પાયાવિહોણા આક્ષેપો કરીને કોંગ્રેસ જનતાને ગુમરાહ કરી રહી છે: જીતુ વાઘાણીJune 20, 2019

હારને ખેલદિલીથી સ્વીકારવાને બદલે બંધારણીય સંસ્થાઓ પર જુઠા આક્ષેપો કરી કોંગ્રેસ લોકતંત્રના મુલ્યોનો અનાદર કરી રહી છે: વાઘાણી અમદાવાદ તા,20
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાપણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઈલેકટ્રોનિક મીડીયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે 2019 લોકસભા ચૂંટણીના પરિણામોને હજુ સુધી પચાવવા અસક્ષમ કોંગ્રેસ આજે રાજયસભાની ચૂંટણી બાબતે ભાજપા પર જુઠા આક્ષેપો કરી રહી છે. આ જાહેર જીવનમાં હાર કે જીતને ખેલદિલીથી સ્વીકારવાના બદલે હારની હતાશાઓથી ઘેરાયેલી કોંગ્રેસ બંધારણીય સંસ્થાઓ પર જુઠ્ઠા આક્ષેપો કરી લોકતંત્રના મૂલ્યોનો અનાદર કરી રહી છે. ગત ચૂંટણીઓમાં મળેલી કારમી હારને સ્વીકારી તેના કારણો શોધવાને બદલે કોંગ્રેસ ચૂંટણીપંચનું સંચાલન ભાજપા કરી રહી છે તેવા પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે ત્યારે એક જવાબદાર પક્ષ તરીકે કોંગ્રેસે આ બાબતોને સાબીત કરવાની જરૂર છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણીપંચ એક સ્વાયત સંસ્થા છે જે બંધારણીય જોગવાઈઓને આધીન સ્વતંત્ર રીતે નિર્ણય લેતી હોય છે પરંતુ કમળા પીડીત કોંગ્રેસને બધુ પીળુ જ દેખાય તે સમજી શકાય તેમ છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી 2019ના પરીણામો પછી કોંગ્રેસના નેતાઓ માનસીક સંતુલન ગુમાવી બેઠા હોય એવું લાગે છે કોંગ્રેસ હારે એટલે ઈવીએમ પર આક્ષેપો કરે છે. સુપ્રીમકોર્ટે કે ચૂંટણીપંચ જેવી બંધારણીય સંસ્થાઓ પર દેશની જનતાને અને ભાજપાને પૂર્ણ ભરોસો છે ભુતકાળમાં પણ અનેક વખત એવું બન્યું છે કે કોંગ્રેસની તરફેણમાં ચૂકાદો આવે તો સ્વીકાર્ય પરંતુ જો તેના વિરુધ્ધમાં ચુકાદો આવે તો બંધારણીય સંસ્થાઓ પર મનફાવે તેવા આક્ષેપો કરવા, જૂઠ્ઠાણાઓ ફેલાવવા એ કોંગ્રેસની આદત બની ગઇ છે. આદતથી મજબુર કોંગ્રેસ દેશની સ્વાયત સંસ્થાઓના નિષ્પક્ષ નિર્ણયો સામે ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરીને માત્રને માત્ર દેશની જનતાને ગુમરાહ કરી છે.
વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે દેશની જનતાએ આશીર્વાદ અને અખંડ વિશ્ર્વાસ મુકી પુન: એકવાર નરેન્દ્રભાઇ મોદીને પૂર્ણ બહુમતી સાથે દેશનું સુકાન સોંપ્યું છે. ગુજરાતની શાણી અને સમજુ જનતાએ અતુટ ભરોસો રાખી ગુજરાતની સમૃધ્ધી અને વિકાસ માટે ભાજપાને સતાના સુકાન સોંપ્યા છે સામે કોંગ્રેસની જાતિવાદ, જ્ઞાતિવાદ, તૃષ્ટિકરણની રાજનીતીમાં થયેલા અબજોના ભ્રષ્ટાચારની હારમાળાઓ તથા પ્રજાવિરોધી કારનામાઓને લીધે દેશ અને ગુજરાતની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે આઝાદી બાદ વર્ષોથી દેશમાં સતા પર રહેલી કોંગ્રેસ આજે અસ્તીત્વ જાળવવાના બદલે તથા પોતાની હાર સ્વીકારવાને બદલે ખોટા આક્ષેપો કરી પ્રજાને ગુમરાહ કરવાના કાવતરા કરે છે. પરંતુ ગુજરાત અને દેશની જનતા કોંગ્રેસના કાળા ચહેરાને સુપેરે ઓળખી ગઇ છે.