દેશની પહેલી ખાનગી ટ્રેન ‘તેજસ’ પાટે ચડવા તૈયારJuly 09, 2019

  • દેશની પહેલી ખાનગી ટ્રેન ‘તેજસ’ પાટે ચડવા તૈયાર

 દિલ્હી ટૂ લખનઉ વચ્ચે દોડશે એક્સપ્રેસ ટ્રેન
નવીદિલ્હી તા.9
રેલવે યુનિયનોના વિરોધ પ્રદર્શનની ધમકી વચ્ચે આખરે રેલવેએ ટ્રેનના સંચાલન માટે પ્રાઈવેટ સેક્ટર સાથે હાથ મિલાવવાની તૈયારી કરી છે. દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ પ્રાઈવેટ કંપની દ્વારા ચલાવવામાં આવતી પહેલી ટ્રેન હશે. ગઇકાલે સૂત્રોએ જણાવ્યું કે રેલવેએ સંકેત આપ્યા છે કે રેલવે પોતાની બે ટ્રેનના સંચાલનની કમાન પ્રાઈવેટ સેક્ટરના હાથમાં સોંપવા માટે 100 દિવસના એજન્ડા પર આગળ વધી રહ્યાં છે. નોંધનીય છે કે રેલવે યુનિયને ટ્રેન સંચાલનને પ્રાઈવેટ હાથમાં સોંપવાનો વિરોધ કર્યો છે. રેલવે બોર્ડ એક બીજા રુટની તૈયારી પણ કરી રહ્યું છે અને

આ રુટ પણ 500 કિલોમીટરના અંદરમાં જ ચાલશે.
જોકે, રેલવે બોર્ડના અધિકારીએ જણાવ્યું કે દિલ્હી-લખનઉ પહેલો રુટ હશે. જેના પર ચાલતી ટ્રેનોનું સંચાલન પ્રાઈવેટ ઓપરેટર્સને સોંપવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, ‘આ વિશે એક મહિનાની અંદર નિર્ણય લેવામાં આવશે. આઇઆરસીટીસી હાલ આ જ મોડલ પર કામ કરી રહ્યું છે’ નોંધનીય છે કે દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસની જાહેરાત 2016માં થઈ હતી પરંતુ તાજેતરમાં જ જાહેર કરાયેલા નવા ટાઈમ ટેબલમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તેજસ એક્સપ્રેસ આ રુટની ટ્રેનમાંથી જ છે. જેની રાહ જોવાઈ રહી છે. હાલ તે ઉત્તર પ્રદેશના આનંદનગર રેલવે સ્ટેશનના પાર્કિંગમાં છે. ટ્રેન સંચાલન માટે બોલી પ્રક્રિયા શરુ થયા પછી તેને પ્રાઈવેટ કંપનીઓને સોંપવામાં આવશે. આઈઆરએફસીએ જણાવ્યું કે ટ્રેનની કસ્ટડીને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશનને ટ્રાન્સફર કરવામાં આવશે. જે લીઝ ચાર્જ લઈને દરેક ચલણ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટને સોંપશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બે ટ્રેનમાં આ પ્રયોગ એકસાથે શરુ કરવામાં આવશે અને અમને આશા છે કે આવતા 100 દિવસોની અંદર અમને ઓછામાં ઓછી 1 ટ્રેન પ્રાઈવેટ ઓપરેટરના હાથમાં સોંપવામાં સફળ રહીશું. આ રુટ્સને પસંદ કરવા દરમિયાન એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે રુટ્સ પર ભીડ ઓછી હોય અને જરુરી ટૂરિસ્ટ સ્પોટ કનેક્ટ થતાં હોય. ટૂંક સમયમાં જ બીજી ટ્રેનની પસંદગી પણ કરવામાં આવશે.
નોંધનીય છે કે દિલ્હી-લખનઉ રુટ પર હાલ 53 ટ્રેનો ચાલે છે. જોકે, તેમાંથી એકપણ રાજધાની નથી. આ રુટ પર ચાલતી સ્વર્ણ શતાબ્દીમાં સૌથી વધારે ટિકિટની માંગ રહે છે અને તે માત્ર સાડા છ કલાકમાં જ પોતાની સફર પણ પૂરી કરે છે.
શરુઆતમાં આઈઆરસીટીસી માત્ર બે ટ્રેનનું સંચાલન જ પ્રાઈવેટ કંપનીને સોંપશે. આ માટે દસ જુલાઈ સુધી પ્રસ્તાવ ફાઈનલ કરવામાં અને ચાર જુલાઈના રોજ થયેલી મેમ્બર, ટ્રાફિક સાથે રેલવે ટૂરિઝમ અને કેટરિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે મીટિંગ પછી રેલવે બોર્ડને જમા કરાવવાનું કહ્યું છે.
 રેલવે યુનિયને આપી છે ધમકી
100 દિવસોના પ્લાનમાં રેલવેના પ્રસ્તાવમાં ઓપરેટર્સને બે ટ્રેનની ઓફર આપવામાં આવી હતી. રેલવેએ એવું પણ કહ્યું હતું કે આવતા 100 દિવસોમાં રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) અને રિક્વેસ્ટ ફોર ક્વોટ (આરએફકયુ) જાહેર કરશે. જોકે, રેલવેના આ પ્રસ્તાવને રેલવે યુનિયનની ટીકા સહન કરવી પડી છે. જેણે આ મુદ્દે મોટા પ્રદર્શન કરવાની ધમકી આપી છે.