Site icon Gujarat Mirror

ભાયાવદરના વેપારી સાથે સોલાર ફીટ કરી દેવાના નામે રૂા.1.19 લાખની ઠગાઈ

સોલાર રૂૂફટોપ યોજનાના નામે સસ્તા દરે પેનલ ફિટ કરી આપવાની લાલચ આપી લોકોના ખિસ્સા ખંખેરતી એક ઠગ ટોળકી સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગરની ‘ઇન્ટીફાય સોલાર પ્રા. લિ.’ કંપનીના સંચાલકોએ ભાયાવદરના એક વેપારીને વિશ્વાસમાં લઈ, લોન કરાવી આપી કુલ રૂૂ.1,19,400ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.

વિગતો મુજબ, ભાયાવદરની ખોડીયાર સોસાયટીમાં રહેતા રસિકભાઈ નારણભાઈ ગોહેલે સોશિયલ મીડિયામાં “Intify Solar Jamnagar”ની એડવર્ટાઇઝ જોઈ હતી. તેના પર ક્લિક કરતા જ સ્નેહા નામની મહિલાનો ફોન આવ્યો હતો. સ્નેહાએ જણાવ્યું હતું કે, તેમની કંપની સસ્તામાં સોલાર ફિટ કરી આપશે અને લોનની વ્યવસ્થા પણ કરી દેશે. ત્યારબાદ શૈલેષ નામના વ્યક્તિએ ઘરે આવી સર્વે કર્યો હતો. ઠગ ટોળકીએ રસિકભાઈના ડોક્યુમેન્ટ્સ લઈ ભાયાવદરની એસબીઆઈ બેંકમાં રૂૂ. 1,42,000ની લોન મંજૂર કરાવી હતી. લોન મંજૂર થયા બાદ સ્નેહાએ રસિકભાઈ પાસે રૂૂ.20,000 ડાઉન પેમેન્ટની માંગણી કરી હતી, જે તેમણે કંપનીના માલિક કાનાભાઈ મેરામણભાઈ બરડીયાવદરાના ખાતામાં જમા કરાવ્યા હતા. આટલું જ નહીં, બેંક દ્વારા લોનનો પ્રથમ હપ્તો રૂૂ.99,400 પણ કંપનીના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો હતો. નાણાં મળી ગયા પછી જ્યારે રસિકભાઈએ સોલાર ફિટ કરવા બાબતે પૂછ્યું, ત્યારે સ્નેહા મેડમ અને અફજલ નામના શખ્સે દિવાળી વેકેશન અને અન્ય બહાના બતાવી સમય પસાર કર્યો હતો. બીજી તરફ, રસિકભાઈના ખાતામાંથી લોનના હપ્તા કપાવાના પણ શરૂૂ થઈ ગયા હતા.

રસિકભાઈને જ્યારે સોશિયલ મીડિયા મારફતે જાણવા મળ્યું કે આ કાનાભાઈ બરડીયાવદરાએ અગાઉ પણ ઘણા લોકોને આ જ રીતે છેતર્યા છે, ત્યારે તેમને પોતાની સાથે થયેલી ઠગાઈનો અહેસાસ થયો હતો. અંતે તેમણે કાનાભાઈ મેરામણભાઈ બરડીયાવદરા (માલિક, ઇન્ટીફાય સોલાર),સ્નેહા (મેડમ),અફજલભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ભાયાવદર પોલીસે આ મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકીએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં અનેક લોકોને સોલારના નામે શીશામાં ઉતાર્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈપણ અજાણી કંપનીને નાણાં ચૂકવતા પહેલા તેની વિશ્વસનીયતા તપાસી લેવી.

Exit mobile version