ક્રાઇમ
રાજકોટ સહિત ગુજરાતભરમાં બસમાં મુસાફરોને બેભાન કરી ચોરી કરતો વેપારી પકડાયો
રાજકોટ, ઉપલેટા, ભૂજ અને સુરતની 9 ચોરીનો ભેદ ખુલ્યો : ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી. ડોડિયા અને ટીમની કામગીરી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં બસમાં મુસાફરી કરતા મુસાફરોને બેભાન કરીને સોનાના દાગીના લુંટતા ડાકોરના વેપારીને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઈ 6 ગૂનાના ભેદ ઉકેલી નાખી પાંચ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. છેલ્લા દોઢ વર્ષથી આ શખ્સે 9 મુસાફરોને બેભાન બનાવી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક શખ્સ કે જે મુસાફરોને બેભાન બનાવી ચોરી કરતો હોય તે ટ્રાવેલ્સમાં સૂરત તરફ જવાનો હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી. ડોડિયા અને તેમની ટીમે તેને ઝડપી લીધો હતો. મુળ બરવાડાના કોલારપુરનો વતની અને હાલ ડાકોર બંશી એપાર્ટમેન્ટમાં રહેતો એન કપડાની દુકાન ચલાવતો મહેન્દ્રસિંહ હરુભા ચુડાસમા ઉ.વ.45ને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પુછપરછમાં 9 ચોરીના ભેદ ખુલ્યા હતાં.
જેમાં રાજકોટના બે બનાવોમાં બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં ગત તા. 15 ઓગસ્ટના રોજ રાજકોટની પંચનાથ સોસાયટીમાં રહેતા રણછોડભાઈ અરજણભાઈ દેસાઈ કે જે ગ્રીનલેન્ડ ચોકડીથી સુરત પોતાના મિત્રના ઘરે વાસ્તુમાં જતા હતાં ત્યારે તેમની બાજુમાં બસમાં બેઠેલા શખ્સે બિસ્કીટ ખવડાવી દાગીના અને રોકડ સહિત રૂા. 1.65 લાખની મત્તા ચોરી લીધી હતી. બીજી ફરિયાદમાં ગત તા. 9 ડિસેમ્બરના રોજ રાજકોટના ફરસાણના વેપારી વિજયભાઈ કિશોરભાઈ હાંસલિયા કે જેઓ સુરતથી રાજકોટ આવ્યા હોય તે તેમની બાજુમાં બેઠેલા મુસાફરે તેમને બેભાન કરી રોકડ અને દાગીના સહિત રૂા. 1.70 લાખની મત્તા ચોરી લીધી હતી.
આવો જ એક બનાવ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાયો હતો. જેમાં સુરતના વેપારી હરસુખભાઈ મેઘજીભાઈ સાવલિયા કે જેઓ સુરતથી ગઈ તા. 6 સપ્ટેમ્બરના રોજ પ્રભાત ટ્રાવેલ્સની ઓફિસેથી બસમાં જેતપુર આવવા નિકળ્યા ત્યારે તેમના બાજુમાં બેઠેલા શખ્સે નાસ્તામાં ઘેની પદાર્થ ખવડાવી બેભાન કરી રોકડ સહિત રૂા. 1.79 લાખની મત્તા ચોરી લીધી હતી. આવા બનાવોમાં સુરતમાં પણ બે ફરિયાદ અને એક ભૂજમાં ફરિયાદ થઈ છે. જ્યારે પૂછપરછમાં વધુ 9 ચોરીની કબુલાત તેણે આપી છે.
ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.ડી. ડોડિયા સાથે તેમની ટીમના પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઈ રૂપાપરા, અમિતભાઈ અગ્રાવત, દિપકભાઈ ચૌહાણ, યુવરાજસિંહ ઝાલા, રાજેશભાઈ જડુ, અશોકભાઈ ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
બિસ્કિટ ખાધા બાદ બે દિવસે ભાનમાં આવતો
મહેન્દ્રસિંહ ચોરી કરવા માટે પ્રથમ ખાનગી ટ્રાવેલ્સ જ્યાંથી ઉપડતી હોય તેવા બસ્ટેન્ડે શિકારની શોધ કરતો અને પરિચય કેળવી ઉંઘની ગોળી ઓગાળી તે બિસ્કીટમાં ભેળવી દેતો અને આ ઘેન વાળુ બિસ્કીટ મુસાફરને ખવડાવી દેતો હતો. આ બિસ્કીટ ખાધા બાદ મુસાફર બે દિવસ સુધી ભાનમાં આવતો નહીં અને તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવો પડે તેવી સ્થિતિ પણ ઉભી થતી હતી. બેભાન બનાવી મુસાફરે પહેરેલા સોનાા દાગીના અનેરોકડ રકમ મહેન્દ્રસિંહ ચોરી લેતો હતો. તેને આ મોડેસ ઓપેન્ડી 1997ની શાલમાં તેના મિત્ર નયન પ્રવિણચંદ કનૈયા પાસેથી આ ટેક્નિક શીખી હોય જેમાં અગાઉ પણ તે વડોદરા રેલવે પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે.
રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં દોઢ વર્ષમાં 9 ગુનાને અંજામ આપ્યો
કપડાનો વેપાર કરતા ડાકોરના મહેન્દ્રસિંહ ચુડાસમાને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા બાદ પુછપરછમાં તેણે દોઢ વર્ષમાં 9 ગુનાને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું હતું. કપડાનો વેપાર કરતો મહેન્દ્રસિંહ જ્યારે આર્થિક સંકડામણમાં આવતો ત્યારે તે આ રીતે મુસાફરને બેભાન બનાવી ચોરી કરતો હતો. છેલ્લા દોઢ વર્ષમાં તેણે નવ ગુનાને અંજામ આપ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભૂજ સહિતના અનેક સ્થળોએ મુસાફર બનીને બસમાં મુસાફરી કરી તેના બાજુની સીટના મુસાફરને મિત્રતા કેળવી ઘેની બિસ્કીટ ખવડાવીને રોકડ અને દાગીના ચોરી લીધા હોવાનું કબુલ્યું હતું.