બનાસકાંઠાનો પરિવાર અસ્થિ વિસર્જન માટે સોમનાથ જતો હતો ત્યારે બંધ ટ્રક પાછળ અર્ટિગા કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો
જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામ પાસે ફોર-ટ્રેક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રસ્તા પર બંધ ઊભેલા એક ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટિગા કાર ઘૂસી જતાં ઘટનાસ્થળે જ 4 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. બનાસકાંઠાનો પરિવાર સોમનાથ અસ્થિ વિસર્જન માટે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાનો એક પરિવાર પોતાની અર્ટિગા કારમાં સોમનાથ ખાતે અસ્થિ વિસર્જનની વિધિ માટે જઈ રહ્યો હતો. મજેવડી ગામ નજીક હાઈવે પર એક ટ્રક બંધ હાલતમાં ઊભો હતો. કાર ચાલકે કાબુ ગુમાવતા અર્ટિગા કાર ધડાકાભેર આ ટ્રકની પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગોઝારી ઘટનામાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયા હતા.
કારમાં સવાર અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સદ્દનસીબે આ ભયાવહ અકસ્માતમાં એક બાળકનો આબાદ બચાવ થયો છે. ઘાયલ થયેલા 4 લોકોમાંથી બેની હાલત અત્યંત નાજુક હોવાથી તેઓને તાત્કાલિક ધોરણે આઈસીયુ (ઈંઈઞ)માં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો અને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત ઉઠાવીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને બનાસકાંઠામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

