Editor's Choice
નૃત્યની સ્તુતિ દ્વારા માતાના સ્વપ્નને સાકાર કરતા મીરા નિગમ
Published
3 months agoon
By
ગુજરાત મિરર
પતિ નિગમ ઉપાધ્યાય આકાશવાણીના સુગમ સંગીતના ‘એ’ ગ્રેડના માન્ય કલાકાર છે તો બંને પુત્રી ભરતનાટ્યમમાં પારંગત છે
તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડમાં પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં તેઓના સ્ટુડન્ટ દ્વારા પર્ફોર્મ કરાયું અને જ્યોત પ્રગટાવવાનો મોકો મળ્યો
ભુજમાં નવરાત્રીના કાર્યક્રમ દરમિયાન એક માતા પોતાની ચાર વર્ષની નાનકડી દીકરીને લઈને એ કાર્યક્રમમાં પર્ફોર્મન્સ માટે આવ્યા હતા. નાની બાળકીનું પર્ફોર્મન્સ તો કેવું હોય? એમ વિચારી અને બીજા લોકોના પર્ફોર્મન્સ શરૂૂ થઈ ગયા હતા અને આ બાળકી પોતાના પરફોર્મન્સ ની રાહ જોતા ઊંઘમાં જોકા ખાઈ રહી હતી. કોઈએ ધ્યાન દોર્યું કે આ બાળકી સુઈ જશે એ પહેલાં તેનું પર્ફોર્મન્સ લઈ લો.માતાએ ગાયું અને તે ઢીંગલીએ બાળગીતમાં ખૂબ સુંદર પર્ફોર્મર્ન્સ કર્યું. મોટા લોકોની કૃતિ વચ્ચે આ નાની બાળકી લોકોની ખૂબ વાહ વાહી મેળવી ગઈ. એ સમયે લોકોને ક્યાં ખબર હતી કે આ નાનકડી દીકરી ફક્ત ભુજ નહીં પરંતુ દેશ-વિદેશમાં નૃત્ય દ્વારા ખ્યાતિ પ્રાપ્ત કરશે અને નૃત્યના ક્ષેત્રે અનેક પ્રતિભાઓને પણ આગળ લાવશે.આ નાનકડી દીકરી એટલે અનેક પુરસ્કાર વિજેતા, ભરતનાટ્યમના ખૂબ જાણીતા નૃત્યકાર એવા મીરા નિગમ ઉપાધ્યાય.
પોતાના આ પર્ફોર્મન્સને યાદ કરતા મીરાબેને જણાવ્યું કે નૃત્યના ક્ષેત્રમાં આગળ આવવું એ માતાનું સ્વપ્ન હતું. માતાને નૃત્યનો ખૂબ જ શોખ હતો પરંતુ સમય અને સંજોગોવશાત એ તેમાં આગળ વધી શક્યા નહીં, એ સ્વપ્નનું વાવેતર તેઓએ પોતાની દીકરીમાં કર્યું.ભુજમાં જન્મ અને ઉછેર. માતા ઉષાબેન ઠક્કર,પિતા વલ્લભભાઈ ઠક્કર અને નાનાભાઈ સમીર એમ ચાર સભ્યોના નાનકડા પરિવારમાં રહેતા મીરા નિગમ જ્યારે હેમામાલીની કે વૈજયંતીમાલાના ક્લાસિકલ ડાન્સના ફોટોગ્રાફ્સ જુએ ત્યારે થાય કે એક દિવસ હું પણ આ જ રીતે ડાન્સ કરીશ.
શાળામાં હતા ત્યાં સુધી ફિલ્મના ક્લાસિકલ-સેમિ ક્લાસિકલડાન્સ જોઇને પોતાની જાતે શીખતા અને કાર્યક્રમોમાં રજૂ કરતા પરંતુ 12 ધોરણ પછી નૃત્યની સાચી સાધના શરૂૂ થઈ.બરોડા ફેકલ્ટી ઓફ આર્ટસમાં એડમિશન લીધું સાથે સાથે બી.એ.નો અભ્યાસ પણ શરૂૂ કર્યો. કોલેજના સમયમાં લખનઉ, કાનપુર, દિલ્હી, મુંબઈ વગેરે જગ્યાએ નૃત્યના કાર્યક્રમોમાં ભાગ લીધો.બી.મ્યુઝ સાથે-સાથે બી.એ. ની ડિગ્રી અને હિસ્ટ્રી સાથે એમ.એ કર્યું.ભણવા સાથે નૃત્યની તાલીમ પણ ચાલુ જ હતી. પોતાના આરંગેત્રમ દરમિયાન ગુરુજી પદ્મભૂષણ સી.વી. ચંદ્રશેખરે કરેલ પ્રશંસા તેઓ માટે જીવનનું સંભારણું છે જેનાથી તેઓને આજે પણ ખુશી સાથે આત્મવિશ્વાસ મળતો રહે છે. દેશ-વિદેશમાં શો સહિતની નૃત્યની સાધના ચાલુ જ હતી એ દરમિયાન સ્કૂલના મિત્ર એવા નિગમ ઉપાધ્યાય સાથે લગ્નબંધનમાં બંધાયા. સાસરા પક્ષમાં પણ સસરા બંકીમભાઈ ઉપાધ્યાય,સાસુ કોકીલાબેન ઉપાધ્યાય અને નણંદ નિશાબેન કાપડિયા તથા બિનતાબેન શર્મા નો આ યાત્રામાં સાથ મળ્યો.નેવુંના દાયકામાં ભુજમાં ડાન્સના ક્લાસ શરૂૂ કર્યા એ દરમિયાન પુત્રી વંશીનો જન્મ થયો.પતિની રાજકોટમાં ટ્રાન્સફર થઈ જેથી નૃત્યની આ યાત્રાનો બીજો પડાવ રાજકોટમાં શરૂૂ થયો.રાજકોટ આવ્યા બાદ બીજી પુત્રી આશીનો જન્મ થયો. બંને પુત્રીઓ અને પરિવારની જવાબદારી વચ્ચે ક્લાસીસ શરૂૂ કર્યા.ભુજથી વાતાવરણ થોડું અલગ હોવાના કારણે થોડો સમય સંઘર્ષ કરવો પડ્યો. ધીમે ધીમે અહીં પણ વિદ્યાર્થીઓ શીખવા આવતા ગયા અને જાહેર કાર્યક્રમો દ્વારા ખ્યાતિ મળતી ગઈ. સ્તુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોર્મિંગ આર્ટસની સ્થાપના પણ કરી.પોતાની સફળતા માટે તેઓ પોતાના ગુરુ પદ્મભૂષણ સી.વી. ચંદ્રશેખર, જ્યુથીકા મેનન, ડો. પારૂલ શાહ, પ્રદીપ બરૂઆ, નરગીસ કોકપીટિયા વગેરેનો ખૂબ આભાર માને છે.
શાસ્ત્રીય નૃત્ય એક સાધના છે
શાસ્ત્રીય નૃત્ય એક સાધના છે.જે જીવન પર્યંત ચાલે છે.અત્યારના માતા-પિતાને પોતાના બાળકને જલ્દી શીખવી જલ્દી સફળતા મેળવવી છે જે યોગ્ય નથી.ડાન્સ તમને ડિસિપ્લિન શીખવે છે તેને તમારા જીવનનો એક ભાગ બનાવી લો.આ માટે તેઓ ખાસ મમ્મીઓની મીટિંગ લે છે અને સમજ આપે છે.
નૃત્ય તમને માનસિક આનંદ આપશે
મહિલાઓને સંદેશ આપતા મીરાબેને જણાવ્યું કે તમે હાઉસવાઈફ હો કે વર્કિંગ વુમન હો પરંતુ પોતાના માટે સમય કાઢો.નૃત્યમાં રસ લેતા થાવ. નૃત્ય તમને એક્સરસાઇઝની સાથે સાથે માનસિક આનંદ પણ આપશે. પોતાના વર્ગોમાં પણ એક બેચ મોમ્સ સ્પેશિયલ છે.દીકરીઓ સાથે માતા પણ ડાન્સ શીખે છે.
દેશ-વિદેશમાં ભરતનાટ્યમ દ્વારા ખ્યાતિ મેળવી
– તાજેતરમાં ચેસ ઓલિમ્પિયાડમાં પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં તેઓના સ્ટુડન્ટ દ્વારા પર્ફોર્મ કરાયું અને જ્યોત પ્રગટાવવાનો મોકો મળ્યો.
– કોલેજ દરમિયાન રશિયામાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ક્લોઝિંગ સેરેમનીમાં દસ દિવસ મોસ્કોમાં રહી શો કર્યા
– સાઉથ ઇસ્ટ એશિયાના છ દેશમાં બે મહિનાથી પણ વધુ સમયની ટૂર કરી ભરતનાટ્યમનો પ્રચાર કર્યો.
– ગૌરવ અપાવે એવા કાર્યક્રમો, કચ્છ રણોત્સવ,વાઇબ્રન્ટ ગુજરાત,ઉતરાર્ધ ફેસ્ટિવલ વગેરેમાં કોરિયોગ્રાફી કરવાની તક મળી.
– 2014માં ગુજરાત ગૌરવ પુરસ્કાર,નૃત્ય ક્ષેત્રમાં કામગીરી બદલ 2015માં એવોર્ડથી સન્માનિત થયા તેમજ 2012માં કચ્છ ગૌરવ પુરસ્કાર મળ્યો.
– આ સિવાય અનેક-અનેક યાદગાર કાર્યક્રમો આપ્યા છે તેમજ અનેક સ્ટુડન્ટ તૈયાર કર્યા છે.
સમગ્ર પરિવાર છે સૂર અને તાલ મય
બંને દીકરીઓ વંશી અને આશીને જાણે ગળથૂંથીમાં જ નૃત્ય મળ્યું હોય એમ બંને પણ ભરતનાટ્યમમાં પારંગત છે.પતિ આકાશવાણીમાં સિનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ છે તેમજ આકાશવાણીના સુગમ સંગીતના ‘એ’ ગ્રેડના માન્ય કલાકાર છે.ઘણી વાર એવું બનતું કે નિગમભાઈ ગાય અને મીરાબેન અને દીકરીઓ નૃત્ય કરે.આમ આખો પરિવાર સૂર-તાલથી તરબોળ છે.પતિ નિગમ ઉપાધ્યાય દરેક પગલે સાથ આપે છે તે માટે તેઓ પોતાને ભાગ્યશાળી માને છે.
- ભાવના દોશી
You may like
Editor's Choice
2002ની હિંસાનો મુદ્દો જીવંત રાખવામાં ભાજપને પણ રસ?
Published
4 days agoon
January 23, 2023By
ગુજરાત મિરર
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે ગુજરાતનાં 2002નાં રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ને ભારતમાં ફેલાતી રોકવા માટે આ ડોક્યુમેન્ટરી શેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મોદી સરકારે આ ડોક્યુમેન્ટરી શેર કરનારી ટ્વિટ્સને બ્લોક કરવા ફરમાન કર્યું છે. બીબીસીએ ભારતમાં આ ડોક્યુમેન્ટરી રીલીઝ નથી કરી પણ ઈન્ટરનેટને કોઈ સીમા નથી નડતી. આ કારણે કેટલીક યુટ્યુબ ચેનલે આ ડોક્યુમેન્ટરીને અપલોડ કરી છે. કેટલાક લોકો તેની લિંક શેર કરી રહ્યા છે.
ભારત સરકારના ફરમાન પછી વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબે વીડિયોને ફરીથી પ્લેટફોર્મ પર અપલોડ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્વિટરને પણ અન્ય પ્લેટફોર્મ પરથી વીડિયોની લિંક શેર કરનારા ટ્વિટ્સને બ્લોક કરવાનો આદેશ આપી દેવાયો છે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફરમાન કર્યું છે કે, બીબીસીના ડોક્યુમેન્ટરીના પહેલા એપિસોડને યૂટ્યુબ પર શેર કરનારા તમામ વીડિયોને બ્લોક કરવામાં આવે. ટ્વિટરને પણ 50થી વધુ ટ્વિટ્સ બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીબીસીના ડોક્યુમેન્ટરીમાં ગુજરાતનાં રમખાણો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઈશારે થયેલા એ પ્રકારના દાવા કરતા ઈન્ટરવ્યૂઝની ભરમાર છે. મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી દીધી છે ત્યારે વારંવાર એકની એક વાત કરાય તેનો અર્થ એ થાય કે, આ વાત કરવા પાછળ બદઈરાદા છે. મોદીવિરોધીઓ ગુજરાતનાં રમખાણોના મુદ્દાને બદઈરાદાથી સળગતો રાખે છે. તેમનો ઈરાદો આ દેશના મુસ્લિમોના માનસમાં ઝેર ભરવાનો છે. દેશમાં શાંતિ રહે એ તેમને પસંદ નથી તેથી કોમી તણાવ પેદા કરવા આ બધા ધમપછાડા છે. આ ધમપછાડાને સફળ ન થવા દેવાય એ જોતાં બીબીસીની ડોક્યુમેન્ટરી ભારતમાં જોવા પર પ્રતિબંધ મુકાય તેમાં કશું ખોટું નથી. મોદી સરકારનું પગલું એ રીતે દેશના હિતમાં છે ને દરેક નાગરિકે તેને સમર્થન આપવુ જોઈએ. જો કે 2002નાં રમખાણોનો મુદ્દો સળગતો રહે છે તેમાં ભાજપનું પણ યોગદાન છે જ. 2002નાં રમખાણોમાં નરેન્દ્ર મોદીના ઈશારે મુસ્લિમોની કત્લેઆમ થયેલી એવો મોટો આરોપ કોઈ પણ પ્રકારના પુરાવા વિના કરનારાંના પોતાનાં હિતો છે ને એ કારણે એ લોકો આ મુદ્દો સળગતો રાખે છે. બીજી તરફ ભાજપ પણ રાજકીય ફાયદા માટે આ મુદ્દાને સમયાંતરે ચગાવે છે ને આડકતરી રીતે એ જ વાતો કરે છે કે જે મોદીવિરોધીઓ સીધા આક્ષેપોના રૂૂપમાં કરે છે. ભાજપે હમણાં જ પૂરી થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો ગજવ્યો જ હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં શરૂૂઆતમાં વિકાસની ને બીજી ડાહી ડાહી વાતો કરી હતી પણ છેલ્લે વાત 2002નાં રમખાણો પર જ આવીને ઊભી રહી ગઈ હતી. ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથમાં હતી. ઉમેદવારો નક્કી કરવાથી માંડીને ચૂંટણીપ્રચારની વ્યૂહરચના સુધીનું બધું જ અમિત શાહે જ ફાઈનલ કરેલું. અમિત શાહના ચૂંટણીપ્રચારમાં ગુજરાતનાં રમખાણોનો મુદ્દો જ કેન્દ્રસ્થાને હતો ને શાહે ચૂંટણી જીતવા આ મુદ્દાનો ભરપૂર ઉપયોગ કરેલો. અમિત શાહ દરેક સભામાં એક જ વાત કરતા કે, છેલ્લે 2002માં આ લોકોએ છમકલું કરવાની હિંમત કરી હતી પણ 2002માં એવો પાઠ ભણાવ્યો કે હવે નામ નથી લેતા.
2002માં એક વાર નરેન્દ્રભાઈ વખતે અડપલું કરવાની કોશિશ કરી તો એવા સીધા કરી નાખ્યા કે, 2002 પછી 22 વર્ષ થયા પણ હજુ સુધી કોઈ ડોકું ઊંચું નથી કરતું.
અમિત શાહ કહેતા કે, 2002માં એવો પાઠ ભણાવ્યો છે કે, એ લોકો ખો ભૂલી ગયા છે. એ વખતે વીણી વિણીને સીધા કર્યા ને જેલમાં નાખ્યા એટલે 22 વર્ષ પછી હજુ સુધી ગુજરાતમાં કફર્યૂ નથી નાખવો પડ્યો. ભાજપે ગુજરાતમાં કાયમની શાંતિ કરી દીધી છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઈજજુ શેખ, પીરજાદા, લતિફ જેવા દાદા હતા. હવે ગુજરાતના ગામેગામ દાદા છે તો એક જ દાદા છે અને એ દાદા હનુમાન દાદા છે. ગુજરાતમાં વારંવાર હિંસા કરતાં પરિબળોને કોંગ્રેસ છાવરતી હતી. કોંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો હતો.
અમિત શાહે 2002નાં રમખાણોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો ને મુસ્લિમો એવો શબ્દ નહોતો વાપર્યો. એ વાપરવાની જરૂૂર પણ નહોતી કેમ કે શાહ સવાલ કરતા કે, એ લોકો એટલે કોણ તેની સ્પષ્ટતા કરવાની જરૂૂર છે ખરી ? સ્પષ્ટતા કરવાની જરૂૂર જ નહોતી કેમ કે લોકો સમજી જ જતા કે, શાહ એ લોકો કહે ત્યારે મુસલમાનોની વાત કરે છે. ભાજપે ગુજરાતમાં આ પ્રચારના જોરે 182માંથી 156 બેઠકો જીતીને ભવ્ય દેખાવ કર્યો છે એ જોતાં ભાજપ માટે ગુજરાતનાં 2002નાં રમખાણોનો મુદ્દો ભાજપ માટે પણ રાજકીય રીતે ફાયદાકારક છે જ તેથી ભવિષ્યમાં પણ આ મુદ્દો ભાજપ ચગાવશે જ તેમાં શંકા નથી.
ભાજપની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજા કરે એ છિનાળું જેવી છે. ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે રમખાણોનો મુદ્દો ચગાવે તો ચાલે પણ બીજાં ચગાવે તો તેને મરચાં લાગે છે. બીબીસીની ડોક્યુમેન્ટરીમાં મોદી સામે જ દુષ્પ્રચાર કરાયો છે એ ના જ કરાવો જોઈએ. મોદી આ દેશના વડા પ્રધાન છે ને તેમની ઈમેજને બગાડવા બહારના લોકો મથે તેની સામે આ દેશના લોકોએ એક થઈને બોલવું જ જોઈએ તેમાં શંકા નથી. સરકાર પણ પોતાને યોગ્ય લાગે એ પગલાં લે તેને લોકોએ સમર્થન આપવું જ જોઈએ પણ સાથે સાથે દેશની અંદર પણ આ મુદ્દાને બાજુ પર મૂકવો જોઈએ.
ગુજરાતનાં રમખાણો દેશ માટે ગૌરવની વાત છે જ નહીં. 1984નાં ઉત્તર ભારતમાં ફાટી નીકળેલાં સીખ વિરોધી રમખાણો હોય, 1989નાં બિહારના ભાગલપુરનાં રમખાણો હોય કે 2002નાં ગુજરાતનાં રમખાણો હોય, આ બધાં રમખાણો દેશ માટે કલંકરૂૂપ છે. સભ્ય સમાજમાં આ પ્રકારની હિંસા શરમજનક જ કહેવાય. જે થઈ ગયું તેને મિટાવી નથી શકાતું પણ તેને ભુલાવીને આગળ તો વધી જ શકાય. મોદીવિરોધીઓએ ને ભાજપે બંનેએ એ કરવું જોઈએ.
Editor's Choice
ભાજપની 2024ની તૈયારી, જે.પી. નડ્ડા ઉપર ફરી વિશ્ર્વાસ
Published
1 week agoon
January 18, 2023By
ગુજરાત મિરર
કેન્દ્રની ભાજપ સરકારને બીજી મુદતમાં સત્તાનું એક વર્ષ બાકી રહ્યું છે. 2024માં દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે. એ પહેલાં ચાલુ વર્ષ દરમ્યાન નવ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનો જંગ ખેલાશે, એ માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી કમર કસી લીધી છે. નવી દિલ્હી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના પહેલા દિવસે મહામંથન કરવામાં આવ્યું અને બીજા દિવસે પક્ષ પ્રમુખપદે જે.પી. નડ્ડાની મુદત વધુ એક વર્ષ લંબાવી દેવામાં આવી. વિરોધ પક્ષો સ્વીકારે કે ન સ્વીકારે ભાજપ ચૂંટણી વ્યવસ્થાપનમાં મહારત ધરાવે છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની 150થી વધુ બેઠક અંકે કરીને કેસરિયા પક્ષે આ વાત પુરવાર કરી દીધી છે. ભાજપનું લક્ષ્ય નવ રાજ્યોમાંથી સફળતાનો માર્ગ કંડારીને દિલ્હીના તખત પર ત્રીજી મુદત માટે નરેન્દ્ર મોદીને આરૂૂઢ કરવાનું છે. આ માટે રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. મોદી અને અમિત શાહ સુપેરે સમજે છે કે, રાજ્યોનો જંગ જીતવા માટે ભારે મહેનત અને સૂક્ષ્મ આયોજન અનિવાર્ય છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહની ભરતી લાવવી પડે… ભાજપ, મોદી કે જે-તે રાજ્યમાં પક્ષની સરકારનું કામકાજ પસંદ કરનારાઓના મતને ઇવીએમ સુધી ખેંચી લાવવાય જરૂૂરી છે. જે.પી. નડ્ડા કોઇ કસર રાખવા નથી માગતા. 2024ને ધ્યાનમાં રાખીને 1.30 લાખ નબળાં બૂથની ઓળખ કરી લેવામાં આવી છે. આ એવાં બૂથ છે, જ્યાં 2019ની લોકસભા ચૂંટણીમાં પક્ષને પાતળી સરસાઇથી હાર મળી હતી અથવા તો નજીવી લીડ સાથે જીત પ્રાપ્ત થઈ હતી. જે.પી. નડ્ડાએ દરેક લોકસભા બેઠક પર ઓછામાં ઓછા 100 બૂથ અને વિધાનસભા ક્ષેત્રમાં 25 નબળાં બૂથોની ઓળખ કરીને તેને મજબૂત બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ભાજપ પ્રમુખપદે જે.પી. નડ્ડાનો ત્રણ વર્ષનો કાર્યકાળ 20મી જાન્યુઆરીએ સમાપ્ત થવાનો હતો. ભાજપનાં બંધારણ મુજબ રાષ્ટ્રીય પ્રમુખને ત્રણ-ત્રણ વર્ષની મહત્તમ બે મુદત આપી શકાય, પરંતુ આગામી એક વર્ષ દરમ્યાન અનેક પડકારો ઊભા છે. વિશેષ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને કર્ણાટકમાં પક્ષનો દેખાવ લોકસભા ચૂંટણીની નજરે મહત્ત્વપૂર્ણ બની રહેશે. અત્યારે એ ચાર રાજ્યોની 93 પૈકી 87 બેઠક કેસરિયો પક્ષ ધરાવે છે. નડ્ડા પાસે આ દેખાવના પુનરાવર્તનની અપેક્ષા રહે છે. ભાજપ આમ તો કેડરબેઝ પાર્ટી છે અને પરિવર્તન અપનાવતાં અચકાતી નથી, પરંતુ ચૂંટણીના વર્ષમાં એ પ્રસ્થાપિત આંતરિક વ્યવસ્થામાં ખલેલ ઊભી ન થાય એ વાજબી વાત છે. અત્યારે નડ્ડા અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારી સમજણ ધરાવે છે. તેમણે જાન્યુઆરી 2020માં ભાજપનું સુકાન સંભાળ્યું હતું. એ પછી દિલ્હી અને બિહારમાં ચૂંટણી યોજાઇ હતી. દિલ્હીમાં ભાજપની સજ્જડ હાર થઇ. બિહારમાં સારો દેખાવ કરીને જે.ડી.યુ. સાથે સરકાર બનાવી હતી. નડ્ડાની આગેવાનીમાં ભાજપે મધ્યપ્રદેશમાં ફરી વિજય મેળવ્યો. મણિપુરમાં સત્તા પ્રાપ્ત કરી, 2021 દરમ્યાન પાંચ રાજ્યો પૈકી બે રાજ્યો પર કેસરિયો લહેરાયો. પશ્ચિમ બંગાળમાં ભાજપ ભલે મમતા બેનરજીને હરાવી ન શક્યો, પરંતુ શાનદાર દેખાવ સાથે બેઠકોની સંખ્યા વધારી. હિમાચલમાં ભલે હાર મળી, ગુજરાતની ભવ્ય જીતે ભાજપનો નડ્ડામાં વિશ્વાસ વધારી આપ્યો. હકીકતમાં જે.પી.એ પ્રમુખ તરીકે પક્ષને ગતિશીલ માર્ગદર્શન આપ્યું છે. સમગ્ર દેશમાં સંગઠન મજબૂત બનાવ્યું અને જ્યાં પક્ષની નબળી સ્થિતિ હતી ત્યાં બીજા પક્ષના મોટા નેતાઓને તરફેણમાં કરી લીધા છે.
Editor's Choice
શાહનવાઝ સામે રેપ કેસ, સુપ્રીમ કોર્ટમાં કોઇનું ચાલતું નથી
Published
1 week agoon
January 17, 2023By
ગુજરાત મિરર
ભારતમાં ન્યાયતંત્રને પણ સડો લાગી ચૂક્યો છે પણ સુપ્રીમ કોર્ટ હજુ સાબૂત છે. સુપ્રીમ કોર્ટ સમયાંતરે પોતાની નિષ્પક્ષતાનો પરચો આપીને સાબિત કર્યા કરે છે કે, પોતે હજુ કાયદા પ્રમાણે વર્તે છે અને ગમે તેવા ચમરબંધીની શેહમાં આવ્યા વિના ચુકાદા આપે છે. આવા જ આદેશમાં સુપ્રીમ કોર્ટે ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન સામે બળાત્કારની ફરિયાદમાં તપાસનો આદેશ આપ્યો છે.
વાસ્તવમાં દિલ્હી હાઈ કોર્ટે આ આદેશ આપેલો પણ શાહનવાઝ હુસૈને સુપ્રીમ કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટના આદેશને પડકારતી શાહનવાઝ હુસૈનની અરજીને નામંજૂર કરીને આદેશ આપ્યો છે કે, શાહનવાઝ હુસૈન પર 2018માં લાગેલા બળાત્કારના કેસમાં ફરિયાદ નોંધીને તપાસ કરાય. આ કેસમાં ટ્રાયલ કોર્ટે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. શાહનવાઝ તેની સામે દિલ્હી હાઈ કોર્ટમાં ગયેલા પણ દિલ્હી હાઈ કોર્ટે ટ્રાયલ કોર્ટના આદેશને રદ કરવાની ઘસીને ના પાડી દેતાં હુસૈન સુપ્રીમ કોર્ટમાં ગયા હતાં.
સુપ્રીમ કોર્ટે પણ હવે શાહનવાઝને રાહત નથી આપી, બલ્કે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એસ.રવિન્દ્ર ભટ અને દીપાંકર દત્તાની બેંચે તો શાહનવાઝને સાચી સલાહ આપી છે કે, આ મુદ્દાની સાચીરીતે તપાસ થવા દો. તમે અપરાધ નહીં કર્યો હોય તો બચી જશો. સુપ્રીમ કોર્ટના ફરમાનને પગલે હવે શાહનવાઝ સામેના બળાત્કારના કેસની તપાસ થશે ને તપાસ યોગ્ય રીતે થાય તો શાહનવાઝને જેલની સજા પણ થઈ શકે છે. અલબત્ત આ કેસમાં અત્યાર લગી જે રીતે તપાસ ચાલી છે એ જોતાં શાહનવાઝ દોષિત ઠરે ને તેમને સજા થાય એ શક્યતા ઓછી છે. તેની વાત કરીશું પણ એ પહેલાં આખો કેસ શું છે એ સમજી લઈએ. શાહનવાઝ હુસૈન સામેનો કેસ 2018નો છે. 2018ના જાન્યુઆરીમાં એક યુવતીએ પોલીસને ફરિયાદ કરેલી કે, શાહનવાઝ તેને છતરપુરના ફાર્મહાઉસમાં લઈ ગયા હતા. ફાર્મહાઉસમાં શાહનવાઝે તેને ઘેનની દવા ખવડાવીને બેહોશ કરી નાંખી અને પછી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. પોતાની હવસ સંતોષ્યા પછી શાહનવાઝે આ વાત કોઈને કહી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવતી એ છતાં શાહનવાઝ સામે લડી ને છેવટે સુપ્રીમ કોર્ટમાંથી શાહનવાઝ સામે તપાસનો આદેશ લઈને આવી છે.
હવે આ કેસમાં શાહનવાઝ દોષિત ઠરે ને તેમને સજા થાય તેની શક્યતા ઓછી કેમ છે તેની વાત કરી લઈએ. આ કેસમાં તપાસ દિલ્હી પોલીસ કરશે તેથી શાહનવાઝ માટે તો મોસાળમાં જમણવાર ને મા પિરસે જેવો પણ ઘાટ છે. દિલ્હી પોલીસ કેન્દ્રની તાબેદાર છે ને તેણે તપાસ કરવાની છે તેથી આ તપાસ કેવી હશે એ કહેવાની જરૂૂર નથી. બલ્કે દિલ્હી પોલીસ તેનો નાદાર નમૂનો પહેલાં જ પૂરો પાડી ચૂકી છે.
શાહનવાઝ સામે બળાત્કારની ફરિયાદ સાથે યુવતી પહેલાં પોલીસ પાસે જ ગઈ હતી. યુવતીએ 2018માં પોલીસને અરજી આપી હતી પણ પોલીસે ફરિયાદ જ નહોતી લેતી. તેના કારણે યુવતીએ નીચલી કોર્ટમાં અરજી કરીને વિનંતી કરવી પડેલી કે, શાહનવાઝ સામે બળાત્કારનો કેસ નોંધવા પોલીસને આદેશ આપે. નીચલી કોર્ટે પોલીસનો જવાબ માગતાં પોલીસે વાહિયાત જવાબ આપેલો કે, તપાસ કર્યા પછી શાહનવાઝ સામે કોઈ કેસ બનતો નથી તેથી એફઆઈઆર નથી નોંધી.
કોર્ટે પોલીસને તપાસનો રિપોર્ટ સોંપવા કહ્યું તો પોલીસે ગલ્લાંતલ્લાં કર્યા ને છેવટે ગમે તેવો તપાસ રિપોર્ટ બનાવીને સોંપી દીધો. તેનાથી અકળાયેલી નીચલી કોર્ટે પોલીસને તતડાવી નાંખેલી. કોર્ટે એ વખતે કહેલું કે, શાહનવાઝ સામેનો કેસ સંજ્ઞેય અપરાધ એટલે કે કોગ્નિઝેબલ ક્રાઈમ છે. આ કારણે પોલીસ તપાસ પછી કરે પણ પહેલાં પગલાં લેવાં પડે. પોલીસને ધરપકડ કરવા માટે વોરંટની જરૂૂર નથી એવું પણ કહેલું. નીચલી કોર્ટે શાહનવાઝ સામે કેસ નોંધવા ફરમાન કરેલું પણ દિલ્હી પોલીસને રસ નહોતો તેથી ફરિયાદ નોંધી જ નહીં.
શાહનવાઝે આ ગાળામાં નીચલી કોર્ટનો આદેશ રદ કરાવવા હાઈ કોર્ટમાં અરજી કરેલી. હાઈ કોર્ટમાં જસ્ટિસ આશા મેનને શાહનવાઝની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ આશા મેનને પણ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, પોલીસે નીચલી કોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ તપાસ કર્યા વિનાનો છે એવું પુરાવાઓને જોતાં લાગે જ છે. પોલીસ એફઆઈઆર નોંધવા માટે ઈચ્છુક નથી એવું પણ દેખાઈ જ રહ્યું છે. હાઈ કોર્ટે પોલીસને પૂરી તપાસ કરીને ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપવા પણ ફરમાન કર્યું હતું પણ પોલીસે કશું ના કર્યું. દરમિયાનમાં શાહનવાઝ સુપ્રીમ કોર્ટમાં ગયેલા. સુપ્રીમ કોર્ટમાં શું થયું એ સ્પષ્ટ છે પણ પોલીસે કશું કર્યું નથી એ પણ સ્પષ્ટ છે એ જોતાં હવે પણ પોલીસ યોગ્ય તપાસ કરીને શાહનવાઝને સજા અપાવે એવી શક્યતા નહિવત છે.
આમ પણ ભારતમાં ભ્રષ્ટાચાર સહિતના કેસોમાં રાજકારણીને સજા થાય એવું ભાગ્યે જ બને છે. ઘણા રાજકારણીઓ સામે જાતજાતના કેસ થયા ને બળાત્કારના આરોપો પણ મૂકાયા પણ ઉત્તર પ્રદેશ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર જેવા એકલદોકલ કિસ્સાને બાદ કરતાં ભાગ્યે જ કોઈ નેતા બળાત્કારના કેસમાં દોષિત ઠર્યો છે કે તેને સજા થઈ છે. શાહનવાઝના કેસમાં પણ કશું ના થાય ને શાહનવાઝ દૂધે ધોયેલા સાબિત થાય એવી શક્યતા વધારે છે કેમ કે પોલીસ તેમની પડખે છે.
સુપ્રીમ કોર્ટના ફરમાન પછી પોલીસે તપાસ કરવી પડશે પણ પોલીસને શાહનવાઝને સજા કરાવવા કરતાં બચાવવામાં વધારે રસ છે એ જોતાં પોલીસ આ કેસમાં કંઈ ના કરે એવું પણ બને. પોલીસ ભીનું સંકેલાવી દે એવું પણ બને. ભારતમાં બળાત્કારના આરોપ મૂકાયા પછી આરોપ કરનાર આરોપ પાછા ખેંચી લે એ નવાઈની વાત નથી. શાહનવાઝ પાસે પૈસો છે, પાવર છે ને પોલીસ પણ છે તેથી સામ, દામ, દંડ, ભેદ અપનાવીને બઘું રફેદફે કરાવી જ શકે. યુવતી અત્યાર લગી ભડવીર સાબિત થઈ છે ને લડી છે પણ પોલીસનું વલણ જોતાં એ ઢીલી પડી જાય તો તેમાં તેનો વાંક નહીં ગણાય. આશા રાખીએ કે એવું ના થાય ને યુવતીને ન્યાય મળે.
એડિટર ની ચોઈસ

રાજકોટ : આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ સિવિલ અધિક્ષક પાસેથી તાત્કાલિક ચાર્જ લઈ લેવાયો,અનેક તર્ક વિતર્ક

ગુજરાત : રવિવારે યોજાનાર જુ.ક્લાર્કની પરીક્ષા કેન્દ્રના સ્થળોએ કલમ 144 હેઠળ પ્રતિબંધિત હુકમો જાહેર

ગુજરાત રમખાણો પર BBCની ડોક્યુમેન્ટ્રીનો વિવાદ મામલે DU બહાર કલમ 144 લાગુ

DGCA એ Go First એરલાઇનને 55 પેસેન્જર વિના પ્લેન ટેકઓફ મામલે રૂ.10 લાખ દંડ ફટકાર્યો

મેડિકલ કોલેજના મહિલા પ્રોફેસરનું રહસ્યમય સંજોગોમાં મોત

ગંભીર દુર્ઘટના છતાં કોર્પોરેશન દ્વારા જવાબદારીની ફેંકાફેંકી
ગુજરાત

DGCA એ Go First એરલાઇનને 55 પેસેન્જર વિના પ્લેન ટેકઓફ મામલે રૂ.10 લાખ દંડ ફટકાર્યો

મેડિકલ કોલેજના મહિલા પ્રોફેસરનું રહસ્યમય સંજોગોમાં મોત

ગંભીર દુર્ઘટના છતાં કોર્પોરેશન દ્વારા જવાબદારીની ફેંકાફેંકી

મહેતા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિશેષ સેમિનાર યોજાયો

એન્જિનિયરિંગ બ્રાચમાં ભરાયેલી સીટ મુજબ શિક્ષકો રાખવાની પરવાનગી

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં સૂકા મરચાની 14 હજાર ભારીની આવક
સ્પોર્ટસ

મહેતા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિશેષ સેમિનાર યોજાયો

એન્જિનિયરિંગ બ્રાચમાં ભરાયેલી સીટ મુજબ શિક્ષકો રાખવાની પરવાનગી

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં સૂકા મરચાની 14 હજાર ભારીની આવક

સૌરાષ્ટ્રના ઉદ્યોગોને બૂસ્ટર માટે 11થી 13 ફેબ્રુઆરી આં.રા. વેપાર મેળો

ફનવર્લ્ડ પાસે હિટ એન્ડ રન: બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત
