એક દેશ, એક ચૂંટણી મામલે બંધારણીય સંસ્થાઓ શું કહે છે?June 20, 2019

નવી દિલ્હી તા. 20
દેશમાં છેલ્લા ઘણા સમયથી લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજવા અંગે ચર્ચા ચાલી રહી છે. નીતિ પંચ, ચૂંટણી પંચ અને વિધિ પંચ જેવી બંધારણીય સંસ્થાઓ અને રાજકીય પક્ષોમાં આને લઇને ગંભીર વિચાર થઇ રહ્યો છે. ત્યારે આવો જાણીએ એક રાષ્ટ્ર - એક ચૂંટણીથી દેશને શું ફાયદ અને શું ગેરફાયદા થઇ શકે.
ચૂંટણી પંચ અને નીતિ પંચ પહેલા જ સ્પષ્ટતા કરી ચુક્યા હતા કે 2024માં દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજી શકાય એમ છે. કેટલાક પક્ષોને આમાં લાભ તો કેટલાકને નુકસાન જણાય છે. એક સાથે ચૂંટણી યોજવાના અમુક નુકસાન તો થશે પરંતુ સામા પક્ષે જે ફાયદા છે તેને અવગણી શકાય એમ નથી. બદલાતા સમય સાથે દેશની જરૂરિયાતો શી છે એના ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે.
દેશમાં દર વર્ષે કોઇને કોઇ રાજ્યોમાં ચૂંટણી થતી રહે છે. સતત ચૂંટણીને કારણે દેશ હંમેશા ઇલેકશન મોડમાં રહે છે. વારંવાર ચૂંટણીને કારણે વહીવટી અને નીતિગત નિર્ણયો લેવામાં અસર થતી રહે છે. એક રાષ્ટ્ર - એક ચૂંટણીના નિર્ણયનો મુખ્ય હેતુ દેશ પરનો આર્થિક બોજા ઘટાડવાનો છે. આઝાદી બાદ વર્ષ 1952, 1957, 1962 અને1967માં એક સાથે ચૂંટણી યોજાઇ હતી. ભારત જેવા વિશાળ દેશમાં એક સાથે નિષ્પક્ષ ચૂંટણી કરવી તે સૌથી મોટો પડકાર છે.
આશરે 15 વર્ષ સુધી લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજાઇ પરંતુ એ પછી આ વ્યવસ્થા ટકી નહીં. આટલા મોટા દેશમાં અને આટલા બધા રાજ્યો વચ્ચે આ વ્યવસ્થા ટકવી મુશ્કેલ પણ હતી. જો કે આજના સમયમાં એક જ સમયે સમગ્ર દેશમાં ચૂંટણીનો નિર્ણય ફાયદાકારક નિવડી શકે છે.
આ નિર્ણયથી ચૂંટણી પાછળ થતા ધરખમ ખર્ચમાં ઘટાડો થશે. ચૂંટણી પંચને વારંવાર ચૂંટણીની તૈયારીઓમાંથી છૂટકારો મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો એક સાથે નીતિ ઘડી શકશે. સમગ્ર દેશમાં એક મતદાર યાદી બનશે. ચૂંટણીની ફરજમાં રોકાઇ રહેતા સુરક્ષા દળોનો સમય બચશે. ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેતા નેતાઓ રચનાત્મક કાર્યો માટે સમય ફાળવી શકશે.
કેટલાક જાણકારોએ આ નિર્ણયથી થનારા ગેરફાયદા પણ ગણાવ્યા છે..
જે અંતર્ગત એક સાથે ચૂંટણી યોજવાથી રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો વચ્ચે મતભેદ વધશે. રાષ્ટ્રીય પક્ષોને વધુ ફાયદો અને પ્રાદેશિક પક્ષોને નુકસાન થવાનો ડર છે. મતદારો એક જ પાર્ટીને મત આપી શકતા હોવાથી દેશમાં એક જ પાર્ટીનું શાસન રહેશે. કલમ-356ના દુરૂપયોગની શક્યતા વધી જશે.
વિવાદો વચ્ચે જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાનો નિર્ણય પર સહમતી સધાઇ પણ જાય તો તેના અમલીકરણની પ્રક્રિયા પણ ઘણી લાંબી રહેશે.
સૌથી પહેલા બંધારણમાં સંશોધન કરવું પડશે. નિશ્ચિત સમય પહેલા ગૃહ ભંગ થતું બચાવવા ચૂંટણી પંચે સૂચન રજૂ કર્યું છે કે લોકસભા પહેલેથી નિયત તારીખો મુજબ શરૂ અને સમાપ્ત કરી શકાય. તેમજ પીએમ માટે અવિશ્વાસ પ્રસ્તાવ અને વિશ્વાસ પ્રસ્તાવ એકસાથે જ લાવવો જાઇએ. તેમ છતાં ગૃહ ભંગ થાય તો બાકીના સમય માટે રાષ્ટ્રપતિ શાસન લગાવવું જાઇએ. જો ગૃહના કાર્યકાળમાં વધુ સમય બાકી હોય તો તે માટે ચૂંટણી યોજવામાં આવે.
દેશની તમામ ચૂંટણીઓ એક સાથે યોજવાની કામગીરી અમલમાં મૂકાય તો પણ બંને ચૂંટણીઓ એક સાથે યોજવાની વ્યવસ્થા કેટલા સમય સુધી ટકી શકશે તે પણ એક સવાલ છે. કારણે કે લોકસભા કે કોઇ વિધાનસભા પોતાના કાર્યકાળ પહેલા જ ભંગ થાય તો તેનું મિડ ટર્મ ઇલેકશન લાંબા સમય સુધી ટાળી શકાય નહીં.