ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનું પગલું ભર્યું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાર્ટીએ ચાર મહામંત્રીઓને રાજ્યના વિવિધ ઝોનની જવાબદારી સોંપી છે. આ જવાબદારીઓનું વિભાજન રાજ્યને સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ઝોનમાં વહેંચીને કરવામાં આવ્યું છે, જેથી સંગઠનની કામગીરી વધુ અસરકારક અને વિસ્તૃત બની શકે, સાથે જ કામ પણ સરળતાપૂર્વક કરી શકાય. આ પગલું આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, મહામંત્રી ડો. પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોન તથા મુખ્ય મથક પ્રભારીની જવાબદારી આપવામાં આવી છે.
પ્રશાંત કોરાટ રાજકોટ જિલ્લાના છે અને તેમની પાસે યુવા મોરચા અને અન્ય જવાબદારીઓનો અનુભવ છે. દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂૂચ, નર્મદા જેવા જિલ્લાઓ આવે છે, જે આર્થિક રીતે મજબૂત વિસ્તાર છે. આ ઉપરાંત મુખ્ય મથક પ્રભારી તરીકે તેમને પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયની કામગીરી પણ સોંપવામાં આવી છે.આ નવી વ્યવસ્થા અનુસાર, મહામંત્રી અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. અનિરુદ્ધ દવે કચ્છ જિલ્લાના અનુભવી નેતા છે અને તેમને સૌરાષ્ટ્ર જેવા મહત્વના વિસ્તારમાં સંગઠનને મજબૂત કરવાનું કામ સોંપાયું છે. સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે, જે પાર્ટી માટે હંમેશા મહત્વનો રહ્યો છે.
મહામંત્રી અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપાઈ છે. અજય બ્રહ્મભટ્ટ ખેડા જિલ્લાના છે અને તેમને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં સંગઠન વિસ્તારવાનું કામ મળ્યું છે. આ વિસ્તારમાં પાટીદાર અને અન્ય સમુદાયોનું પ્રભુત્વ છે, તેથી આ જવાબદારી મહત્વની છે.મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી આપવામાં આવી છે. હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લાના ક્ષત્રિય નેતા છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓમાં તેઓ સંગઠનને મજબૂત કરશે. આ વિસ્તાર રાજ્યનું આર્થિક અને રાજકીય કેન્દ્ર છે.
આ નિમણૂકો તાજેતરમાં જ જાહેર કરાયેલી નવી પ્રદેશ કારોબારીના ભાગરૂૂપે છે, જેમાં 10 ઉપાધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આ ટીમમાં અનુભવી અને યુવા ચહેરાઓનું સંતુલન જોવા મળે છે, જેમાં વિવિધ જિલ્લા અને સમુદાયોનું પ્રતિનિધિત્વ છે. પાર્ટીના નેતૃત્વે આ પગલું બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત કરવા અને આગામી ચૂંટણીઓમાં વિજય મેળવવા માટે લીધું છે.

