રહેવા- જમવાની શાહી સુવિધા, IRCTC દ્વારા 33 ટકા જેવું માતબર ડિસ્કાઉન્ટ, ત્રણ શ્રેણીમાં બુકિંગ
શિવભક્તિમાં લીન થવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ભારતીય રેલવેની પાંખ IRCTC એક શાનદાર ભેટ લઈને આવ્યું છે. 11 માર્ચના રોજ ભાગલપુરથી ઉપડનારી ’ભારત ગૌરવ યાત્રા’ ટ્રેન શિવભક્તોને દેશના પવિત્ર જ્યોતિર્લિંગોના દ્વારે લઈ જશે. આઠ રાત અને નવ દિવસની આ યાત્રામાં ભક્તોને ઉજ્જૈનનું મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ સોમનાથ, નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમજ દ્વારકાધીશ અને અક્ષરધામ મંદિરના દર્શન કરાવવામાં આવશે. ખાસ વાત એ છે કે રેલવે આ પેકેજ પર 33 ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ આપી રહી છે, જેના કારણે મધ્યમ વર્ગના પરિવારો માટે પણ આ ધાર્મિક પ્રવાસ હવે સપનું નહીં રહે.
આ યાત્રાની સૌથી મોટી વિશેષતા એ છે કે પ્રવાસીઓએ ખાવા-પીવા કે રહેવાની સહેજ પણ ચિંતા કરવાની રહેશે નહીં. પેકેજમાં ટ્રેન ટિકિટની સાથે હોટલમાં રોકાણ, શુદ્ધ શાકાહારી ત્રણ સમયનું ભોજન, સ્થાનિક ફરવાલાયક સ્થળો માટે બસની સુવિધા અને મુસાફરી વીમો પણ સામેલ છે. IRCTC એ મુસાફરોની સુવિધા માટે ત્રણ શ્રેણીઓ રાખી છે. ઇકોનોમી (સ્લીપર) માટે માત્ર ₹18,850, સ્ટાન્ડર્ડ (3 ac) માટે ₹33,995 અને કમ્ફર્ટ (2 અઈ) માટે ₹41,990 નક્કી કરવામાં આવ્યા છે. ભક્તો 62908 61600 જેવા હેલ્પલાઇન નંબરો પર ફોન કરીને પોતાનું બુકિંગ કરાવી શકે છે.
આ ટ્રેન ભાગલપુરથી ઉપડીને જમાલપુર, પટના, ગયા અને પ્રયાગરાજ જેવા મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે, જેથી અલગ-અલગ વિસ્તારોના શ્રદ્ધાળુઓ આસાનીથી આ યાત્રામાં જોડાઈ શકે. રેલવેએ રિફંડ પોલિસી પણ ખૂબ જ ઉદાર રાખી છે, જેમાં 15 દિવસ પહેલા ટિકિટ રદ કરાવવા પર માત્ર ₹250 કપાઈને બાકીની રકમ પરત મળી જશે. જોકે, મુસાફરી માટે કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર સાથે રાખવું અનિવાર્ય છે. મહાશિવરાત્રી બાદ શરૂૂ થનારી આ યાત્રાને લઈને અત્યારથી જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બુકિંગ માટે પડાપડી થઈ રહી છે.

