લોકસભાના સ્પીકરની પસંદગી પાછળની રણનીતિJune 19, 2019

નરેન્દ્ર મોદી લોકોની સામાન્ય ધારણાથી વિપરિત વર્તીને લોકોને આંચકા આપવા માટે જાણીતા છે. લોકો દારતા હોય તેના કરતાં કંઈક અલગ કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દેવા એ મોદીની જૂની આદત છે ને મોદીએ લોકસભાના સ્પીકરની પસંદગીમાં એ જ ટ્રિક અજમાવી છે. લોકસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં ત્યારથી જ લોકસભાના સ્પીકરપદે કોણ બેસશે તેની અટકળો શરૂ થઈ ગયેલી. અલગ અલગ નામો ફરતાં પણ થઈ ગયેલાં ને તેમાં મેનકા ગાંધીનું નામ સૌથી આગળ ચાલતું હતું. છેલ્લી લોકસભામાં સુમિત્રા મહાજન સ્પીકર હતાં તેથી આ વખતે પણ મોદી મહિલાને સ્પીકરપદ આપીને એ પરંપરાને આગળ ધપાવશે એવું મનાતું હતું. મેનકાને મોદી કેબિનેટમાં ના સમાવાયાં એ પછી તો બધાંને એવું જ લાગવા માંડેલું કે મેનકા જ સ્પીકર બનવાનાં છે. મોદીએ એ ધારણાને ખોટી પાડી છે ને સ્પીકરપદ માટે ઓમ બિરલાને પસંદ કર્યા છે. ઓમ બિરલા રાજસ્થાની છે ને કોટા-બુંદી લોકસભા બેઠક પરથી સતત બીજી વાર ચૂંટાયા છે પણ રાષ્ટ્રીય સ્તરે તેમને કોઈ ઓળખતું નથી. ઓમ માથુરનું નામ રાજસ્થાનની બહાર બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે એ તો ઠીક પણ બલ્કે રાજસ્થાનમાં પણ તેમનું નામ એટલું જાણીતું નથી. રાજસ્થાનમાંથી ભાજપના ઓમ માથુર, કૈલાશ મેઘવાળ, ગજેન્દ્રસિંહ શેખાવત વગેરેનાં નામ રાષ્ટ્રીય સ્તરે સાંભળવા મળે છે પણ ઓમ બિરલા એટલા જાણીતા નથી. એ રીતે મોદીએ સાવ અજાણ્યા ચહેરાને સ્પીકર જેવા મોભાદાર હોદ્દા માટે પસંદ કરીને સૌને આશ્ચર્યનો આંચકો આપી દીધો છે.
મોદીએ બિરલાને પસંદ કર્યા પછી એનડીએના સાથી પક્ષોએ તેમના નામ પર મંજૂરીની મહોર મારી પણ દીધી છે. વિરોધ પક્ષોએ પણ તેમના નામને વધાવ્યું છે તેથી બિરલા સ્પીકર બનશે એ નક્કી છે. આપણી લોકશાહીની એક તંદુરસ્ત પરંપરા એ રહી છે કે, લોકસભાના સ્પીકરપદની પસંદગી કરતી વખતે વિરોધ પક્ષોનો પણ અભિપ્રાય લેવામાં આવે છે. તેનું કારણ એ છે કે, સ્પીકરનું પદ બિનપક્ષીય ગણાય છે. એ જીત્યા ગમે તે પક્ષની ટિકિટ પરથી હોય પણ એક વાર સ્પીકરપદે બેસે એટલે તેમનો પક્ષ બાજુ પર રહી જાય છે ને તે નિષ્પક્ષ બની જાય છે. આ કારણે જેની છાપ પક્ષીય રાજકારણથી પર રહીને વર્તવાની હોય ને જેનામાં ભરપૂર ખેલદિલી હોય એવા સાંસદને સ્પીકરપદે પસંદ કરાય છે કે જેથી વિપક્ષને વાંધો ના હોય.
મોદીએ બિરલાની પસંદગી કરી તેની પાટળના સૂચિતાર્થ પણ સમજવા જેવા છે. પહેલો સૂચિતાર્થ એ કે, ભાજપમાં હવે અમિત શાહનું વજન બહુ વધી ગયું છે ને મહત્વના હોદ્દા પર અમિત શાહના માણસોને પહેલી તક મળે છે. ભાજપના સંસદીય બોર્ડે સોમવારે જ કાર્યકારી પ્રમુખપદે જે.પી. નડ્ડાની નિમણૂક કરેલી ને એ અમિત શાહના ખાસ માણસ ગણાય છે. હવે સ્પીકરપદે નિમાયેલા બિરલા પણ અમિત શાહના ખાસ માણસ ગણાય છે. અમિત શાહ પણ એવા માણસોને આગળ કરે છે કે જે એમના વફાદાર તો હોય જ પણ સાથે સાથે સંગઠનમાં લાંબો સમય કામ કર્યું હોય ને લોકોની સાથે સીધો સંપર્ક ધરાવતા હોય. અમિત શાહ પોતે ભાજપના યુવા મોરચાની પેદાશ છે તેથી યુવા મોરચાના માણસો તેમની પહેલી પસંદગી બને છે.
બિરલા પણ યુવા ભાજપની પેદાશ છે ને તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત જ યુવા નેતા તરીકે કરેલી. બિરલા પોતાની કોલેજમાં વિદ્યાર્થી યુનિયનના પ્રમુખ હતા ને પછી લાંબો સમય સુધી ભાજપ યુવા મોરચામાં સક્રિય હતા. 1980ના દાયકામાં કોટા જિલ્લાના ભાજપ યુવા મોરચા પ્રમુખ તરીકે શરૂઆત કરનારા બિરલા 1991માં રાજસ્થાન યુવા ભાજપ મોરચાના પ્રમુખ બનેલા. છ વર્ષ લગી આ હોદ્દા પર રહ્યા પછી એ યુવા મોરચામાં રાષ્ટ્રીય ઉપપ્રમુખ નિમાયેલા. યુવા મોરચાના ઉપપ્રમુક હતા ત્યારે જ તેમને વિધાનસભાની ટિકિટ મળેલી ને તેમની સંસદીય કારકિર્દી શરૂ થઈ હતી. બિરલા એ સિવાય સહકારી ચળવળ સાથે પણ સંકળાયેલા છે. અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા ત્યારે તેમણે જે ટીમ બનાવી તેમાં બિરલા પણ હતા. ભાજપનો 2018માં વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં પરાજય થયો પછી સંગઠનનું માળખું બિલકુલ બદલી નંખાયેલું. તેમાં બિરલાએ મહત્વની ભૂમિકા ભજવેલી ને તેના કારણે રાજસ્થાનમાં ભાજપે કોંગ્રેસના સાવ સફાયો કરી નાંખ્યો. આ બધાં કારણોસર બિરલા શાહની નજરમાં વસી ગયેલા ને તેનું તેમને ફળ મળ્યું છે.
બિરલાની પસંદગીનો બીજ સૂચિતાર્થ પણ સમજવા જેવો છે. બિરલાની પસંદગી સાથે ભાજપમાં પણ નહેરૂ-ગાંધી ખાનદાનના અસ્તનો પ્રારંભ થયો છે એવું લાગે છે. મેનકા ગાંધી ઈન્દિરા ગાંધીની સામે પડ્યાં પછી અલગ અલગ પક્ષોમાં આંટો મારીને આવેલા ને છેવટે ભાજપમાં ઠરીઠામ થયેલાં. ભાજપે મેનકાને મહત્લના હોદ્દા આપીને તેમને બરાબર સાચવેલાં ને છેલ્લે મોદીની સરકારમાં પણ એ કેબિનેટ કક્ષાનાં પ્રધાન હતાં. મેનકાની વાંહે વાંહે તેમના દીકરા વરૂણને પણ સંસદસભ્યપદ મળેલું. જો કે વરૂણની કહહેવાતી કેટલીક અશ્લીલ તસવીરો ફરતી થઈ પછી ભાજપે વરૂણને કોરાણે મૂકવાની શરૂઆત કરી. લોકસભાની ચૂંટણીમાં ભાજપે બંને મા-દીકરાને ટિકિટ તો આપી પણ બંનેમાંથી કોઈને પ્રધાનમંડળમાં જગા નથી આપી. મેનકાને સ્પીકરપદની આશા હતી પણ ભાજપે તેમાં પણ તેમને ગણતરીમાં ના લીધાં. આ બધું જોતાં લાગે છે કે, ભાજપનું મન હવે તેમની તરફ ખાટું થઈ ગયું છે ને હવે પછીની ચૂંટણીમાં ભાજપ તેમને સાવ હાંસિયામાં ધકેલી દે એવું પણ બને.