તમામ નદીઓ કરતાં મોટાઈનો દાવો કરનાર સાગર તરસ્યા માણસને ગમતો નથી, તરસ્યાને તો શીતળ-મધુર જળથી ભરેલો લોટો જ મોટો લાગે છેJuly 11, 2019

  • તમામ નદીઓ કરતાં મોટાઈનો દાવો કરનાર સાગર તરસ્યા માણસને ગમતો નથી, તરસ્યાને તો શીતળ-મધુર જળથી ભરેલો લોટો જ મોટો લાગે છે

અહંકારી માણસ પોતાની ઈચ્છાપૂર્તિ દ્વારા સંતુષ્ટ થવાના બદલે વધુ ને વધુ અસંતુષ્ટ બનતો હોય છે. સાગર તે અસંતોષની નિશાની છે. માટે સાગર
ફોર્મ્યુલા અપનાવી જીવનમાંથી અસંતોષની બાદબાકી કરીને સંતોષનો ગુણાકાર કરીએ. તમામ નદીઓ કરતાં મોટાઈનો દાવો કરનાર સાગર તરસ્યા માણસને ગમતો નથી. તરસ્યાને તો શીતળ-મધુર જળથી ભરેલો લોટો જ મોટો લાગે છે.
તું નાનો, હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો
મીઠા જળનો લોટો ભરીયો, ખારા જલનો દરીયો
તરસ્યાને તો દરિયાથીએ લોટો લાગે મોટો.
તું નાનો હું મોટો,એવો ખ્યાલ જગતનો ખોટો..
જે છે, તે કાયમ ઓછું લાગે = તુચ્છ પ્રકૃતિ.
જે છે, તે કદાપિ ઓછું ન થાય = કૃપણ પ્રકૃતિ.
જે છે, તે વધતું જાય તેવું વલણ = દરિદ્ર પ્રકૃતિ.
આ ત્રણે પ્રકારની પ્રકૃતિથી અહંકારી માણસ રીબાતો હોય છે, પીડાતો હોય છે. તુચ્છતા, કૃપણતા અને દરિદ્રતા - આ ત્રણેય પ્રકૃતિનો સરવાળો એટલે જ ક્ષુદ્રતા. ભવાભિનંદીપણાની, સંસારના રસિયાપણાની તે નિશાની છે.
આવી પ્રકૃતિવાળાનું જીવન કનિષ્ઠ ભૂમિકાનું છે. પણ આ સાગર ફોર્મ્યુલા અપનાવવા દ્વારા આ પીડાને દૂર કરવી હોય તો વર્તમાનમાં મધ્યમ ભૂમિકાને અપનાવી છેવટે ઉત્તમ ભૂમિકા સુધી પહોંચવું જરૂરી છે.
જે છે તે પૂરતું લાગે = મધ્યમ ભૂમિકા.
જે છે તે વધારે લાગે = ઉત્તમ ભૂમિકા.
કનિષ્ઠ ભૂમિકાએ ગોઠવાયેલ માણસ દુ:ખી થવાના માર્ગે છે.
મધ્યમ ભૂમિકાએ ગોઠવાયેલ માણસ સંતોષી થવાના માર્ગે છે, સુખી થવાના માર્ગે છે.
ઉત્તમ ભૂમિકાએ ગોઠવાયેલ માણસ ધર્મી થવાના માર્ગે છે, પરમસુખી થવાના માર્ગે છે.
સ્વામી રામતીર્થ... ફક્કડ સંન્યાસી.. એક વાર પરદેશની મુસાફરીમાં હતા.. પ્રવચન ઉપયોગી અમુક પુસ્તકો, પોતાની હાથનોંધ વગેરે રાખેલા.. એક જગ્યાએ પગપાળા જતા નદીના પુલ ઉપરથી પસાર થતા હતા... ‘ભગવાનના ભરોસે આ સંસાર છોડ્યો છે. જે વસ્તુ જ્યારે જોઈએ ત્યારે પ્રભુ મોકલી જ આપે છે. તેમાં મારી બુદ્ધિ-આવડત-હોશિયારી કશું કામ લાગતા નથી. માત્ર પ્રભુકૃપા જ કામ લાગે છે. આ પુસ્તકો તો પ્રભુ ઉપરનો મારો ભરોસો નબળો પુરવાર કરે છે. મારી પાસે જે છે તે પૂરતું છે. પ્રભુ પ્રત્યેનો વિશ્ર્વાસ ડગાવી દે એવા આ પુસ્તકો આજથી ન જોઈએ’ - આવો વિચાર આવતાં જ બધા પુસ્તકો, પોતાના અનુભવો, ઉતારા, હાથનોંધ, અનુપ્રેક્ષા વગેરે બધું જ જલશરણ કરી દીધું.
પોતા પાસે જે છે તે પૂરતું લાગે પછી બહારની વસ્તુઓથી સાગરના પેટાળ સમી પોતાની તૃષ્ણાને પૂરવાની ઈચ્છાઓ મરી પરવારે છે.
જે છે તે પૂરતું છે...
જે છે તે બસ છે...
જે છે તેમાં સંતોષ છે...
જે છે તે પર્યાપ્ત છે...
આવી ભાવનાઓ વધારતા જઈએ તો આપણામાં રહેલી ક્ષુદ્રતાને સૂચવનારી તુચ્છતા, કૃપણતા અને દરિદ્રતા દૂર થયા વિના ન રહે. સંતોષના સીમાડામાં આપણા જીવનને લાવવું હોય તો આ સાગર ફોર્મ્યુલાને અમલમાં મૂકીએ.
તો જ ભવિષ્યમાં ક્યારેક
એવી સ્થિતિ આવી શકશે કે આપણો નંબર ઉત્તમ ભૂમિકામાં લાગી જાય.