રાણાવાવમાં રબારી સમાજના ભગતની હત્યા કરનારની શોધખોળJune 20, 2019

  • રાણાવાવમાં રબારી સમાજના ભગતની હત્યા કરનારની શોધખોળ

 ઘરેણાંની લૂંટ : કોહવાયેલો મૃતદેહ મળ્યો
પોરબંદર, તા.20
પોરબંદર નજીકના રાણાવાવ ગામે રેલ્વે સ્ટેશન પાસેના ધોરીયા નેસ તરીકે ઓળખાતા વાડીવિસ્તારમાં એકલવાયા રહેતા રબારી સમાજના ભગત તરીકે ઓળખાતા વૃધ્ધની ઘાતકી હત્યા કરીને દાગીના લુંટીલુંટારૂઓ નાસી છુટયાના બનાવના 3 દિવસ પછી સમગ્ર કિસ્સો સામે આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને લાશ કોહવાયેલી હોવાથી પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે, રાણાવાવના ધોરીયાનેસ વિસ્તારમાં રહેતા મેરામણભાઇ ઘેલીયા (કોડીયાતર) નામના રબારી સમાજના ભગત કે જેઓ એકલવાયું જીવન જીવતા હતા અને ભકિતવાન અને ધર્મના વિવિધ સેવાકાર્યો કરતા હતા તેઓ ની વાડીમાં વિચીત્ર પ્રકારની વાસ આવતી હોવાથી લોકો ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતા મેરામણભાઇ ભગતનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા લોકો ચોંકી ઉઠયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે રબારી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં રાણાવાવની વાડીએ એકત્ર થઇ ગયા હતા.
પોલીસે કરેલી તપાસમાં પ્રાથમિક તબકકે એવું બહાર આવ્યું છે કે, બોથડ પદાર્થ વડે મેરામણ ભગતની હત્યા કરી નખવામાં આવી હોય તેવી શકયતા છે. તો રબારી સમાજના આગેવાનોએ એવું જણાવ્યું હતું કે, મેરામણભગત રબારી સમાજના કાનમાં પહેરવામાં આવતા પરંપરાગત દાગીના ભુંગરી, સીસોરીયા તથા ગળાની માળા પણ ગુમ છે તેથી લુંટના ઇરાદે જ આ હત્યા થઇ હોવાનું માનવામાં આવે છે. લાશ કોહવાયેલી હોવાથી તેને ડબલ ડોકટર પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજીબાજુ રબારી સમાજના આગેવાનોએ એવી માંગ કરી હતીકે, હત્યારાઓને પોલીસ તાત્કાલીક પકડી પાડે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. રબારી સમાજના ભગતની આ રીતે ક્રુર હત્યા થતાં સમાજમાં પણ ઘેરો શોક જોવા મળ્યો છે.