1 દેશ 1 મત માટે વિપક્ષ બે- મત!June 20, 2019

વડાપ્રધાને ‘વન નેશન, વન ઇલેકશન’ માટે બોલાવેલી સર્વદલીય બેઠકમાં 40માંથી ફકત 21 પક્ષો જ હાજર રહ્યાં માયા, મમતા અને અખિલેશે શું કહ્યું?
માયાવતીએ ટ્વિટ કર્યું કે ઈવીએમને લઈને બેઠક બોલાવવામાં આવી હોત તો તે તેમાં હાજર રહેત.
બેઠકને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે મોદીએ તે વાયદાઓ પર ફોકસ કરવું જોઈએ જે તેમણે લોકોને કર્યા છે. મને આશા છે કે તેઓ તે વાયદાને પુરા કરવા માટે કામ કરશે. એક દેશ, એક ચૂંટણી જેવા મુદ્દાઓ પર ઘણી પાર્ટીઓ કયારે પણ તૈયાર થશે નહિ. મમતાએ મંગળવારે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને પત્ર લખીને કેન્દ્ર સરકાર એક દેશ, એક ચૂંટણીના મુદ્દા પર ઉતાવળ ન કરે અને શ્વેત-પત્ર તૈયાર કરે તેવી વાત કરી છે. જેથી તમામ પ્રમુખ નેતા શ્વેત પત્ર પર પોતાના વિચાર વ્યક્ત કરી શકે. તેના માટે બધાને પુરતો સમય પણ આપવો જોઈએ. મમતાએ જણાવ્યું કે જો મોદી આમ કરશે તો જ અમે બધા આ વિષય પર સૂચન આપી શકીશું. પાછલા બારણેથી રાષ્ટ્રપતિ શાસનનો ઇરાદો : સીપીએમ
સીપીએમ નેતા સીતારામ યેચૂરી એ ’એક દેશ એક ચૂંટણી’ ને અવ્યવહારિક બતાવતા કહ્યું કે, આ એક નારો માત્ર છે. તે વ્યવહારુ નથી. યેચૂરીએ કેન્દ્ર સરકારના વિચારને અસંવૈધાનિક તથા સંઘીય વ્યવસ્થા વિરુદ્ધ બતાવવા માકપાએ બુધવારે આરોપ લગાવ્યો કે, આ દેશમાં સંસદીય પ્રણાલીની જગ્યાએ પાછલા બારણે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
’એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ના વિચાર પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધા બાદ માકપાના નેતા સીતારામ યેચૂરીએ અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ’એક સાથે ચૂંટણીનો વિચાર દેશમાં સંસદીય પ્રણાલીની જગ્યાએ પાછલા દરવાજે રાષ્ટ્રપતિ શાસન લાદવાનો પ્રયત્ન છે.’ આ વિચાર અસંવૈધાનિક અને સંઘીય વ્યવસ્થા વિરુદ્ધ છે. યેચૂરીએ કહ્યું કે, આ પહેલા પણ એક સાથે ચૂંટણી યોજાઇ હતી પરંતુ અનુચ્છેદ 356 નો દુરઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી અનુચ્છેદ 356 રહેશે ત્યાં સુધી એક સાથે ચૂંટણી થઇ શકે નહીં.
યેચૂરી અનુસાર બેઠકમાં રાકંપાના શરદ પવાર અને ભાકપા સહિત ઘણી પાર્ટીના નેતાઓએ કહ્યું કે હાલની વ્યવસ્થામાં એક સાથે ચૂંટણી સંભવ નથી. સંવિધાનના અનુચ્છેદ 356 હેઠળ કેન્દ્ર કેટલીક કટોકટીની સ્થિતિમાં રાજ્યની ચૂંટાયેલી સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે. નવી દિલ્હી: તા. 20
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે એક દેશ, એક ચૂંટણી મુદ્દા પર રાજકીય પાર્ટીઓના અધ્યક્ષોની બેઠક થઈ હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે બેઠકમાં 40 પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાંથી 21 પાર્ટીના અધ્યક્ષ બેઠકમાં સામેલ થયા હતા. ત્રણ પાર્ટીઓએ આ મુદ્દા પર પોતાનો મત લેખિતમાં મોકલી છે. વડાપ્રધાન મોદી આ મુદ્દા પર સૂચન મોકલાવવા માટે કમિટી બનાવશે.
રાજનાથ સિંહે કહ્યું કે બેઠકમાં સામેલ થનાર મોટા ભાગની પાર્ટીઓ આ મુદ્દાનું સમર્થન કર્યું છે. માકપા-ભાકપાનો મત અલગ છે, જોકે તેમણે તેનો વિરોધ કર્યો નથી. બીજી તરફ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે પાર્ટી એક દેશ, એક ચૂંટણીનું સમર્થન કરે છે.
બેઠકમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, રાકાફંપા પ્રમુખ શરદ પવાર, શિરોમણી અકાલી દળના નેતા સુખબીર બાદલ, બીજેડી પ્રમુખ નવીન પટનાયક, પીડીપી નેતા મેહબૂબા મુફ્તી, વાઈએસઆરના જગન મોહન રેડ્ડી પણ સામેલ થયા હતા.
કોંગ્રેસ, સપા, શિવસેના, બસપા, દ્રમુક, તેદેપા અને તૃણમૂલના કોઈ પણ નેતા બેઠકમાં સામેલ થયા ન હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ ચીફ મમતા બેનર્જી, બસપા પ્રમુખ માયાવતીએ પણ બેઠકમાં સામેલ થવાથી ઈન્કાર કર્યો હતો. લેફટ નેતા સીતારામ યેચૂરી અને ડી રાજા મોદીએ બોલાવેલી આ બેઠકમાં સામેલ થયા હતા. જોકે તેમણે એક દેશ, એક ચૂંટણીના મુદ્દાનો વિરોધ કર્યો હતો.