ગુજરાત
કાલાવડ રોડ અંડરબ્રિજ પાસે સેતુબંધ સોસાયટીમાંથી દારૂ ભરેલી કાર ઝડપાઇ
રૂા.1.14 લાખનો 180 બોટલ દારૂ અને કાર મળી રૂા.3.15 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
શહેરના કાલાવડ રોડ અંડરબ્રીજ પાસે આવેલી સેતુબંધ સોસાયટીમાંથી પોલીસે બાતમીના આધારે રૂા.1.14 લાખનો દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમબ્રાન્ચના કોન્સ. વિશાલ દવે, અમિત અગ્રાવત, રાજેશ જલુ, અશોક ડાંગર સહિતનો સ્ફાટ પેટ્રોલિગમાં હતો દરમિયાન કાલાવડ રોડ અંડરબ્રીજ પાસે સેતુબંધ સોસાયટીમાં રહેતો સંજય સોલંકી ઘર પાસે પોતાની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉભો હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઇ દરોડો પાડી સંજય મુળુભાઇ સોલંકીને ઝડપી લીધો હતો.
કારની તલાશી લેતા પાછળની સીટ અને ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ નં.180 (કિ.1,14,480) મળી આવતા પોલીસે દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂા.3,15,480નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.