‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના પ્રોડ્યૂસરની લાશ મળી આવીJune 20, 2019

મુંબઇ, તા.20
જાણીતા ટીવી શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના સીનિયર પોસ્ટ પ્રોડ્યૂસર સોહન ચૌહાણનો મૃતદેહ રવિવારે મુંબઈના રોયલ પામ્સ તળાવમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. સોહન ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સિઝન અને માસ્ટરશેફ સિઝન જેવા પોપ્યુલર ટીવી શોઝમાં કામ કરી ચૂક્યો છે. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી મોતના કારણોની તપાસ હાથ ધરી છે.
એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ અનુસાર પોલીસનું માનવું છે કે, સોહને આત્મહત્યા કરી છે પણ અસલ કારણ અંગે હજુ પણ અસમંજસ છે અને તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવી શકશે. છેલ્લા કેટલાક દિવસથી સોહન પોતાના ઘરે એકલો જ રહેતો હતો. તેની પત્ની થોડા દિવસોથી દિલ્હી છે અને હાલ સોહનના ઘરમાં માત્ર નોકરાણી જ છે.
પોલીસે સોહનની થોડા દિવસ પહેલાની એક્ટિવિટી વિશે જાણકારી એકઠી કરતા જણાવ્યું કે, સોહન છેલ્લે 13 જૂનના રોજ સોશિયલ મીડયા પર સક્રિય હતો. તેણે અહીં પોતાની કવિતા પોસ્ટ કરી હતી. આ ઉપરાંત 9 જૂનના રોજ તેણે સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સના ગ્રાન્ડ ફિનાલેનું પણ પ્રમોશન કર્યું હતું.