યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે ‘51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિ-દિવસીય મહોત્સવમાં દેશ-વિદેશમાં સ્થાપિત 51 શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લહાવો લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ 3,09,934 શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો હતો. સમગ્ર ગબ્બર વિસ્તાર ‘જય અંબે’ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણમાં પરિક્રમા પથ ભક્તોથી ઉભરાયો હતો.
બનાસકાંઠા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુખ-સુવિધા માટે વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
ખાસ કરીને શ્રદ્ધાળુઓને પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબિકા ભોજનાલય, આર.ટી.ઓ. સર્કલ, જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ અને કોલેજ રોડ જેવા મુખ્ય કેન્દ્રો પર વિશાળ ડોમ બનાવી નિશુલ્ક ભોજનની સુચારુ વ્યવસ્થા ઉભી કરાઈ હતી. લાખો શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. તંત્ર દ્વારા સ્વચ્છતા, પીવાના પાણી અને આરોગ્યની સેવાઓ પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી. ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ભક્તો માટે તંત્ર દ્વારા ખાસ નિશુલ્ક બસ સેવાનું આયોજન કરાયું હતું.
યાત્રાધામ અંબાજીમાં યોજાયેલી ત્રિ-દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમામાં 3 દિવસમાં 3,09,934 લોકોએ પરિક્રમા કરી દર્શનનો લાભ લીધો હતો. જેમાં પ્રથમ દિવસે 69,283, બીજા દિવસે 96735 અને ત્રીજા દિવસે 1,43916 લોકોએ પરિક્રમા કરી હતી. જ્યારે અંબાજી મંદિરમાં 3 દિવસમાં કુલ 1,75,086 ભક્તોએ દર્શન કર્યાં હતાં. જેમાં પ્રથમ દિવસે 35873, બીજા દિવસે 49032 અને ત્રીજા દિવસે પૂનમે 90,181 ભક્તોએ માતાજીનાં દર્શન કર્યા હતા. આ ઉપરાંત રોપ-વે દ્વારા 3 દિવસમા કુલ 16,378 ભક્તોએ મુસાફરી કરી હતી જ્યારે નિ:શુલ્ક ભોજન પ્રસાદનો લાભ 3 દિવસમાં 1,34,988 ભાવિકોએ લીધો હતો. ત્રિ-દિવસીય મહોત્સવમાં મોહનથાળ પ્રસાદ 3 દિવસમાં 1,44,809 લોકોએ પ્રસાદ લીધો હતો. જ્યારે 3 દિવસમાં 12,198 ભાવિકોએ ચીકી પ્રસાદ લીધો હતો.
ગબ્બર પરિક્રમા પથ 2.8 સળમાં આવેલો છે જ્યાં અલગ-અલગ 50 જેટલા શક્તિપીઠના મંદિર બનાવવામાં આવ્યા છે, આ તમામ પરિક્રમા પથ ઉપર સૌથી મોટું શક્તિપીઠ અને મંદિર આસામનું કામાખ્યા મંદિર છે. આ મંદિર સંકુલમાં આવતાં સ્વર્ગની અનુભૂતિ થાય છે. મોટીસંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવ્યા હતા.

