ઓક્ટોબરમાં પાકિસ્તાન FATFના બ્લેક લિસ્ટમાં?June 26, 2019

નવી દિલ્હી તા. 26
ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના વિદાય થઈ રહેલા અધ્યક્ષ માર્શલ બિલિંગસ્લિયાએ જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં પેરિસ ખાતે એફએટીએફની આગામી બેઠક બાદ ટેરર ફંડિંગ માટે પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવના છે. ફ્લોરિડાના ઓરલાન્ડો ખાતે એફએટીએફની બેઠકના અંતે પત્રકારો સમક્ષ કરાયેલી રજૂઆતને સોમવારે સવારે જારી કરવામાં આવી હતી. બિલિંગસ્લિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને જૂન 2018માં સંમત થયા પ્રમાણેના એક્શન પ્લાન પર ઘણું કામ કરવાનું હજુ બાકી છે. ફેબ્રુઆરી મહિનામાં એફએટીએફની બેઠકમાં પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી હતી કે, તે જાન્યુઆરી મહિના સુધીમાં પૂરા કરવાના કામોમાં નિષ્ફળ રહ્યો છે. મે મહિનામાં પણ એક્શન પ્લાન પ્રમાણે પૂરા કરવાના કામમાં નિષ્ફળ નહીં જવાની ચેતવણી આપવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, ટેરર ફંડિંગ અને આતંકવાદ સામેના પગલાંઓ માટેનો એક્શન પ્લાન પૂરો કરવાની અંતિમ મુદત 30 સપ્ટેમ્બર છે તેથી હાલની એફએટીએફની બેઠકમાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મૂકવાનો નિર્ણય લેવાયો નહોતો. આ બેઠકમાં પાકિસ્તાને એક્શન પ્લાન પર કેટલું કામ કર્યું છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. હું કહીશ કે પાકિસ્તાન મોટા ભાગના પગલાં લેવામાં નિષ્ફળ રહ્યો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પાકિસ્તાને એક્શન પ્લાન સંપૂર્ણપણે અમલમાં મૂકવાનો છે. જો તે નિષ્ફળ જશે તો પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મુકાય તેવી પ્રબળ સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાને બ્લેકલિસ્ટ થતાં પોતાને બચાવવો હશે તો તેણે એક્શન પ્લાન પર પ્રામાણિકતાથી તમામ પગલાં લેવા પડશે. આ માટે તેને ઘણા કામ કરવાના હજુ બાકી છે.
હાલ એફએટીએફના બ્લેકલિસ્ટમાં ફક્ત ઈરાન અને ઉત્તર કોરિયાનો જ સમાવેશ થાય છે. એફએટીએફના બ્લેકલિસ્ટમાં સમાવાયેલા દેશ પર આકરા પ્રતિબંધ લાદવામાં આવે છે જેના કારણે આર્થિક રીતે આ દેશ એકલો અટૂલો પડી જાય છે. તેના રેટિંગ ઘટાડી દેવામાં આવે છે જેથી તેને વિકાસ કાર્યો માટે લોન અને અન્ય સહાય આપવાનો ઇનકાર કરી શકાય છે.
ભારત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પાકિસ્તાન નિષ્ફળ ગયો હોવાની રજૂઆત સાથે પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં સમાવવા દબાણ કરી રહ્યો છે. જોકે, ચીન, ઇન્ડોનેશિયા, તુર્કી, મલેશિયા, સાઉદી અરબ અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલે પાકિસ્તાનને એક્શન પ્લાનના અમલ માટે થોડો વધુ સમય આપવાની માગ કરી છે.