મંદિરના ફાળાના વિવાદમાં ટોળાએ ભાવેશ રબારીના ઘર અને પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે ગત મોડી રાત્રે રામાપીરના મંદિરના ફાળા બાબતે થયેલી હિંસક અથડામણ અને પોલીસ પરના હુમલાની ઘટનામાં તંત્રએ લાલ આંખ કરી છે.
આ મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) આર. એચ. સોલંકી અને 5 જી.આર.ડી. (GRD) જવાનો મળી કુલ 13 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંદિરના વિવાદમાં ઉશ્કેરાયેલા ટોળાએ ભાવેશ રબારીના ઘર અને પોલીસની 112 વાન પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો હતો.
ઝીલિયા ગામે નિર્માણ પામી રહેલા રામાપીરના નવીન મંદિરના ફાળાની ઉઘરાણી અને વ્યવસ્થાપનને લઈને ભાવેશ રબારી અને મુખ્ય આરોપી જીતુભા વચ્ચે લાંબા સમયથી મનદુ:ખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખીને ગત મોડી રાત્રે જીતુભા અને તેના 15 થી 20 શખ્સોના ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરો લાકડી, ધોકા અને અન્ય પ્રાણઘાતક હથિયારો સાથે ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા અને ગામમાં આતંક મચાવ્યો હતો.
હુમલાખોરોએ ભાવેશ રબારીના ઘરને નિશાન બનાવી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ બનેલું ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું. ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા દોડધામ કરવી પડી હતી.
ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચેલી પોલીસની 112 વાન પર પણ ટોળાએ હુમલો કરતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. જિલ્લા પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈ કડક પગલાં ભર્યા છે. ચાણસ્માના પી.આઈ. આર. એચ. સોલંકી, એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સહિત 8 કાયમી પોલીસકર્મીઓ તથા 5 જી.આર.ડી. જવાનોને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

