Site icon Gujarat Mirror

પડધરીના ખેડૂતને સોની વેપારીએ નકલી ચાંદીની વસ્તુ ધાબડી દીધી

ચાંદીની મૂર્તી, તુલસી કયારો અને કંકાવટીને બદલે ધાતુની વસ્તુ પધરાવી દેતા ફરીયાદ

પડધરીના મેઈન બજારમાં આવેલ જાણીતી દુકાન ’ચેતન જ્વેલર્સ’ના માલિક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાલા સામે ગ્રાહક સાથે ચાંદીના નામે નકલી સફેદ ધાતુની વસ્તુઓ પધરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વર્ષ 2016માં અસલી ચાંદી ગણીને વેચેલી મૂર્તિઓ, તુલસી ક્યારો અને કંકાવટી નકલી હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં સામે આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગતો અનુસાર, પડધરીના નાના રજપૂતપરા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય ખેડૂત મુકેશભાઈ રણજીતભાઈ ગોહેલે 16 સપ્ટેમ્બર 2026ના રોજ પડધરી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, દશેક વર્ષ પહેલાં એટલે કે 08 ફેબ્રુઆરી 2016ના રોજ તેમણે ચેતન જ્વેલર્સમાંથી અસલી ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, ગાય અને તુલસી ક્યારો મળી કુલ રૂૂ.2,337ની રોકડ ચૂકવી ખરીદી કરી હતી.
ત્યારબાદ 17 સપ્ટેમ્બર 2016ના રોજ ચાંદીની કંકાવટી રૂૂ.2,500ની કિંમતમાં ખરીદી હતી. આમ, તેમણે કુલ રૂૂ.4,837ની રોકડ ચૂકવી આ દાગીના ખરીદ્યા હતા, જેનું પાકું બિલ પણ વેપારીએ આપ્યું હતું.

તાજેતરમાં ખેડૂત પરિવારને અચાનક નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં તેઓ આ ચાંદીની વસ્તુઓ વેચવા માટે ચેતન જ્વેલર્સની દુકાને ગયા હતા. પરંતુ વેપારી ચેતનભાઈએ “આ વસ્તુઓની વર્તમાન કિંમતના માત્ર 20 ટકા રકમ જ મળશે” તેમ કહેતા ગ્રાહકને શંકા ગઈ હતી. જેથી તેમણે પડધરીના અન્ય સોની પાસે તપાસ કરાવતાં આ વસ્તુઓ નકલી હોવાની જાણ થઈ હતી. વધુ ખાતરી માટે રાજકોટ સોની બજાર સ્થિત ’વી.જી. ટેક લેબ’ માં ટેસ્ટ કરાવતાં આ તમામ વસ્તુઓ ચાંદીની ન હોવાનું અને નકલી સફેદ ધાતુની હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું.

પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની ખાતરી થતાં મુકેશભાઈ ગોહેલે ખરીદીના અસલ બિલ તથા લેબ રિપોર્ટના પુરાવા સાથે પડધરી પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે પોલીસે આરોપી ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાલા (રહે. પારસ સોસાયટી, પડધરી) સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પડધરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.પી.મકવાણા ચલાવી રહ્યા છે.

Exit mobile version