વસુંધરા રાજેને કદ પ્રમાણે વેતરવા ભાજપ સફળ થશે?June 26, 2019

નવીદિલ્હી તા.26
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયા વિરોધી કેમ્પના ત્રણ નેતાને દિલ્હીમાં ઉચ્ચ સ્થાન મળ્યા તે પછી રાજ્યમાં નવા સમીકરણો રચાઈ રહ્યાં છે.
રાજપૂત ગજેન્દ્રસિંહ શેખાવત દલિત અર્જુનરામ મેઘવાલને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા છે. જ્યારે વૈશ્ય મારવાડી ઓમ બિરલા સ્પિકર બન્યા છે. રાજસ્થાનની ત્રણ પ્રભાવશાળી જાતિને કેન્દ્રમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.
આ ત્રણે ભેગા થઈને રાજસ્થાનમાં વસુંધરા રાજેના વર્ચસ્વને તોડવા પ્રયત્ન કરી શકે છે અને આગામી દિવસોમાં વસુંધરા માટે મુશ્કેલીઓ વધી શકે છે. વર્ષ 2014થી 2018 સુધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ તેમની પસંદગીના રાજસ્થાન ભાજપના પ્રમુખની નિમણૂક વસુંધરા રાજેના વિરોધના કારણે કરી શક્યા ન હતા.
જો કે વસુંધરા સમર્થકો કહે છે કે વસુંધરા એવું પગલું ભરશે અને એવી સ્થિતિ ઉત્પન્ન કરશે જે પછી કેન્દ્રીય નેતાઓની કોઈ પણ ચાલ સફળ થઈ શકશે નહીં.
રાજસ્થાનમાં ભાજપના સૌથી મોટા નેતા નિસંદેહ વસુંધરા રાજે જ છે. ભાજપના એક પૂર્વ ઉપાધ્યક્ષ કહે છે કે રાજ્યમાં વસુંધરાનો પોતાનો જનાઘાટ છે જે તેમણે સખત પરિશ્રમ કરી પ્રાપ્ત કર્યો છે.
ભૈરોસિંહ શેખાવતના સમયથી તેમને દબાવવાના પ્રયત્નો કેન્દ્રીય નેતાઓ દ્વારા વર્ષોથી થતા હતા પણ સફળ થયા ન હતા. શું હવે વસુંધરા રાજ્યમાં કદ ઘટાડવાના પ્રયત્નો સફળ થશે? આગામી દિવસોમાં આ મુદ્દો સ્પષ્ટ થશે.