તા.21મીએ પડછાયો ગુમ થશે, અદ્ભુત નજારોJune 19, 2019

શુક્રવારે લાંબામાં લાંબો દિવસ
સૂયૃનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.20 અને 21મીએ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. શુક્રવાર તા.21મી જૂન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે.
જાથાના ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું કે સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા.21મી જૂને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ 13 કલાક 28 મિનિટ, રાત્રી 10 કલાક 32 મિનિટ, અમદાવાદમાં દિવસ 13 કલાક 30 મિનિટ, રાત્રી 10 કલાક 30 મિનિટ, સુરતમાં દિવસ 13 કલાક 22 મિનિટ, રાત્રી 10 કલાક 38 મિનિટ, થરાદમાં દિવસ 13 કલાક 31 મિનિટ રાત્રી 11 કલાક 29 મિનિટ, મુંબઇમાં દિવસ 13 કલાક 13 મિનિટ રાત્રી 10 કલાક 47 મિનિટ સમયગાળામાં રહેશે. તા.22મી જૂનથી ક્રમિક રીતે દિવસ સેકનડના તફાવતે પ્રમાણે ક્રમશ: ટુંકો અને રાત્રી લાંબી થતી જોવા મળશે. ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકનડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ/રાત્રી જોવા મળશે. રાજકોટ તા,17
સામાન્ય રીતે પડછાયો ક્યારેય સાથ છોડતો નથી, પરંતુ વર્ષ દરમિયાન 21 જૂનમાં બપોરે 12.40 કલાકે ખગોળીય ઘટના બનતી હોય છે. જેમાં બપોરના નિશ્ર્ચિત સમયે કેટલીક ક્ષણો માટે કોઈપણ ચીજવસ્તુ કે વ્યક્તિનો પડછાયો પડતો નથી. અદ્ભુત ગણાતી આ ખગોળીય ઘટના ઉત્તર ગુજરાતના 6 તાલુકા અને કચ્છના 6 તાલુકામાં જોવા મળશે. પ્રકાશનાં કિરણો સીધી લીટીમાં ગતિ કરે છે. તેની વચ્ચે કશું આવી જાય તો એ રોકાઈ જાય છે. આગળ વધતા નથી એટલે વચ્ચે આવી ગયેલી વસ્તુની પાછળના ભાગે અંધારું રહે છે. તેને આપણે પડછાયો કહીએ છીએ. આ પડછાયો ગુજરાતમાં એકાએક ગુમ થઈ જશે.
મહેસાણા જિલ્લાના કડી, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ પંથકમાં તેમજ અરવલ્લી જિલ્લાના માલપુર, ધનસુરા અને બાયડ પંથકમાં જોવા મળશે. જ્યારે બાકી રહેતા તમામ તાલુકાઓમાં 21 મી જૂનના રોજ બપોરના અલગ-અલગ સમયે વર્ષનો સૌથી ટૂંકો પડછાયો જોવા મળશે. ખગોળીય ઘટના સૂર્યના બરોબર માથે આવવાના કારણે થાય છે.
પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીએ નમેલી હોય ત્યારે બપોરના સમયે સૂર્યના સીધાં કિરણો પૃથ્વી પર આવે ત્યારે કેટલીક ક્ષણો માટે ઝીરો શેડો એટલે પડછોયો પડતો નથી. આ ખગોળીય ઘટના દરેક સ્થળે બનતી નથી.
પ્રકાશની નજીકની વસ્તુનો પડછાયો મોટો અને દૂરની વસ્તુનો પડછાયો નાનો દેખાય છે. 13 જૂન 2018માં બપોરના 12 વાગીને 51 મિનિટે ભુજ, ઉત્તર ગુજરાત સહિત જમીન ઉપર સીધી ઊભેલી વસ્તુઓનો પડછાયો ગાયબ થઈ ગયો હતો. આવું દર વર્ષે આ દિવસે થાય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દરરોજ બપોરે 12 વાગ્યે સૂર્ય માથે આવે છે, પરંતુ તે સાચું નથી.
પૃથ્વીની ધરી સાડા ત્રેવીસ અંશ નમેલી હોવાના કારણે વર્ષ દરમિયાન સૂર્યની ગતિ પૃથ્વી ઉપરના કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે રહે છે. દિવસોની વધઘટ તથા ઋતુઓમાં બદલાવ પણ આ કારણે જ થાય છે. ગુજરાતમાં કર્કવૃત્ત પસાર થતો હોઈ સૂર્ય જ્યારે કર્કવૃત્ત ઉપર આવે છે ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત્રીની ઘટના બને છે. તે પહેલાં જે દિવસે સૂર્ય માથા ઉપર આવશે તેવાં સ્થળોએ તે દિવસે સ્થાનિક મધ્યાહને એક મિનિટ માટે પડછાયો ગાયબ થઈ જશે. ભુજ, માંડવી, મુંદ્રા, નલિયા, ભચાઉ, નખત્રાણા, ખાવડા, રાપર, લખપત, નારાયણ સરોવર તેમાં આવે છે. મધ્યાહનેે ટટ્ટાર ઊભી રહેલી વ્યક્તિ, વીજળીના કે વોલીબોલના થાંભલા કે પછી ઊંચી સીધી દીવાલના પડછાયા જે તે વસ્તુ ઉપર જ પડતા હોવાથી પડછાયો જમીન ઉપર દેખાતો નથી.
આ પ્રયોગ દ્વારા બાળકોને પૃથ્વીની ધરી જે 23.5 અંશ નમેલી છે અને તેના કારણે ઋતુઓ થાય છે તે, દિવસ અને રાતની લંબાઈમાં થતી વધઘટ, અક્ષાંશ અને રેખાંશનું મહત્ત્વ, સ્થાનિક મધ્યાહન, આપણો પ્રમાણિત સમય કે જે અલાહબાદના રેખાંશ પ્રમાણે નક્કી થયેલો છે તે તથા સ્થાનિક સમય વચ્ચેનો તફાવત અને તેની અગત્યતા વગેરે બાબતો સમજાવી શકાય. જેવાં સ્થળોએ સૂર્ય ક્યારેય માથા ઉપર આવતો નથી જેથી આવી ઘટના ત્યાં બનતી નથી.