જૂનાગઢ જિલ્લાની 70 ટકા જેટલી ખાનગી શાળાઓમાં રમત ગમતનું મેદાન નથીJune 19, 2019

ખોટા નકશાઓ રજૂ કરી તંત્રની આંખમાં ધૂળ નાખતા હોવાનો સરકારી શિક્ષકોનો આક્ષેપ જૂનાગઢ તા,19
જૂનાગઢ જિલ્લાની ખાનગી શાળાઓને કોઇ સરકારી કે શિક્ષણ ખાતાના નિયમોની પડી ન હોય તે રીતે મનફાવે તે રીતે પોતે ઘડેલા નિયમોનુસાર સરકારના નિયમોની ઐસી તૈસી કરી ચલાવાતી હોવાની અનેક બુમો અને ફરીયાદ છતા જિલ્લાનું પ્રાથમિક શિક્ષણતંત્ર ત્યાં ચેકીંગ કરવા જતા પણ ડરે છે ત્યારે બીજી બાજુ જિલ્લાની 5 પ્રાથમિક શાળાઓની પાસે રમતનું મેદાન નથી તેમને આસપાસમાં મેદાન શોધી મામલતદાર પાસે દરખાસ્ત મુકી મેદાન મેળવી લેવા આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે નિયમો સરકારી શાળાઓ માટે જ બન્યા હોય તેવા આક્ષેપો સરકારી શાળાના શિક્ષકો, આચાર્યો દ્વારા થવા પામ્યા છે.
જિલ્લામાં 655 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાંથી 5 શાળાઓ પાસે રમત ગમતનું મેદાન ન હોવાનું તંત્રની સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવેલ છે કે ગામની ખુલ્લી જગ્યાનો ગ્રામ પંચાયતનો દાખલો કલેકટરમાં રજૂ કરી આવી જગ્યાની શાળાએ માંગણી કરી બાળકો માટે રમત ગમતના મેદાન માટેની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ જિલ્લામાં 458 જેટલી ખાનગી પ્રાથમીક શાળાઓ આવેલ છે જેમાની 70 ટકા જેટલી શાળાઓ પાસે મેદાન નથી જયારે જૂનાગઢ મહાનગરમાં આવેલી નામાંકિત શાળાઓમાં તો એક સાથે બાળકો બેસીને પ્રાર્થના કે કાર્યક્રમો માટે બેસી શકે તેટલી પણ જગ્યા નથી ત્યારે જુનાગઢમાં શિક્ષણ વિભાગને આવી શાળાઓ કેમ નજરમાં આવતી નથી તે એક મોટો યક્ષ પ્રશ્ર્ન ખડો થવા પામ્યો છે.
જોકે એક વાત મુજબ શાળાની મંજુરી વખતે રમત ગમતનું મેદાન હોવું જરજીયાત હોય છે અને મંજુરી મેળવવા ખોટા નકશાઓ બનાવી તંત્રની આંખમાં ધૂળ નાખવા ખોટા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોય છે ત્યારે તેની તપાસ કરવી જરૂરી જ નહી અને આવશ્યક બન્યું છે અને આવી. શાળાઓને તાત્કાલીક મેદાન માટે વ્યવસ્થા કરવામાં આવે તેવા તાકીદના હુકમો કરવાની સાથે મંજૂરી વખતે જો ખોટા પુરાવાઓ જોડવામાં આવ્યા હોય તો તેમની સામે ફોજદારી રાહે પગલા પણ ભરાવા જોઇએ તેવી લોકમાંગ થઇ રહી છે.