ચિંતનઃ-તમે અન્યાયનો પ્રતિરોધ કરવાની વાત કરો છો પણ એ પહેલા તમે તો નક્કી કરો કે બીજા પ્રત્યે અન્યાય નહીં કરો.June 20, 2019

જે એક વાત નક્કી કરી લો કે કોઇપણ વ્યક્તિ પ્રત્યે જાણી જોઇને તમે અન્યાય નહીં કરો. તમે અન્યાયનો પ્રતિરોધ કરવાની વાત કરો છો પણ એ પહેલા તમે તો નક્કી કરો કે બીજા પ્રત્યે અન્યાય નહીં કરો.
જે મા-બાપે તમને નાનેથી મોટા કર્યા તેની દરેક વાતને નીગલેક્ટ કરી છે તે શું અન્યાય નથી. તમારી ઓફિસમાં બે હજારનું ઈન્વેસ્ટમેન્ટ કોઇ વસ્તુમાં કર્યું અને અન્યાય કરીને નોકર તે લઇને ચાલ્યો ગયો તો તમે શું ફીલ કરશો.
જો સંપતિનું ઈન્વેસ્ટમેન્ટ આટલું બધું ખૂંચે છે તો મા-બાપે જે જીવનભરનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તો તેને કેટલું ખૂંચતું હશે. કોઇની દીકરીને તમારા ઘરમાં વહુ બનાવીને લાવો છો એ એક જીવંત વ્યક્તિ છે પરંતુ તેને તમે તેની તકલીફ બાબતે કયારે પૂછ્યું છે ખરા? એક પુરૂષ લગ્ન કરે છે તો સ્ત્રીને મેળવે છે જયારે એક યુવતીના લગ્ન થાય છે તો તે આખા પરિવાર ને ગુમાવે છે, બલિદાન કોનું મોટું?
સ્ત્રી ઘર છોડે છે, મા-બાપ છોડે છે તો ગુમાવ્યું કોણે વધારે? તો તમારે તમારા દીકરાનું વધારે ધ્યાન રાખવું જોઇએ કે વહુનું?
એક સુખી સંપન્ન પરિવારમાં કોઇ વાતે કમી ન હતી. પણ નવી આવેલી વહુ શરીરથી નબળી પડતી જતી હતી. જે કોઇ સમસ્યાનો સંકેત આપતી હતી. એક દિવસ સાસુએ વહુને બેસાડીને પ્રેમથી પૂછ્યું અને ખબર પડી કે પોતાનો જ દીકરો રાત્રે જુગાર, રમી દારૂ પીને મોડો આવે છે. બીજા દિવસે મધરાતે દીકરો આવ્યો અને પત્નીના બદલે દરવાજા પર માઁ હતી. માએ કહ્યું કે આ દરવાજો દારૂડિયા કે જુગારી માટે નહીં ખુલ્લે. જયાં દરવાજા ખુલ્લા હોય ત્યાં જા. આમ એક માઁ અને એક સાસુએ તેની જવાબદારી બખૂબી નિભાવી.
તમારા ઘરમાં કોઇને અન્યાય ન થાય એ જવાબદારી તમારી છે. મારા કોઇ પણ સાધુને અન્યાય ન થાય એ જવાબદારી મારી છે. જો મારી આંગળી સડી ગઇ હોય તો એ કાપી નાખવાની જવાબદારી મારી છે, નહીંતર એ સડો સમગ્ર શરીરમાં પેસી જઇ નુકસાન કરી શકે છે.