જૂનાગઢમાં ફાયર એનઓસી વગર ધમધમતું જી.એ. ઈન્સ્ટિટ્યુટ સિલJune 20, 2019

  • જૂનાગઢમાં ફાયર એનઓસી વગર ધમધમતું જી.એ. ઈન્સ્ટિટ્યુટ સિલ

જૂનાગઢ તા,20
સુરતના ટ્યુશન ક્લાસિસમાં અગ્નિકાંડની ઘટના બાદ જૂનાગઢ મનપા દ્વારા શહેરના તમામ ક્લાસિસોને અપાયેલી નોટિસ અને ક્લાસીસને સિઝ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરી જૂનાગઢના એમ જી રોડ ઉપર આવેલા જી.એ. ઇન્સ્ટિટયૂટ નામના ક્લાસીસમાં અભિયાસ ચાલતો હોવાની મનપાના ફાયર તંત્રને જાણ થતા આજે આસિસ્ટન્ટ કમિશનર તથા ફાયર સેફ્ટી અધિકારી સહિતના સ્ટાફે આ ક્લાસીસની તપાસ હાથ ધરતા ક્લાસીસ વગર મંજૂરીએ ચાલુ હોવાનું જણાતા આ કલાસીસને સીઝ કરવામાં આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢના એમજી રોડ સ્થીત પેરેગોન કોમ્પલેક્ષના ત્રીજા માળે આવેલ જી એ ઇન્સ્ટિટયૂટ નામનું એક ક્લાસીસ ચાલુ હોવાની મનપાના ફાયર વિભાગને જાણ થતા મનપાના આસી. કમિશનર (ટેક્સ) પ્રફુલ કનેરિયા, ફાયર સેફ્ટી અધિકારી ભુમિત મિસ્ત્રી સહિતના અધિકારીઓ જી.એ. ઇન્સ્ટિટયૂટ ખાતે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરતા મનપાના ફાયર વિભાગની વગર મંજૂરીએ આ ઇન્સ્ટિટયૂટ ચાલુ રાખવામાં આવ્યુ હોવાનું ફાયર અધિકારી ભૂમિકા મિસ્ત્રીને તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આ કલાસીસનું શિક્ષણ કાર્ય રોકવી, કલાસીસને સિઝ કરવામાં આવ્યું હતું.
સુરતના કલાસીસમાં અગ્નિકાંડ બાદ શહેરના કલાસીસને મનપા દ્વારા નોટિસ પાઠવાઈ હતી અને અનેક સંચાલકો દ્વારા વાલીઓને આગળ ધરી કમિશનર સુધી રજૂઆત પણ કરવામાં આવી હતી બાદમાં જૂનાગઢના ટોચના ભાજપના પદાધિકારીઓ પાસે સંચાલકોએ જઈ આજીજી કરતા મોટા ગજાના ભાજપના નેતા દ્વારા જૂનાગઢના અધિકારીઓને હંગામી ધોરણે ક્લાસીસ શરૂ કરવા દેવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે, તો બીજી બાજુ જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ તા. 8 ઓગસ્ટ સુધી ફાયર સેફટીની પુરી વ્યવસ્થા અને નિયમો જાળવતા ન હોય તેવા સંચાલકો પોતાના કલાસીસો ચાલુ ન કરે એવુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, ત્યારે જૂનાગઢ મનપામાં નવા નિયુક્ત કમિશનર તુષાર સુમેરા સમક્ષ કલાસીસ સંચાલકો દ્વારા હંગામી ધોરણે મંજૂરી આપવાની રજૂઆત કરતા આ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું મનપા વર્તુળમાં થી ચર્ચાય છે ત્યારે હંગામી ધોરણે કલસોસો શરૂ કરવા દેવાની મંજૂરી આપવામાં આવશે અને કોઈ અનિચ્છનીય બનાવ બનશે ત્યારે તેની જવાબદારી કોની સાથે રહેશે તે પણ એક સવાલ વાલીઓ દ્વારા શહેરમાં ઉઠવા પામયો છે.