‘સંઘ’નો વિરોધ કરી કોંગ્રેસ ‘કાશી’એ પહોંચવા માગે છેJuly 11, 2019

  • ‘સંઘ’નો વિરોધ કરી કોંગ્રેસ ‘કાશી’એ પહોંચવા માગે છે
  • ‘સંઘ’નો વિરોધ કરી કોંગ્રેસ ‘કાશી’એ પહોંચવા માગે છે

જકોટ એ ગુજરાતનું નાગપુર ગણાય. કેમ કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના નાગપુર પછીથી કોઇ શહેરમાં કોંકિટ પ્રચાર-પ્રસાર થયો હોય તો તે રાજકોટમાં થયો છે. રાજકોટ રાજકીય રીતે સૌરાષ્ટ્રની રાજધાની તરીકે ઉપસ્યું હોય તો તેમાં જૂના જનસંઘી નેતાઓનું યોગદાન ઓછું નથી. ડો.પી.વી. દોશી, અરવિંદભાઇ મણિયાર, પ્રવીણભાઇ મણિયાર, કુંવરજીભાઇ જાદવ, હસુભાઇ દવે, નરેન્દ્રભાઇ દવે, મુકેશભાઇ મલકાણ, કિશોરભાઇ મોગલપરા, યશવંતભાઇ ભટ્ટ, કાન્તિભાઇ ભટ્ટ, ચીમનભાઇ શુકલ, કેશુભાઇ પટેલ અને જનકભાઇ કોટક જેવા ઓરિજિનલ જનસંઘીમાંથી નવી પેઢી કેટલાને ઓળખે છે? કદાચ, અમૂકને જ. કારણ? ઈતિહાસ રચિયતાઓનાં ઈતિહાસ નવી પેઢીને ભણાવવામાં ન આવે તો ઈતિહાસ ખુદ ઈતિહાસ બની જાય. ક્રિકેટ વર્લ્ડ કપની ગઇકાલે ન્યૂઝિલેન્ડ સામે ખેલાયેલી સેમીફાઈનલમાં ભારતનાં પરાજયની માયૂશીને પણ બાજુએ રાખી આજે ‘સંઘ’ કાશીએ પહોંચાડવા એટલા માટે નીકળવું પડ્યું કે કોંગ્રેસ હજૂ પણ નથી ઈચ્છતી કે દેશની નવી પેઢીને જૂનો પરંતુ ખરો ઈતિહાસ જાણવા મળે! ગઇકાલની જ વાત છે, નાગપુરની એક યુનિવર્સિટીએ બીએના અભ્યાસક્રમમાં આરએસએસના ઈતિહાસનો વિષય તરીકે ઉમેર્યો ત્યાં કોંગ્રેસે ઊંબડીયાં આદરી દીધાં કે શિક્ષાનું ભગવાકરણ થઇ રહ્યું છે. દેશની આઝાદી પછી આજતક આપણે એવો જ ઈતિહાસ વાચતા આવ્યા જે કોંગ્રેસની સરકારોએ (દૂ)ર્બુધ્ધીપૂર્વક છપાવ્યે રાખ્યો. આગ્રામાં તાજમહલ કે દિલ્હીમાં લાલ કિલ્લો કે કુત્તૂબમિનાર કોણે બાંધ્યા-બનાવ્યા તેનો તેમાં ઉલ્લેખ જરૂર છે પણ આજપર્યંત દેશમાં કેટલા હિન્દુ મંદિરો કોણે તોડ્યા તેનો ઢાંકપિછોડો કરાયો! મોદી સરકાર આવો ‘છમ્મ’ ઈતિહાસ પલ્ટાવી ગૌરવવંતા હિન્દુસ્તાનનો નવો ઈતિહાસ આલેખવા જઇ રહી છે એમાં કોંગ્રેસને તેનો ગરાસ લૂંટાતો દેખાય રહ્યો છે. કોંગ્રેસને મુસ્લિમ તૃષ્ટિકરણના આર્કિટેક અને કર્ણાટકી નેતા સી.કે. જાફર અને સુપ્રીમ કોર્ટના એકસમયના ચીફ જજ રણજિતસિંહ સચ્ચરનાં રિપોર્ટ લાગૂ કરવામાં રસ પડ્યો તેવો રસ હિન્દુઓના ઉત્કર્ષમાં કદાપિ રહ્યો નથી. ઊલ્ટાનો હિન્દુવાદી સંગઠનોને ‘સાંપ્રદાયિક’માં ખપાવી બદનામ કરવામાં કોંગ્રેસે પાછી પાની કરી નથી. જવાહરલાલ નહેરૂથી શરૂ થયેલી આ પરંપરા રાહુલ ગાંધી સુધી વારસાગત રહી. રાહુલ ગાંધી આજકાલ કોર્ટના ચક્કર કાપી રહ્યા છે અને વડાપ્રધાન મોદીના શબ્દોમાં કહીએ તો જામીન મળ્યાનો એન્જોય માણી રહ્યા છે તેની ભીતરમાં પણ સંઘ-દ્રોહ જ છે, ખેર! આપણે વાત કરવી છે કોંગ્રેસના આવા વલણની. કોંગ્રેસને ‘સંઘ’ મજબૂતીથી છવાઈ જાય તેનો ભય જૂદા કારણોસર છે. તેના કારણે ‘હાર’ નામની ડોશી કોંગ્રેસનું ઘર કદી ન ભૂલે તેનો ખૌફ છે. આજે ભાજપનો સુવર્ણકાળ ચાલે છે તે ‘સંઘ’ને આભારી છે. કોંગ્રેસ પોતાના ‘સંઘ’ને સાચવી કે પ્રસરાવી ન શકી. અન્યથા ભાજપની પિતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના (ઈ.સ.1925) કરતાં ‘સંઘ’ જેવા જ કોંગ્રેસના ‘સેવાદળ’ની સ્થાપના 1 વર્ષ વહેલી (1924)માં થઇ હતી. ડો.કેશવરાવ બલિરામ હેડગેવારે ‘સંઘ’ની સ્થાપના 27 સપ્ટેમ્બર 1925માં કરી તે પહેલાં 1 જાન્યુઆરી 1924નાં રોજ નારાયણ સુબ્બારાવ હાર્ડિકરે ‘સેવા-દળ’ રચ્યું હતું. પણ સત્તાના માલમલિદાંમાં ‘સેવા-દળ’ની સાર-સંભાળ ન થઇ. બીજી પા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રાષ્ટ્રવાદ માટે સંઘર્ષ ચાલુ રાખ્યો. વખત જતાં ‘સંઘ’નો વ્યાપ અને પ્રભાવ બંને એવો વધ્યો કે ભાજપને સત્તા અપાવવાની ગેરંટી બની ગયો. આજની તારીખે દેશભરમાં સંઘની 83000 શાખાઓ, 24000 સાપ્તાહિક મિલન અને હજજારો સંઘ મંડળોની નિયમિત બેઠક યોજાય છે. ‘સંઘ’માં 1,00,00,000 (એક કરોડ)થી વધુ પ્રશિક્ષિત સ્વયંસેવકો છે. સંઘે માત્ર રાજનીતિ નથી કરી. બલ્કે બહુ ઓછી કરી છે. રાષ્ટ્રનીતિ તેમાં સર્વોપરી છે. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનથી આવતા વિભાજન-પીડિતોને સંરક્ષણ પૂરું પાડી આશ્રય આપવામાં, 1962 અને 1965નાં યુધ્ધ વેળા સરહદથી માંડી દેશની આંતરિક રખેવાળી કરવામાં, દાદરાનગર હવેલી અને ગોવાના ભારતમાં વિલીનીકરણમાં, ભોપાલની ગેસ ત્રાસદીથી માંડી 1984નાં શીખ વિરોધી અત્યાચાર સમયે શીખોની રક્ષા કરવામાં, ગુજરાતનાં ભૂકંપ પીડિતોને સહાયભૂત થવામાં તેમજ રાજસ્થાનમાંથી જમીનદારી બંધ કરાવવામાં સંઘની ભૂમિકા લડાયક અને સૈન્ય સરીખી રહી છે. આવી જ ‘રાષ્ટ્રભાવના’ને કારણે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેના સંઘ કનેકશનના કારણે ‘સંઘ’ પર મૂકેલો પ્રતિબંધ ઉઠાવી રાષ્ટ્રીય પરેડમાં ‘સંઘ’ને શામેલ કરવા ઈજાજત આપી હતી. જો કે ત્યાર પછીથી સંઘની વિધારધારાને કોઇ રાજકીય પક્ષે આત્મસાત કરી તો તે તેના માનસપુત્ર સમા ભાજપે જ કરી અને કોંગ્રેસે તેનો ઘોર વિરોધ કર્યો. કેમકે ‘સંઘ’ જ ભાજપની અસલી તાકત હતો, છે અને રહેશે! ‘સંઘ’ માત્ર સ્વયંસેવકોમાં જોશ ભરે છે એટલું જ નહીં, જનતાની રૂચિનો તાગ પણ મેળવી લે છે. લોકોની લાગણી, સમસ્યા અને આકાંક્ષા શી છે અને તેનો ઉકેલ શો છે તેની લેબોરેટરીની જેમ સંઘની શાખાઓમાં પૃથ્થકરણ થયા કરે છે. સમન્વય, સંપર્ક અને સંવાદ એ સંઘના ત્રણ પાસાં રહ્યા છે. 1948માં મહાત્મા ગાંધીજીની હત્યા પછી, 1975 થી 77નાં ઈમર્જન્સીના સમયમાં અને 1992માં બાબરી ઢાંચાના ધ્વંશ પછી ‘સંઘ’ પર પ્રતિબંધો લાગતા રહ્યા છતાં હિન્દુસતાનની બહુસંખ્ય જનતાના હૃદયના દ્વાર સંઘ માટે સદૈવ ખુલ્લાં રહ્યાં. એમાંય 2014 અને 2019માં કેન્દ્રમાં મોદી-સરકારનાં સત્તામાં આવ્યા પછી તો ‘સંઘ’ની તાકત અને ડિમાન્ડ ઔર વધી. કોંગ્રેસને લાગે છે કે ‘હાર’ નામની ડોશી કાયમી ઘર ભાળી જાય તેનાં કરતાં ‘સંઘ’ ઉપર જ પ્રહાર કરો જેથી ન રહે બાંસ ન બજે બીજેપી કી બાંસૂરી. રાહુલ ગાંધી તો ‘સંઘ’ને યૂરોપનાં સૌથી ખત્તરનાક ઈસ્લામિક ગ્રુપ મુસ્લિમ બ્રધરહૂડ સાથે સરખાવી ચૂક્યા છે. આ સંજોગોમાં નવી પેઢીને અસલી ઈતિહાસથી વાકેફ કરવો અનિવાર્ય ગણાય. નાગપુર યુનિવર્સિટીએ ‘સંઘ’ના ભ્રમિત ઈતિહાસને ભૂલાવી અસલી ઈતિહાસને પેશ કરવામાં પહેલ કરી છે. કોંગ્રેસને તેમાં મીર્ચી લગી. કહ્યું આ શિક્ષણનું ભગવાકરણ છે. કોંગ્રેસ ગમ્મેતેવી રાડો પાડે કે રો-ક્કળ કરે, ભોજિયોભાઇ પણ સાંભળવા રાજી નથી કેમ કે જન-જાગૃતિ તેની ચરમસીમાએ છે. ઊલ્ટાનો ‘સંઘ’ સહિતનાં હિન્દુ-રાષ્ટ્રવાદી સંગઠનોનો જેટલો વધુ વિરોધ કોંગ્રેસ કરી રહી છે, હિન્દુસ્તાન કોંગ્રેસની અસલિયતથી વધુ જાણિતું થતું જાય છે!!