Site icon Gujarat Mirror

હોળી-ધૂળેટીમાં 6750 ઇમર્જન્સી કોલ આવવાની શક્યતા, રાજ્યમાં 1750થી વધુ એમ્બ્યુલન્સ તૈનાત

ગૂગલ મેપથી હોટસ્પોટ નકકી કરાયા, સૌથી વધુ જોખમ સુરતમાં

માર્ગ અકસ્માત, ઉંચાઇએથી પટકાવા, પાણીમાં ડૂબવા અને મારામારીની ઘટનાઓ અંગે એલર્ટ

રાજ્યભરમાં જ્યારે હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે, ત્યારે 108 ઇમરજન્સી સેવાએ પણ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કમર કસી છે. અગાઉના વર્ષોના ડેટાના આધારે આ વર્ષે ઇમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં એમ્બ્યુલન્સ અને સ્ટાફની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

108 સેવાના CEO જસવંત પ્રજાપતિના જણાવ્યા અનુસાર, હોળીના દિવસે કેસમાં 12% અને ધૂળેટીના દિવસે 44% જેટલો મોટો વધારો થવાનું અનુમાન છે. સામાન્ય દિવસોમાં આવતા 4680 કોલની સામે આ વર્ષે ધૂળેટીએ 6750 જેટલા ઇમરજન્સી કોલ્સ આવવાની શક્યતા છે. ખાસ કરીને માર્ગ અકસ્માત અને અન્ય ઇજાઓમાં મોટો ઉછાળો જોવા મળે છે. ઊંચાઈ પરથી પડી જવું, પાણીમાં ડૂબવું, મારામારીના કિસ્સાઓ અને ઝેર પીવાના કેસોમાં ધૂળેટીના પર્વ પર નોંધપાત્ર વધારો થતો હોય છે.

સૌથી વધુ સુરત શહેરમાં ઇમરજન્સી કેસમાં 53%નો વધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, આણંદ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ ઇમરજન્સીની સંખ્યા વધવાની શક્યતા છે. રાજ્યભરમાં હાલ 800 જેટલી 108 એમ્બ્યુલન્સ, 38 ઈંઈઞ ઓન વ્હીલ્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલોની 500થી વધુ એમ્બ્યુલન્સ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. કુલ મળીને 1750થી વધુ એમ્બ્યુલન્સ લોકોની સેવામાં હાજર રહેશે.

ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટે ગૂગલ મેપ્સ દ્વારા ’હોટસ્પોટ’ નક્કી કરવામાં આવ્યા છે, જેથી એમ્બ્યુલન્સને વ્યૂહાત્મક સ્થળોએ તહેનાત કરી શકાય અને ગોલ્ડન અવરમાં દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે. આમ, હોળી-ધૂળેટીના તહેવારોમાં લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે 108 તંત્ર સજ્જ છે. નાગરિકોને પણ વિનંતી છે કે સાવચેતીપૂર્વક તહેવાર ઉજવે અને કોઈપણ કટોકટીમાં તાત્કાલિક 108 પર સંપર્ક કરે.

Exit mobile version