અમરેલીમાં વધુ બે પોલીસ સ્ટેશન બનાવવા પરેશ ધાનાણીની ગૃહમંત્રીને રજુઆતJune 20, 2019

શહેરની ભાગોળેથી પસાર થતાં બાયપાસ ક્રોસીંગે પોલીસ ચોકી જરૂરી અમરેલી, તા.20
અમરેલીનાં યુવા ધારાસભ્ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજયનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર પાઠવીને અમરેલી શહેરમાં વધારાનાં ર પોલીસ સ્ટેશન કાર્યરત કરવા માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, અમરેલીમાં એક શહેર પોલીસ સ્ટેશન છે. અમરેલી શહેરની આસપાસના તમામ વિસ્તારોમાં નવી સોસાયટીઓ વિકસી રહેલ છે તથા અમરેલી ખાતેની શૈક્ષણિક સંસ્થાઓમાં બહારગામથી વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે. જેના હિસાબે અમરેલી શહેરનો રહેણાંક વિસ્તાર ચારેબાજુ નવી સોસાયટીઓ બનતા ખૂબ જ વધી રહેલ છે. જેના કારણે દુરના વિસ્તારોમાં ચોરી, લૂંટફાટ, મારામારી વિગેરે નાના-મોટા બનાવો અવાર-નવાર બનતા રહે છે. જેની સામે અમરેલી શહેરમાં ફકત એક જ પોલીસ સ્ટેશન હોવાથી લોકોને ફરિયાદ કરવા માટે ખૂબ જ હેરાનગતી થાય છે અને દુરના વિસ્તારોનાં લોકો તેઓની નાની-મોટી ફરિયાદો માટે પોલીસ મથકે આવતા પણ નથી. જેથી શહેરી વિસ્તાર ખૂબ જ મોટો હોય એક જ પોલીસ મથક અપુરતું છે કારણ કે, સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ વાર પેટ્રોલિંગ ન થવાના કારણે ગુનાખોરીનું પ્રમાણ વધતું રહે છે. જેથી ગુનાખોરી ડામવા અને લોકો ભયમુકત રીતે જીવન જીવી શકે અને અસામાજીક તત્વોનું સામ્રાજય દુર થાય તે માટે અમરેલી શહેરમાં નીચે મુજબના વિસ્તારવારપોલીસ સ્ટેશન/આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન બનાવવામાં આવે તો લોકોને ખૂબ જ રાહત થાય અને અસામાજિક તત્વો ઉપર અંકુશ લાદી શકાય.
વધુમાં જણાવેલ છે કે, લાઠી બાયપાસ, ચકકરગઢ બાયપાસ, લીલીયા બાયપાસ, સાવરકુંડલા બાયપાસ, કુંકાવાવ રોડ જુના જકાતનાકા ઉપર તેમજ ચિતલ રોડ, કેરીયા રોડ, ધારી રોડ ઉપર સહિત સ્થળોએ બાયપાસ ક્રોસીંગ થતાં રસ્તાઓ ઉપર આઉટ પોસ્ટ પોલીસ ચોકીઓ બનાવી અલગ અલગ ડીવીઝનો અમરેલી શહેર માટે એ-ડીવીઝન તથા રેલ્વે ક્રોસીંગ બહારના તમામ વિસ્તાર માટે બી-ડીવીઝન તેમજ ઠેબી નદીપારના તમામ વિસ્તાર માટે સી-ડીવીઝન એ મુજબ ત્રણ ડીવીઝનો બનાવી અમરેલી શહેર તથા બહારનો તમામ વિસ્તાર આવરી
લઈ પોલીસ ઈન્સ્પેકટર/પોલીસ
સબ ઈન્સ્પેકટરની નિમણૂંક કરવી
અને હાલની વસ્તી મુજબ મહેકમ
મંજુર કરવું તથા વધુ પોલીસ વાન ફાળવવા તુર્ત જ કાર્યવાહી કરવા અંતમાં માંગ કરેલ છે.