કચ્છમાં ડીઝલ ચોરતી ગેંગ ઉપર પોલીસનો દરોડો; 1.45 લાખનું ડિઝલ જપ્તJuly 09, 2019

ભુજ, તા.9
કંડલા પોર્ટની નજીક આવેલા ખારીરોહર ગામે ઓઈલ-પેટ્રોલિયમ કંપનીઓના સ્ટોરેજ ટેન્કમાં પાઈપલાઈન વાટે જતાં ડીઝલની ચોરીનું દૂષણ વધ્યું છે ત્યારે પોલીસે ખારીરોહર ગામની સીમમાં બે અલગ અલગ દરોડા પાડી 3 આરોપીને 1.45 લાખના ચોરાઉ ડીઝલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે ચાર આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. પોલીસે ખારીરોહર સીમમાં દરોડો પાડ્યો હતો. આરોપીઓ એચપીસીએલ કંપનીના પોલ નંબર 203 અને 204 વચ્ચે આવેલી પાઈપલાઈનમાં કાણું પાડીને પ્લાસ્ટિકની બે નળી વડે ડીઝલ ચોરીને કેરબામાં ભરતા હતા. ડીઝલ ભરેલાં કેરબા બોલેરોમાં રાખવામાં આવતા હતા. સ્થળ પરથી પોલીસે 54 કેરબા, બોલેરો અને એક કાર કે જેમાં ડ્રાઈવર સીટના આગલા કાચ આગળ પ્રમુખ, અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિની નેમપ્લેટ રખાઈ હતી તે કાર પણ કબ્જે કરી છે.
સ્થળ પરથી પોલીસે ભીમાસરના રાજેશ પરબત રબારી, અભુ આમદ ખોડ (ટપ્પર) અને કાસમ ઈબ્રાહીમ કુંભાર (ભચાઉ)ની ધરપકડ કરી છે. ડીઝલ ચોરીમાં કોંગ્રેસી નેતાની કાર ઝડપાતાં ચકચાર મચી ગઈ છે. પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું કે, ડીઝલચોરીનો સૂત્રધાર રાજેશ રબારી છે.
ડીઝલના કેરબા લઈ જતી બોલેરો જીપ આગળ રાજેશ રબારીએ આ કારને પાયલોટિંગ માટે રાખી હતી.
આ કેસમાં અલ્તાફ આમદ કોરેજા અને જસબ રમજુ કુંભાર (ટપ્પર) બે આરોપી પોલીસના હાથ લાગ્યા નથી. અંજાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન રબારી (રહે. ખારા પસવારીયા, અંજાર)એ આ અંગે જણાવ્યું હતું કે, પોલીસે પકડેલો આરોપી રાજેશ રબારી તેમના કૌટુંબિક સસરાનો ભત્રીજો
થાય છે.