Site icon Gujarat Mirror

ધોરાજી પાસે ઈનોવા પલટી જતાં 4ના મોત, બે ઘવાયા

સુપેડી પંથકમાં PGVCLના ચેકીંગનું વીડિયો શુટીંગ કરવા જતાં હતા ત્યારે બનેલો બનાવ

રસ્તાનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝનમાં જનાવર આડુ આવતા નડેલો અકસ્માત

ધોરાજી-ઉપલેટા હાઈવે પર સુપેડી નજીક વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત થયા હતા જ્યારે બેને ઈજા થતાં સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પીજીવીસીએલના વીડિયો ગ્રાફીનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર સહિત 4 વ્યક્તિઓ પીજીવીસીએલની ટીમની ચેકીંગની કામગીરીનું વીડિયો સુટીંગ માટે ઈનોવા લઈને સુપેડી જવા નિકળ્યા હતાં ત્યારે રસ્તામાં ડાયવર્ઝન હોય તે દરમિયાન રોડ ઉપર કોઈ જાનાવર આડુ ઉતરતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ઈનોવા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જેમાં ત્રણ ધોરાજીના અને એક જૂનાગઢના વ્યક્તિનું મોત થયું હતું.

મળતી વિગતો મુજબ ધોરાજીમાં આવેલ રાજસ્ટૂડિયોને પીજીવીસીએલની ચેકીંગ કામગીરીના વીડિયો સુટીંગનો કોન્ટ્રાક્ટ મળ્યો હોય પીજીવીસીએલની ટીમ આજે ધોરાજી પંથકમાં સુપેડી નજીક ચેકીંગ માટે ગઈ હોય જેનું વીડિયો સુટીંગ કરવા માટે ધોરાજીના કિશોર ચંદુભાઈ હિરાણી ઉ.વ.64, વલ્લભ ધિરજભાઈ રૂઘાણી ઉ.વ.57, આસિફ મહમદભાઈ સુમરા અને જૂનાગઢનો આફતાબ પઠાણ તેમજ રસ્મીન ગાંધી અને ગૌરવ રૂઘાણી ઈનોવા કાર નંબર જીજે 11 એબી 7151 લઈને ધોરાજીથી સુપેડી તરફ જવા નિકળ્યા હતાં.

ઈનોવા કાર ગૌરાંગ રૂઘાણી ચલાવતો હતો જ્યારે બાકીના વ્યક્તિઓ કારમાં બેઠા હતાં. ધોરાજીથી થોડે દૂર સુપેડીના રસ્તે પહોંચ્યા ત્યારે રોડનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયું હોય તે દરમિયાન રોડ ઉપર કોઈ જનાવાર આડુ આવતા ગૌરાંગે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ઈનોવા પલ્ટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં ઈનોવામાં બેઠેલા વલ્લભભાઈ રૂઘાણી, કિશોરભાઈ, મહોમદ અને આફતાબનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે રસ્મીન ગાંધી અને ગૌરાંગને સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાં ધોરાજી પોલીસ મથકનો સ્ટાફ તેમજ ટ્રાફિક પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ચારેય મૃતકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોટર્મ અર્થે મોકલી આપ્યા હતાં.
જ્યારે ઈજાગ્રસ્તોને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યા બાદ ઈનોવા રોડ પાસે ઝાડ સાથે અથડાઈને ત્યાર બાદ રોડ નીચે પલ્ટી ખાઈ ગઈ હતી અને અંદર બેઠેલા કિશોરભાઈ, વલ્લભાઈ, આફતાબ અને મહમદનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

મૃતકોમાં ત્રણ ધોરાજીના અને એક જૂનાગઢના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ હોસ્પિટલે દોડી આવ્યા હતાં. ચાર મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલમાં કલ્પાંત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Exit mobile version