બંધારણની વાત કોંગ્રેસ ક્યા મોઢે કરી રહી છે?June 26, 2019

ગુજરાતમાં ફરી રાજ્યસભાની ચૂંટણીનું દંગલ જામ્યું છે ને ભાજપ-કોંગ્રેસ બંને સામસામે આવી ગયા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી 5 જુલાઈએ અલગ અલગ યોજવાની જાહેરાત કરી તેના કારણે આ દંગલ શરૂ થયેલું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની બંને દોઢેક વરસ પહેલાં ગુજરાતમાંથી રાજયસભામાં ચૂંટાયેલાં. લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી જીત્યા ને સ્મૃતિ ઈરાની ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા બેઠક પરથી જીત્યાં એટલે બંનેએ રાજીનામાં ધરી દીધાં હતાં. તેના કારણે રાજ્યસભાની બે બેઠકો ખાલી પડેલી.
ચૂંટણીમાં હાર-જીત થયા કરતી હોય છે તેથી ભાજપ જીતે એ બહુ મોટો મુદ્દો નથી. કોંગ્રેસને કોઈ પણ મુદ્દે કોર્ટમાં જવાનો અધિકાર છે એ જોતાં કેન્દ્રીય ચૂંટણી પંચના જાહેરનામાને તેણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું તેમાં કશું ખોટું નથી. જો કે સવાલ સાચા કે ખોટાનો નથી પણ કોંગ્રેસીઓની માનસિકતાનો છે. કોંગ્રેસીઓની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું એવી છે તેનો આ વધુ એક પુરાવો છે. આ દેશમાં કોંગ્રેસે વરસો લગી રાજ કર્યું ને એ દરમિયાન તેમણે બંધારણની સંખ્યાબંધ વાર ઐસીતૈસી કરી નાખી ને હવે એ લોકો બંધારણની દુહાઈ આપવા બેઠા છે એ જોઈ હસવું આવે છે. જે પક્ષનાં વડા પ્રધાને પોતાની સત્તાલાલસાને સંતોષવા માટે બંધારણને કોરાણ મૂકીને કટોકટી લાદી દીધી હોય એ પક્ષ બંધારણીય જોગવાઈઓની દુહાઈ આપે એ શોભતું નથી. જે પક્ષના વડા પ્રધાને મુસ્લિમ મતબેંકને સાચવવા માટે સુપ્રીમ કોર્ટે કરેલા બંધારણીય જોગવાઈને લગતા અર્થઘટનના ચુકાદાને બદલી નાખ્યો હોય એ પક્ષ બંધારણની વાત કરે એ તેને શોભતું નથી.
કોંગ્રેસીઓએ તો બંધારણીય સંસ્થાઓની પણ શું હાલત કરી હતી એ છાનું છે નહીં. ચૂંટણી પંચ હોય કે સીબીઆઈ હોય, એ બધાંને કોંગ્રેસ પોતાના પાલતુ બનાવીને પોતાના વિરોધીઓને દબાવી દેવા માટે શું શું કરતી હતી તેનો ઈતિહાસ ઉખેળીશું તો આખો ચોપડો ભરાઈ જશે તેથી એ વાત માંડવામાં જરાય માલ નથી. એ વખતે કોંગ્રેસને કોઈ શું કહેશે તેની ચિંતા નહોતી. હવે તેની નીચે રેલો આવ્યો ત્યારે કોંગ્રેસને બંધારણ યાદ આવી ગયું છે, બંધારણીય જોગવાઈઓનું પાલન કરવાની ચિંતા થઈ આવી છે.
આપણે ત્યાં કેટલાક લોકોને ભાજપને ભાંડવાની બહુ મજા આવે છે. એ લોકોએ પણ કોંગ્રેસની જેમ જ દેકારો મચાવ્યો છે. તેમનું કહેવું છે કે, આ તો ડોશી મરી જાય તેનો ભો નથી પણ જમ ઘર ભાળી જાય તેનો ભો છે. હવે પછી કેન્દ્રમાં જેની સરકાર હશે એ બધા આ રીતે જ ચૂંટણી કરાવશે ને પોતાના પક્ષના માણસોને ચૂંટી ચૂંટીને રાજ્યસભામાં મોકલશે. આ દલીલ વાહિયાત છે ને આ દલીલ કરનારા લોકો કાં અક્કલના મટ્ઠા છે કાં લોકોને અવળે રસ્તે લઈ જાય છે. આ રીતે અલગ અલગ રીતે ચૂંટણી કરાવવાનો નિયમ માત્ર આકસ્મિક રીતે ખાલી પડેલી રાજ્યસભાની બેઠકોને લાગુ પડે છે. જન પ્રતિનિધિ ધારામાં એ ચોખવટ છે જ. બાકી રાજ્યસભાની છ વર્ષની મુદત પૂરી થાય પછી એકસામટી ખાલી પડતી બેઠકોની ચૂંટણી તો પ્રેફરન્શિયલ વોટિંગથી જ થાય. એ વખતે એક-એક બેઠકની ચૂંટણી ના થાય પણ ચાર બેઠકો ખાલી પડતી હોય તો એકસાથે, એક જ બેલેટ પેપરથી થાય. આ મુદ્દે ચોખવટ છે જ એ જોતાં આ પરંપરા પડી જ જશે એવું માનવાને કોઈ કારણ જ નથી.