Site icon Gujarat Mirror

10 વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદો

72 કર્મચારીઓએ નોકરી ગુમાવવી, છેલ્લા ત્રણ વર્ષમાં જ 156 કેસ સામે આવ્યા

રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં જાતિના ખોટા દાખલાની 1084 ફરિયાદો મળી છે અને 72 કર્મચારીઓએ આ કારણોસર નોકરી ગુમાવી છે. એમાં છેલ્લા ત્રણ વર્ષમાં 156 જેટલા ખોટા જાતિના સર્ટિફિકેટના કેસ સામે આવ્યા છે.

ખોટા જાતિના સર્ટિફિકેટ બતાવીને અનામત સીટ પર પોલીસ અધિકારીની નોકરી મેળવનારા સુરતના એસીપી બી.એમ.ચૌધરીને તાત્કાલિક આદેશથી નોકરી પરથી ફરજમુક્ત કરવાં આવ્યા. ચૌધરીએ અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ મેળવીને 1993ની સબ ઈન્સ્પેક્ટરની ભરતીમાં નોકરી મેળવી હતી અને તેઓ જૂન 30મીના રોજ નિવૃત્ત થવાના હતા. તેમની સમગ્ર તપાસ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ચાલી રહી હતી.

ગત વર્ષ બરડા અને ગીરમાં વસતાં માલધારીઓના સરનામા બતાવીને પણ બે કર્મચારીઓએ પોતાને ખોટી રીતે અનુસૂચિત જનજાતિમાં આવતા હોવાની બાબતે સરકાર દ્વારા શિક્ષાત્મક પગલાંના ભાગરુપે પગાર સાથે વસુલી અને ફરજ મોકૂફી કરવામાં આવી હતી. ગુજરાત સમાજ કલ્યાણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 156 જેટલા ખોટા જાતિના સર્ટિફિકેટના કેસ સામે આવ્યા છે.

છેલ્લા દસ વર્ષમાં ગુજરાત સરકારમાં વિવિધ વિભાગોમાં નિયુક્ત થયેલા સરકારી કર્મચારીઓ, મેડિકલના વિદ્યાર્થીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ 1084 જેટલી જાતિના ખોટા સર્ટિફિકેટની અરજીઓ સમાજ કલ્યાણ નિયામકની કચેરીમાં આવી હતી. જેમાંથી નિમણૂંક સમયે મળેલા સરકારી કર્મચારીઓના સર્ટિફિકેટની ખરાઈ કરીને તેમના આધારભૂત પુરાવા જોતાં 92 જેટલા કર્મચારીઓના ખોટા પુરાવાના બિડાણના આધારે સમાજ કલ્યાણ વિભાગે ડિસમીસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે ખોટી રીતે નોકરી મેળવવા માટે અત્યાર સુધી સરકારી વિભાગમાંથી મેળવેલા પગારની પણ રકમ ભરપાઈ કરાવવામાં આવી છે.

આ અંગે સરકારના સમાજ કલ્યાણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા મુજબ આ ખોટી રીતે જાતિના પ્રમાણપત્ર અને અન્ય પછાત વર્ગમાં ખોટી આવક બતાવવામાં જીપીએસસી, પોલીસ વિભાગ, મેડિકલ વિભાગ, શિક્ષણ વિભાગમાં અનેક અધિકારીઓ પકડાયા છે અને નોકરી ગુમાવી પડી છે. છતાં આવું થાય જ નહીં એ પ્રકારની કોઈ ચોક્કસ સિસ્ટમ નથી.

Exit mobile version