યો અંતે બંને દીકરાના ભવિષ્યનો વિચાર કરી 2016માં પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો.જાણે આ નિર્ણયમાં ભગવાન પણ સાથે હોય તેમ અલગ થયા બાદ દરેક પગલે જીવનમાં સફળતા મળતી ગઈ. પ્રથમ વખત 550 બહેનોના સેમિનાર સાથે અત્યાર સુધીમાં 1000 સેમિનાર કર્યા.વિધાનસભાની ચૂંટણીમાં પણ ઊભા રહ્યા. ગુજરાતમાં ટોપ 25 બિઝનેસમેનમાં તેમનું નામ છે.2019માં બેસ્ટ મેકપ આર્ટિસ્ટ ઓફ ઇન્ડિયા તથા ગુજરાત રાઈઝિંગ સ્ટારનો એવોર્ડ મળ્યો. નેચરોપેથીનો અભ્યાસ શરૂૂ કર્યો. ગઉઉઢ નેચરોપેથી એન્ડ યોગની ડિગ્રી મેળવી.તેઓએ દુબઈ સહિત અનેક એક્સપો ઓર્ગેનાઇઝ કર્યા છે.સત્સંગ શિક્ષણની પરીક્ષામાં પ્રારંભ થી પ્રાજ્ઞ-3 સુધી પરીક્ષામાં 8 ગોલ્ડ મેડલ મળ્યા છે.

કોરોનાના કપરા સમયમાં સમયનો સદુપયોગ કરીને ‘કાયાપલટ’ બ્યુટી પ્રોડક્ટનું નિર્માણ કર્યું.સફરના આ પડાવમાં ડિપ્રેશન આવ્યું, નિરાશા પણ આવી પરંતુ હાર સ્વીકારે એ અંજુ નહિ.બાળકો સાથે ઇઅઙજ ના સત્સંગ અને સભામાં જતા અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આસ્થા જાગી. બંને દીકરાઓના સાથ અને ધર્મના સંગાથના કારણે કાંટાળા માર્ગ પર ચાલવું સરળ બન્યું.મોટો દીકરો બોની ખઇઅ છે અને કંપનીમાં એમડી છે અને પુત્રવધૂ નમ્રતા એચઆર છે અને નાનો દીકરો ડો.કેવલ કંપનીમાં સીઈઓ છે.તેમનું એક માત્ર સ્વપ્ન છે પોતાની કંપનીને 1,000 કરોડની ફર્મ બનાવવી છે અને હજારો નહિ પણ લાખો મહિલાઓને આર્થિક રીતે પગભર કરવી છે.અંજુબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ….

કોઈના પ્રભાવમાં નહીં પણ પોતાના સ્વભાવમાં રહી નિર્ણય કરો

મહિલાઓને સંદેશ આપતા અંજુબેને જણાવ્યું કે જીવનના કોઈપણ તબક્કે આત્મવિશ્વાસ ગુમાવવો નહીં.સુખ અને દુ:ખ એ એક સિક્કાની બે બાજુઓે છે. કોઈના પ્રભાવમાં નહીં પરંતુ પોતાના સ્વભાવમાં રહી અને નિર્ણય કરવો. હંમેશા પોતાની છબી ઉજળી કરવાનો પ્રયત્ન કરશો તો મંઝિલ સુધી પહોંચતા વાર નહીં લાગે.

Advertisement

કુમકુમ બ્યુટીપાર્લરથી કાયાપલટ કંપનીની આ છે સફળ યાત્રા

એક સમયે ખુરશી રાખીને કુમકુમ બ્યુટીપાર્લર ચલાવનાર અંજુબેન પાડલિયા આજે કાયાપલટના 3 માળના કોર્પોરેટ બિલ્ડિંગના માલિક છે જેનો પ્રારંભ આવતી કાલે થવાનો છે.તેઓએ કોવિડના સમયમાં આહાર ચિકિત્સા, માટી ચિકિત્સા અને જળ ચિકિત્સા દ્વારા માટીની 3 પ્રોડક્ટ બજારમાં મૂકી. જુદી-જુદી માટી લઈને 2000 લોકો પર પ્રયોગો કર્યા. 17 બહેનોને ટ્રેઈન કરી.આ પ્રોડક્ટ પુના, મુંબઈ, હૈદરાબાદ, તેલંગાણા, આફ્રિકા, કેનેડા સહિત આઠ ક્ધટ્રીમાં પણ જાય છે ફક્ત 1000 રૂૂપિયામાં પ્રોડક્ટના ડિસ્ટ્રિબ્યુટરને 11 દિવસ તાલીમ આપે છે.20 % થી લઈને 50% ડિસ્કાઉન્ટ આપે છે તેમજ મોલ ખોલવો હોય તો 26 જાતની થેરેપી સાથે સમગ્ર પાર્લરની વ્યવસ્થા પણ કરે છે આ રીતે 17 બેચ પૂર્ણ થઈ છે. નવા રિટેલ મોલમાં પ્રોડક્ટનું વેચાણ થશે,નિ:શુલ્ક સેમિનાર ચલાવવામાં આવશે તેમજ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે આ ઉપરાંત અમેરિકા માન્યતા ધરાવતો વર્લ્ડ વાઈડ યોગનો કોર્સ પણ કરાવવામાં આવશે. તેઓએ જણાવ્યું કે 0% કેમિકલ ફ્રી માટી સિક્કિમથી લાવવામાં આવે છે વાવડીમાં તેનું પ્રોડક્શન થાય છે.માટી ઉપર ખાસ પ્રોસેસ કરીને પ્રોડક્ટ બનાવવામાં આવે છે જેમાં મેકઅપ થી લઈને ફેશિયલ કીટ વગેરે 101 પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ ગવર્મેન્ટ સર્ટિફાઇડ છે. હાલ તેમાં 4,500 હેલ્થ કોચ છે.

Advertisement
Continue Reading

Udaan

કાર્યનિષ્ઠાથી ડેપ્યુટી મેયરના પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચ્યા કંચનબેન સિદ્ધપુરા

Published

on

ઘરમાં બજાવે છે સામાન્ય ગૃહિણીની ભૂમિકા: વહેલી સવારે ઊઠી ચા, પાણી, રસોઈ, સાફ-સફાઈ દરેક કામ તેઓ જાતે કરે છે

છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પક્ષમાં વિવિધ જવાબદારી નિભાવતા કંચનબેન રાજકોટની જનતાના પ્રશ્નોના ઉકેલ માટે પોતાનો અનુભવ કામે લગાડશે

‘આજે મારી આંખોમાં હરખના આંસુ છે,કારણ કે બે દાયકાથી વધુ પક્ષમાં કરેલ કામગીરી, અનુભવની કદર થઈ હોય તેવું લાગે છે.ફક્ત હું જ નહિ પણ મહિલા મોરચા સહિત મારા દરેક સાથી કાર્યકરો ખુશ થયા છે. મેં હંમેશા પક્ષને આગળ રાખીને કામ કર્યું છે. કોઈ કામને નાનું કે મોટું ગણ્યું નથી અને એટલે જ જાણે એ દરેક કામના ફળ રૂૂપે,લોકોના આશીર્વાદ રૂપે આ પદ મળ્યું છે.’ આ શબ્દો છે રાજકોટના ડેપ્યુટી મેયર પદે વરણી થયેલ કંચનબેન સિદ્ધપુરાના.ડેપ્યુટી મેયર પદ માટે નામ જાહેર થતાં નાના-મોટા દરેક લોકો ફૂલોના ગુલદસ્તા સાથે અભિનંદન આપી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં હતા. બધાનો સૂર એક જ હતો કે બેન, તમારી મહેનત રંગ લાવી છે. હસતા ચહેરે દરેકની શુભેચ્છાનો સ્વીકાર કરતા કંચનબેનના મોં પર આત્મસંતોષ છલકાતો હતો. વ્યસ્ત હોવા છતાં તેમની આ ઉડાન વિષે તેઓએ ખૂબ રસપૂર્વક માહિતી આપી હતી.

Advertisement

રાજકોટમાં લુહાર પરિવારમાં જન્મ અને કોડીનારમાં અભ્યાસ કર્યો અને ફરીથી રાજકોટ આવ્યા.3 ભાઈ અને 2 બહેનનો પરિવાર હતો.માતા ઉજ્જમ બેન કવા અને પિતા હરજીવનભાઈ કવા.પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે 8 ધોરણ સુધીનો અભ્યાસ કરી માતાને મોતીકામ, ચાંદીકામ વગેરેમાં મદદ કરવા લાગ્યા.યોગ્ય ઉંમર થતાં રાજકોટમાં જ રાજેશભાઈ સિદ્ધપુરા સાથે લગ્ન થયા.લગ્ન પછી પતિના કામ માટે પાંચેક વર્ષ મુંબઈ રહ્યા પરંતુ સાસુ મૂક-બધિર હોવાથી તેમના છેલ્લા દિવસોમાં સેવા કરવા માટે ફરી રાજકોટ આવ્યા. અહીં વોર્ડમાં ભારતીય જનતા પક્ષની નાની-મોટી મિટિંગો થતી તેમાં તેઓ હાજરી આપતા અને ધીમે ધીમે રસ જાગવા લાગ્યો ત્યારે ખબર પણ નહોતી કે ગૃહિણીની જવાબદારી નિભાવતા આ મહિલા ડેપ્યુટી મેયરના પદ સુધી પહોંચશે. આ બાબતે કંચનબેને જણાવ્યું કે, ‘રાતોરાત અહીં સુધી નથી પહોંચી.ધીમે ધીમે પગથિયાં ચડતા આ મંઝિલ મળી છે. સૌ પ્રથમ વોર્ડ નં 18(જૂનો)માં મહામંત્રીની જવાબદારી મળી. 3 વર્ષ બાદ મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી, આ કામગીરી જોતા તેમની નિમણૂંક રાજકોટ જિલ્લા જેલ સમિતિમાં મહિલા સામાજિક કાર્યકર તરીકે થઈ.જ્યાં જવાબદારી સોંપાઈ ત્યાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું. કોઈ પણ ચૂંટણી હોય ત્યાં ગંભીરતાથી કામગીરી કરી છે. 2009માં શહેર ભાજપ મંત્રી તરીકે ફરજ નિભાવી,ઉપરાંત શહેર મહિલા મોરચાના મહા મંત્રી તરીકે ફરજ બજાવી હતી.’

તેઓ કાયદા નિયમોની કમિટીમાં ચેરમેન પદે છે.લુહાર જ્ઞાતિમાં પ્રથમ મહિલા છે જે અહીં સુધી પહોંચ્યા છે.હંમેશા તેઓ બહેનોને સાથે રાખીને કામ કરે છે.નાની મોટી કોઈ પણ વ્યક્તિને પ્રેમથી જવાબ આપવો અને તેની વાત સાંભળી તરતજ તેનું કામ થઈ જાય તેવા પ્રયત્નો કરે છે.અત્યાર સુધી રોજ સવારે વોર્ડમાં જઈ લોકોના પ્રશ્ર્નો (કચરો, પાણી, ગટર, બ્લોક) સાંભળતા તેમજ બપોરના સમયે કોર્પોરેશનની ઓફિસમાં નિયમિત હાજરી આપી લોકોના પ્રશ્નોને વાચા આપતા.આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,વિધવા પેન્શન જેવા અનેક પ્રશ્નોનો તેઓ જાતે જઈને ઉકેલ લાવતા.એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેઓએ જણાવ્યું કે, ‘એક 95 વર્ષના વૃદ્ધા પાસે આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ નહોતા. પાંચ દીકરા હોવા છતાં મુશ્કેલીમાં જીવન વિતાવતા હતા.તેઓને બંને કાર્ડ કઢાવી દીધા અને પેન્શન ચાલુ કરાવી દીધા.માજી ખૂબ ખુશ થયા અને દિલથી આશીર્વાદ આપ્યા. આવા આશીર્વાદના કારણે જ હું આજે આ સ્થાને છું. ’ તેઓનું ભવિષ્યનું કોઈ મોટું સ્વપ્ન કે યોજના નથી ,બસ લોકોની સેવામાં જીવન વિતે એ જ ઈચ્છા છે.કંચનબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ….

ઘરમાં તેઓ હોય છે ગૃહિણીના રોલમાં

ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટેબલ પાછળ બધાની શુભેચ્છાઓ ઝીલતા કંચનબેન ઘરમાં એકદમ ગૃહિણી જેવું જીવન વિતાવે છે. સવારે ઊઠીને ચા, પાણી કરવા, સાફ-સફાઈ, રસોઈ વગેરે જાતે જ કરે છે.બધું જ કામ પતાવી 9:30 વાગ્યે તૈયાર થઈ જાય છે.સામાન્ય રીતે તેઓ સાડીમાં જોવા મળે છે, ક્યારેક ફરવા જાય તો સલવાર-કુર્તા પહેરે છે. તેમને સાદું ભોજન પસંદ છે.

Advertisement

સાચી નિષ્ઠાથી કામ કરો

મહિલાઓને સંદેશ આપતાં તેઓએ જણાવ્યું કે હંમેશા વાદ-વિવાદથી પર રહીને કાર્ય કરો.જે કામ કરો તે પૂરી લગન અને નિષ્ઠાથી કરો.અપેક્ષા વગર કામ કરશો તો તેનું ફળ અવશ્ય મળશે જ.

ડગલે ને પગલે મળ્યો છે પતિનો સાથ

કંચન બેને જણાવ્યું કે, ‘આ ક્ષેત્રમાં આવી ત્યારે પતિ એ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને અત્યારે પણ તેમનો સંપૂર્ણ સાથ છે.’ લગ્ન જીવનના 25 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી હતી ત્યારે રાજેશભાઈ સિદ્ધપુરા સાચા અર્થમાં જીવન સાથી સાબિત થયા છે. તેમની સાથે હંમેશા સહાયકની ભૂમિકામાં તેઓ હાજર રહ્યા છે. પરિવાર,વ્યવહાર દરેક વખતે તેઓનો સ્નેહમય સાથ હોય જ છે જેનું કંચનબેન માટે ખૂબ મહત્ત્વ છે.

Advertisement

રાજકોટના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સજ્જ

રાજકોટની જનતાના પ્રશ્નો બાબત તેઓએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોના ઉકેલની કામગીરી તેઓ હંમેશ માટે કરતા આવ્યા છે એ જ રીતે તેઓ આગળ પણ કરતા રહેશે. પાંચે પદાધિકારીઓ સાથે મિટિંગ કરી અને પ્રજાલક્ષી કાર્યોનું ત્વરિત નિવારણ થાય તે રીતે કાર્ય કરશે.પોતાના અનુભવનો ઉપયોગ તેઓ લોકહિતના કાર્યમાં કરશે.

લુહાર જ્ઞાતિ મંડળમાં પણ મહત્ત્વની કામગીરી

ભાજપમાં આવ્યા બાદ લુહાર સમાજ મહિલા મંડળમાં પણ ઉપપ્રમુખ અને પ્રમુખ પદ સંભાળ્યું છે. સમાજ દ્વારા પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં પણ પોતાના સમાજની સાથે રહી રોજની 1000થી 1500 કિટનું વિતરણ કર્યું. આજે પણ દર બે મહિને ચાર દીકરીઓના આદર્શ લગ્ન કરાવે છે અને લુહાર સમાજ હિતેચ્છુ મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ પણ કરવામાં તેમનું યોગદાન છે.તેમની ડેપ્યુટી મેયર પદ પર નિમણૂંક થતાં સમસ્ત લુહાર સમાજમાં ખુશી વ્યાપી ગઈ હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

Continue Reading

Udaan

માતૃત્વના ‘એક રંગ’ દ્વારા દિવ્યાંગ દીકરીઓના જીવનમાં ઉજાસ

Published

on

એક નહિ 45 દિવ્યાંગ દીકરીઓની માતા બનનાર દીપિકાબેન પ્રજાપતિ દરેકને આત્મનિર્ભર બનાવવા કટીબદ્ધ છે

સ્પેશિયલ થેરાપી દ્વારા ડિસ-એબિલિટી ઓછી કરવાનો દીપિકાબેન પ્રજાપતિનો ઉત્તમ પ્રયાસ

મારી દીકરીઓ ચિત્ર સ્પર્ધા, ભરતનાટ્યમમાં નંબર લાવે છે. ઓલમ્પિક, ખેલ મહાકુંભ સહિત જિલ્લાની અન્ય સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરીને પોતાનું હીર ઝળકાવે છે.અમુકને તો ગીતાના શ્ર્લોક પણ કંઠસ્થ છે. મો પર આનંદ અને ખુશી સાથેની માતાની આવી વાત સાંભળીને કોઈને થાય કે એક માતા પોતાની દીકરીઓની વાત કરી રહી છે.આ વાત માતાની જ છે પરંતુ એક નહિ અનેક દિવ્યાંગ દીકરીઓની માતા એવા દીપિકાબેન કમલેશભાઈ પ્રજાપતિની વાત છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત તાજેતરમાં તેઓને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે દિવ્યાંગ દીકરીઓના જીવનમાં ખુશીના રંગો ફેલાવતી તેમની સંસ્થા એક રંગ વિષે અને તેઓની દિવ્યાંગ દીકરીઓ પ્રત્યે સેવા અને નિષ્ઠાની વાત જાણવા જેવી છે.

Advertisement

 


સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામમાં જન્મ થયો.માતા સવિતાબેન રાઠોડ અને પિતા ખાતુભાઈ રાઠોડ.પિતાજીની અમદાવાદમાં બદલી થતાં અભ્યાસ અમદાવાદમાં કર્યો.બી.કોમ, એલ.એલ.બી.,પીજીડી એલસી,સ્પેશિયલ બી.એડ. (ખછ)કર્યું. લોનો અભ્યાસ ચાલતો હતો એ દરમિયાન રાજકોટમાં કમલેશભાઈ પ્રજાપતિ સાથે લગ્ન થયા.પતિ સ્કૂલમાં જોબ કરતા હતા સાથે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ તરીકે તેઓ ગ્રામ્ય વિસ્તાર,આદિવાસી વિસ્તારના બાળકોના વિકાસ માટે સેમિનાર કરતા.આ દિવસો દરમિયાન તેઓએ મંદબુદ્ધિના બાળકોને જોયા.

દોઢ દાયકા પહેલાં સમાજમાં દિવ્યાંગ બાળકોને લઇને અવેરનેસ નહોતી.તેમની સ્થિતિ બહુ જ ખરાબ હતી.માતા-પિતા અને સમાજ દ્વારા આ બાળકો તિરસ્કૃત કરાતા.બાળકોમાં પણ દીકરીઓની સ્થિતિ વધુ ખરાબ હતી.ગામડાઓમાં દોરા-ધાગાથી લઈને શારીરિક, માનસિક ત્રાસ,શોષણ વગેરે જોઈને હૈયું હચમચી જતું હતું અને પરિણામ સ્વરૂપ 2012માં તેઓએ એક રંગ સંસ્થાનું બીજ રોપ્યું.એક દીકરીથી શરૂ કરીને આજે આ સંસ્થામાં 10 થી 30 વર્ષની વયની 45 દીકરીઓ છે. દીપિકાબેનને પણ સોશિયલ વર્કમાં રસ હતો તેથી બે બાળકોની જવાબદારી હોવા છતાં પતિનો ડગલે ને પગલે સાથ નિભાવતા હતા.એ સમયે ક્યાં ખબર હતી કે પતિ-પત્ની બંનેએ સાથે જોયેલ સ્વપ્નને પોતે એકલા હાથે સાકાર કરવાનું થશે.કોરોનાએ જેમ અનેકના પરિવાર છિન્ન-ભિન્ન કરી નાખ્યાં હતાં એ જ રીતે દીપિકાબેનના પરિવાર પર પણ આભ તૂટી પડ્યું. 21 દિવસમાં પતિ કમલેશભાઈ પ્રજાપતિ, સાસુ, સસરા ત્રણેએ અંતિમ વિદાય લીધી.પોતાના બે દીકરા સાથે 45 દિવ્યાંગ દીકરીઓની જવાબદારી માથે હતી.શું કરવું એ અસમંજસ વચ્ચે દિવ્યાંગ દીકરીઓના પ્રેમની જીત થઈ. દીપિકાબેને બંને દીકરા અને હિતેચ્છુઓ સાથે ચર્ચા કરીને એક રંગની પ્રવૃત્તિ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.

 


દિવ્યાંગ દીકરીઓની વાત જાણે પોતાની દીકરીઓની હોય એ રીતે દીપિકાબેન લાગણીશીલ બની જાય છે તેઓએ જણાવ્યું કે, આજે જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે તેમાં દાતાઓનો ખાસ સહયોગ છે અને તેના માટે ખાસ આભારની લાગણી વ્યક્ત કરું છું.આશરે 15 જેટલા મહિલા સ્ટાફ દ્વારા મનોદિવ્યાંગ દીકરીઓની સાર-સંભાળ લેવામાં આવે છે. પૌષ્ટિકતત્ત્વોથી ભરપૂર સવાર – સાંજ નાસ્તો અને બપોર – રાત્રે ભોજન આપવામાં આવે છે.નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તેમજ ભજન કીર્તન પણ શીખવાડવામાં આવે છે.તેમની આટલી સાર સંભાળ થકી 6 જેટલી દીકરીઓની દિવ્યાંગતા ઘટતા તેઓને સમાજમાં પુન:સ્થાપિત થવાની તક મળી છે.આ દીકરીઓ પરિવારમાં બોજ બન્યા વગર આત્મનિર્ભર બની છે.જે દીકરીઓ પોતાનું રોજિંદું કામ પણ યોગ્ય રીતે નથી કરી શકતી તેને આત્મનિર્ભર બનાવવાનું કામ નેવાના પાણીને મોભે ચડાવવા જેવું છે આમ છતાં હિંમત હાર્યા વગર અડગ રહી કામ કરે છે.દીપિકાબેનને બે દીકરા છે જેમાં આર્ય મેડિકલમાં છે તો રુદ્ર 12માં ધોરણમાં ભણે છે.દીકરાઓની કેરિયર, સાર-સંભાળ સાથે પોતાની પ્રવૃત્તિમાં એક રંગ રહેતા દીપિકા બેનનું સ્વપ્ન રાજકોટમાં કોઈ પણ બાળક ડીસ-એબિલિટીવાળું ન હોય તે છે.તેમનું સ્વપ્ન સાકાર થાય એવી શુભેચ્છાઓ

જો તમે એક રંગમાં તમારી મદદનો રંગ ઉમેરવા માગતા હો તો 9137690064 પર સંપર્ક કરી શકો છો. તેમજ વધુ વિગતો ૂૂૂ.ફયસફિક્ષલ.જ્ઞલિ પરથી મેળવી શકો છો.

Advertisement

એક કલાક કોઈ પણ સેવા કાર્ય માટે રાખો

મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે, દરેક સ્ત્રી જો ટાઈમ મેનેજમેન્ટ કરે તો એક કલાક
કોઈપણ સેવા કાર્ય માટે આપી શકે. જરૂૂરી નથી તમે કોઈ સંસ્થા સાથે જોડાવ, રોજ એક કલાક કોઈપણ સદ્કાર્ય માટે ફાળવશો તો ખૂબ જ આત્મસંતોષ પ્રાપ્ત થશે.

સેવાના અનેક રંગ ધરાવતી ‘એક રંગ’

એક રંગ ચિલ્ડ્રન્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટના પ્રમુખ દીપિકાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અહીં દિવ્યાંગ દીકરીઓને નિ:શુલ્ક રહેવા, ભણવા અને અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.જે દીકરીનું કોઈ ન હોય,સિંગલ પેરન્ટમાં પિતા હોય કે બીમાર માતા-પિતા હોય તેમને અહીં એડમિશન આપવામાં આવે છે. અહીં મનોદિવ્યાંગ, અપંગ, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, અટેન્શન ડેફિસિટ હાયપર એક્ટિવિટી ડીસઓર્ડર સહિતની વિકલાંગતા ધરાવતી આશરે 45 મનોદિવ્યાંગ દિકરીઓને નિ:શુલ્ક થેરાપી અને ડે-કેર તાલીમ આપવામાં આવે છે.સંસ્થા મનોદિવ્યાંગ બહેનોની ડિસેબિલિટી ઘટાડવા માટે ખાનગી ડોકટરો અને તજજ્ઞો દ્વારા ફિઝિયોથેરાપી,ઓક્યુપેશનલ થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી સ્પીચ એન્ડ લર્નિંગ, આર્ટ એન્ડ ક્રાફટ, મ્યુઝિક એન્ડ ડાન્સ, સાઉન્ડ હીલિંગ, હાઇડ્રો અને પ્લે થેરાપી આપવામાં આવે છે. તેમજ સ્પેશિયલ એજ્યુકેશન, પ્રિ-વોકેશનલ તાલીમ, બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. દીકરીઓને પ્રવાસમાં પણ લઈ જવામાં આવે છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં પણ દીકરીઓએ નામ રોશન કર્યું છે. જે થેરાપી દ્વારા દિવ્યાંગ દીકરીઓની તકલીફ ઝડપથી દૂર થઈ શકે તે થેરાપી શરૂ કરવામાં આવી છે.ખાનગી હોસ્પિટલમાં એક ક્લાકની જે થેરાપીના આશરે 1100 થી 1200 રૂપિયા ચાર્જ લેવાય છે તે અહીં નિ:શુલ્ક આપવામાં આવશે.

Advertisement

દિવ્યાંગ બાળકોને પ્રેમ આપો

દિવ્યાંગ બાળકો સમાજની ઉપેક્ષાનો ભોગ બનતા હોય છે જે બાબતે દીપિકાબેને જણાવ્યું કે ઘણી વખત આવા બાળકોની સમાજમાં મશ્કરી થતી હોય છે પરંતુ આવું વર્તન યોગ્ય નથી.તેઓને તમારી દયાની નહીં પરંતુ પ્રેમ અને હૂંફની જરૂર છે.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ