જેઠવા મર્ડર કેસ,દિનુ બોઘા સહિત 7ને જન્મટીપJuly 11, 2019

  • જેઠવા મર્ડર કેસ,દિનુ બોઘા સહિત 7ને જન્મટીપ

RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસમાં ઈઇઈં જજે સુણાવ્યો ફેંસલો: દિનુ બોઘા સહિત બેને 15-15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારાયો
અમદાવાદ તા,11
આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે દોષિત ઠેરવાયેલા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સહિતના સાત દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે 6 જુલાઈના રોજ દિનુ બોઘા સહિતના આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. અમિત જેઠવાની 20 જુલાઈ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટ સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કોર્ટે દોષિતોને સજા ફટકારવાની સાથે દંડ પણ ફટકાર્યો છે. દિનુ બોઘા અને તેના ભત્રીજા શિવા સોલંકીને કોર્ટે આજીવન કેદની સજા ઉપરાંત 15 લાખ રુપિયા દંડ ફટકારાયો છે. કોર્ટે જે સાક્ષીઓ ફરી ગયા હતા તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહીનો આદેશ આપ્યો છે.

આ ઉપરાંત, મૃતક જેઠવાના પરિવારને 11 લાખ રુપિયાની સહાય કરવાનો પણ આદેશ કરાયો છે.
મૂળ ખાંભાના અને ખનિજ માફિયાઓ સામે જંગે ચઢેલા અમિત જેઠવાની હત્યામાં પૂર્વ સાંસદ દિનુ બોઘા અને તેના ભત્રીજા શિવા સોલંકીનો હાથ હોવાનું બહાર આવ્યું હતું. આ કેસની ગંભીરતાને જોતા તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. નવેમ્બર 2013ના રોજ દિનુ બોઘાની ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પંચાલ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણની પણ આ કેસમાં ધરપકડ કરાઈ હતી.
અમિત જેઠવાએ ગીરમાં થતાં ગેરકાયદે ખનન સામે આરટીઆઈ કરવાની સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ કરી હતી. આ કેસની તપાસ સૌ પહેલા અમદાવાદની પોલીસે કરી હતી, ત્યારબાદ તેને સીઆઈડીને સોંપવામાં આવી હતી. આખરે ગુજરાત હાઈકોર્ટે ઓક્ટોબર 2012માં સીબીઆઈને આ હાઈપ્રોફાઈલ કેસ સોંપી દીધો હતો. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, સ્થાનિક પોલીસની તપાસ તટસ્થ નથી.
દિનુ બોઘાની સીબીઆઈએ ધરપકડ કર્યા બાદ તેમણે થોડો સમય જેલવાસ ભોગવ્યો હતો, અને હાલ તેઓ જામીન પર મુક્ત છે. 1988થી ભાજપના ધારાસભ્ય અને 2009માં સાંસદ તરીકે ચૂંટાયેલા દિનુ બોઘાનું નામ અમિત જેઠવા મર્ડર કેસમાં સામે આવ્યા બાદ જ ભાજપે તેમનાથી અંતર સાધી લીધું હતું. આ 7 આરોપીને આજીવન કેદ અને દંડ
આ કેસમાં સાત આરોપીઓ દિનુ બોઘા સોલંકી, શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દિનુ બોઘા સોલંકી - 15 લાખ દંડ
શૈલેષ પંડ્યા - આર્મ્સ એક્ટમાં આજીવન સજા 10 લાખનો દંડ
ઉદાજી ઠાકોર - 25,000નો દંડ
શિવા પચાણ - 8 લાખનો દંડ, ધારા 302, 120-ઇ અંતર્ગત સજા
શિવા સોલંકી - 15 લાખનો દંડ
બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ) :- આઈપીસી કલમ 302, 120-ઇ અને 10 લાખનો દંડ
સંજય ચૌહાણ - 1 લાખનો દંડ
અમિત જેઠવાના પરિવારને 11 લાખ આપવાનો આદેશ
સીબીઆઈ જજ કે. એમ. દવેએ આ કેસમાં અમિત જેઠવાના પરિવારને કુલ 11 લાખ આપવાનો આદેશ પણ સંભળાવ્યો છે. કોર્ટે અમિત જેઠવાની પત્નીને 5 લાખ અને બંને બાળકોને ત્રણ ત્રણ લાખ આપવા આદેશ કર્યો છે. ફરી ગયેલા સાક્ષીઓ સામે કાર્યવાહી કરાશે
આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતાં. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાને રાખી સીબીઆઈ કોર્ટે હોસ્ટાઈલ થયેલા સાક્ષીઓ વિરુદ્ધ પણ ફોજદારી ગુનો દાખીને કાર્યવાહી કરવાનો ઓર્ડર આપ્યો છે. સીબીઆઈ એડવોકેટ મુકેશભાઈએ કહ્યું કે, આ કેસ મર્ડર વિથ કોન્સ્પરન્સનો હતો. સૌથી મહત્વનું એ છે કે, કોર્ટે હોસ્ટાઈલ થયેલા આરોપીઓ સામે પણ એક્શન લેવાનો આદેશ કર્યો છે. આવા વિટનેસ માટે કોર્ટે કાયદેસર કાર્યવાહી કરવાનો ઓર્ડર આપ્યો છે. ખાસ કરીને ધર્મેન્દ્રગીરી નામના સાક્ષીએ પોતાના પુત્રને કિડનેસ કરવામાં આવ્યો છે તેવુ જુબાનીમાં કહ્યું હતું. તે અસક્ષમ જુબાની માટે છે તેવુ તેણે જણાવ્યું હતું. કોર્ટે આ બાબત ધ્યાનમાં રાખીને આ કેસમાં જે બનાવ વિટનેસ સાથે બન્યો છે, તેમાં બે તપાસ અધિકારી મુકેશ શર્મા અને એસ.એમ ચૌધરીને ઈન્ક્વાયરી કરીને રિપોર્ટ કરવા જણાવ્યું છે.