રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ અંતે સામાન્ય લોકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો પાયલોટ પ્રોજેક્ટ લોંચ કરી દીધો. મોદી સરકારનાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આ વરસે બજેટ રજૂ કરેલું તેમાં ડિજિટલ કરન્સી એટલે કે ઈ-રૂૂપી લોંચ કરવાની જાહેરાત કરેલી. ગયા મહિને એટલે કે 1 નવેમ્બરથી હોલસેલ કસ્ટમર્સ માટે પહેલા તબક્કાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂૂ કરાયેલો. હવે રિઝર્વ બેન્કે રિટેઈલ કસ્ટમર્સ માટેની ડિજિટલ કરન્સી લોંચ કરી છે. ગુરૂવારને પહેલી ડિસેમ્બર 2022થી દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ભુવનેશ્ર્વર એમ ચાર શહેરોમાં રિટેલ ડિજિટલ કરન્સી એટલે કે ઈ-રૂૂપીનો પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ થઈ ગયો છે. પહેલા તબક્કામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ), આઈસીઆઈસીઆઈ, યસ બેંક અને આઈડીએફસી ફસ્ટ બેંક એ ચાર બેંકોના માધ્યમથી આ પ્રોજેક્ટ હાથ ધરાશે. આ ચાર બેંકો પેપર કરન્સીના મૂલ્યનાં ડિજિટલ ટોક્ધસ આપશે કે જેનો ઉપયોગ કોઈ પણ પ્રકારની આર્થિક લેવડદેવડ માટે થશે. ભારતમાં ડિજિટલ ઈન્ડિયાની મોટીમોટી વાતો થાય છે પણ દેશના બહુમતી વર્ગને આવરી લે એવું સાચું ડિજિટલાઈઝેશન હજુ થયું નથી. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)નો પાયલોટ પ્રોજેક્ટ તેના જ ભાગરૂૂપે છે ને સ્વીકારવું જોઈએ કે આ બહુ મોટી પહેલ છે, એક સાચી દિશામાં ભરાયેલું પગલું છે. ભારતમાં હજુય લોકો આર્થિક વ્યવહારો માટે કાગળની ચલણી નોટો પર વધારે નિર્ભર છે.
આ સામાન્ય લોકોને મોબાઈલ ફોન કે બીજી એ પ્રકારની ડીવાઈસીસનો ઉપયોગ કરીને આર્થિક લેવડદેવડ તરફ વાળવાનો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ છે. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક અમલી બને તો તેના કારણે દેશને બહુ મોટો ફાયદો થઈ જશે તેમાં બેમત નથી. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) ઝડપથી સ્વીકૃત બને તો આ દેશમાં બહુ મોટી ક્રાંતિ આવી શકે છે. ભારતમાં અત્યારે પણ કેશલેસ પેમેન્ટ આવી જ ગયું છે. યુપીઆઈ અને પેટીએમ, ગૂગલ પે, ભીમ પે વગેરે વોલેટ પેમેન્ટ કેશલેસ પેમેન્ટ માટે જ છે. આમ તો સીબીડીસી એવી જ પદ્ધતિ છે પણ તેમાં ફાયદો એ છે કે, ડિજિટલ રૂૂપી વધારે સલામત છે. પરંપરાગત ડિજિટલ પેમેન્ટની સરખામણીમાં ઓળખ ગુપ્ત રહે એવી શક્યતા વધારે છે. ડિજિટલ રૂૂપીથી રોકડ પર નિર્ભરતા ઓછી થશે કેમ કે લોકો મોબાઈલ વોલેટમાં ઈ-રૂૂપી રાખી શકશે. બેંકોમાં જવું નહીં પડે, ચેક લખવા નહીં પડે તેના કારણે ટ્રાન્ઝેક્શનનો ખર્ચ ઘટશે. ડિજિટલ પેમેન્ટ પર સરકાર સરળતાથી નજર રાખી શકે છે. આ કારણે સરકાર સુધી તમામ સત્તાવાર નેટવર્કમાં થતી લેવડદેવડની માહિતી મળશે તેથી કાળાં નાણાંના નેટવર્ક પર પણ અંકુશ આવશે.
ટૂંકમાં આ પ્રોજેક્ટની સફળતા ભારતનું ભાવિ બદલી શકે છે પણ તેની સફળતાનો આધાર સામાન્ય લોકો પર છે. સાથેસાથે સરકાર કેવું અસરકારક અને વિશ્ર્વસનિય નેટવર્ક ઊભું કરી શકે છે તેના પર છે. ભારતમાં યુવા વર્ગમાં ડિજિટલ કરન્સીની લોકપ્રિયતા વધી રહી છે. દેશની ચલણી નોટો કે પછી બેંકનાં કાર્ડ રાખવાના બદલે યુવાનો અલગ અલગ પ્રકારનાં ઈ-વોલેટ રાખવાનું વધારે પસંદ કરે છે.
સ્માર્ટફોનમાં જ વોલેટ હોય ને તેમાં નાણાં રાખી શકાય છે, ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે તેથી યુવાનો ડિજિટલ કરન્સી તરફ વધારે પ્રમાણમાં વળી રહ્યા છે. જો કે હજુ બીજાં લોકો પરંપરાગત રીતે જ લેવડદેવડ પર વધારે નિર્ભર છે. આ લોકોને ઈ-રૂપી તરફ વાળવાં પડે તો આ પ્રોજેક્ટ સફળ થશે. લોકોના મનમાં ડિજિટલ લેવેડદેવડ અંગે ઘણી શંકાઓ છે. આ શંકાઓ ધીરે ધીરે દૂર થાય તો લોકો સ્વયંભૂ ઈ-રૂૂપી અપનાવશે, દેશને ફાયદો કરાવશે.