RBIએ દંડ ફટકાર્યો તે બેન્ક ગુજરાતમાં વિસ્તરશે! June 20, 2019

નવી દિલ્હી તા. 20
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ દેશની ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેન્ક પર રૂ. 1 કરોડનો દંડ ફટકાર્યો છે. બેંક પર આ દંડ આરબીઆઈની કેવાયસી નિયમોના ઉલ્લંઘનને કારણે લગાવવામાં આવ્યો છે. કેન્દ્રિય બેંકે તેની વેબસાઇટ પર આ માહિતી આપી છે. એચડીએફસી બેંક પર લગાવવામાં આવેલા દંડ અંગે આરબીઆઈએ જણાવ્યું હતું કે, તપાસમાં જોવા મળ્યું છે કે આરબીઆઈની કેવાયસી / મની લોન્ડ્રિંગ નિરોધક (એએમએલ) અને ભ્રષ્ટાચાર વિશે સૂચના આપવાને લઇને નિયમોનું પાલન બેંક દ્વારા કરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનિય છે કે એચડીએફસી બેંક લિમિટેડે ગઇકાલે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં 25 નવી શાખાઓ શરૂ કરશે. તેથી તેની શાખાઓનુ નેટવર્ક 440થી વધુ થશે. બેંક આ શાખાઓ ડિસેમ્બર, 2019 સુધીમાં શરૂ કરી દેશે. મંગળવારે પત્રકાર પરિષદમાં આ જાહેરાત બેંકના બ્રાન્ચ બેંકીંગ હેડ-ગુજરાત દેબાશિસ સેનાપતિએ કરી હતી. એચડીએફસી બેંકે ગુજરાતમાં તેની મંજીલની શરૂઆત વર્ષ 1996માં અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શાખા શરૂ કરીને કરી હતી. બેંકે ગુજરાતમાં તેના 20 લાખ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવા તેની શાખાઓનુ નેટવર્ક ઝડપથી વિસ્તાર્યું છે. બેંકે રાજ્યમાં ડિજીટલ બેંકીંગ વ્યુહરચનાને સામૂહિકપણે વેગ આપીને તથા મલ્ટીપલ પ્લેટફોર્મસનો ઉપયોગ કરી પણ સર્વિસિસ પૂરી પાડી રહી છે. દેબાશિસે જણાવ્યું હતું કે અમારી 51 ટકાથી વધુ શાખાઓ અર્ધશહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. રાજ્યમાં એચડીએફસી બેંક લાખો લોકો માટે પસંદગીની બેંક બની રહે તેવો અમારો પ્રયાસ રહેશે. શાખાઓ, નેટબેંકીંગ, મોબાઈલ બેંકીંગ, વોલેટ ચેટબોટ જેવી તમામ ચેનલો મારફતે સુપિરિયર સર્વિસ ઓફર કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવાનો અમારો પ્રયાસ રહેશે.