કચ્છમાં ખનીજ માફિયાઓને રૂા. 52.31 કરોડનો દંડJune 12, 2019

ભુજ તા. 12
કચ્છમાં વિપુલ માત્રામાં જુદા જુદા પ્રકારની ખનિજ સંપત્તિ ધરબાયેલી હોવાથી છેલ્લા એક દાયકાથી ખનિજચોરો પણ બેફામ બન્યા છે. સરકારને ખનિજ ઉત્ખનન પેટે મળતી રોયલ્ટીની રકમ કરતાં વધારે ગણી ગેરકાયદે ખનિજચોરી થતી હોવાના કિસ્સા બને છે તેની વચ્ચે કચ્છના ખાણ-ખનિજ વિભાગે સત્તાવાર રીતે નોંધાયેલા લીઝધારકોને ખનિજચોરી સામે નોટિસો ફટકારી હોવાના હેવાલ મળ્યા છે. આ નોટિસો સામે રૂા. 52,31,74,611ની જંગી રકમનો દંડ ફટકાર્યો છે જે કચ્છના ઇતિહાસમાં સંભવત: પહેલો બનાવ હશે. કચ્છમાં ખાસ કરીને વાગડથી માંડી અબડાસા સહિતના તમામ વિસ્તારોના પેટાળમાં મોટો જથ્થો ધરબાયેલો છે. ભૂકંપ બાદ તેમાંય છેલ્લા એક દાયકામાં તો ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલો પછી સાચો લીઝધારક હોય કે ગેરકાયદે ખનિજચોરીનો ધંધો કરનારો વર્ગ બે પાંદડે થઇ ચૂક્યો છે કચ્છમાં થતી બેફામ ખનિજચોરીને રોકવા ખુદ કચ્છનો ખાણ-ખનિજ વિભાગ પણ પહોંચી નથી વળતો, કારણકે પૂરતો સ્ટાફ નથી. એક હેવાલ પ્રમાણે દર વર્ષે કચ્છમાં 500 કરોડથી વધારે ખનિજચોરીનો બેનામી કારોબાર બેરોકટોક ચાલે છે. કચ્છમાં સત્તાવાર રીતે જુદા જુદા પ્રકારની 898 લીઝ નોંધાયેલી છે જેની આવક સરકારને રોયલ્ટી પેટે વરસે 250 કરોડ થાય છે. 18 પ્રકારની લીઝની રોયલ્ટીમાંથી સરકારને ભલે 250 કરોડ મળે છે પરંતુ ખાસ કરીને બેન્ટોનાઇટ, લાઇમસ્ટોન, બોક્સાઇટ જેવા ખનિજની મોટાપાયે ગેરકાયદે ચોરી થાય છે. જેના પેટે આ ખનિજચોરો વરસે 500 કરોડનો બેનામી ધંધો કરી લેતા હોવાનું ખનિજ વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.
કચ્છના ભૂસ્તરશાત્રી કેતન મહાવદિયા એ કહ્યું કે, તાજેતરમાં અમારી ટીમોને માપણી માટે વિવિધ સ્થળે ઉતારવામાં આવી હતી. 22 સ્થળોએ ચેકિંગ દરમ્યાન મોટી ચોરી થતી હોવાનું માલૂમ પડયું હતું. તેમણે આ અંગેની વિસ્તૃત વિગતો આપતાં જણાવ્યું કે, વાંઢમાં આશાપુરા માઇનકેમ દ્વારા 2935.28 મેટ્રિક ટન બેન્ટોનાઇટનો જથ્થો ગેરકાયદે ખનન થયો હોવાનું માપણી વખતે માલૂમ પડતાં રૂા. 4,72,10,832નો દંડ?કરવામાં આવ્યો છે. એવી જ રીતે વાંઢમાં જ અન્ય એક સ્થળે આશાપુરા માઇનકેમ, વાંઢમાં પરમાર કાંતિલાલ રામજી, શ્રી માનિકો મિનરલ્સ ઇન્ડ પ્રા. લિ., શ્રી અર્લીગન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેનિંગ કું. લિ., હમલામાં પરમાર કાંતિલાલ રામજી, શ્રી અર્લીગન ઇન્વેસ્ટમેન્ટ, આશાપુરા માઇનકેમ ને મિંયાણી, વમોટી મોટી, ભાડરા નાના, લક્ષ્મીપરમાં માપણી કરવામાં આવી હતી ત્યાં પણ ક્ષતિ જોવા મળી હતી. એવી જ રીતે વમોટી મોટીમાં મિતેશ મણિલાલ ઠક્કરને રૂા. 8,07,646નો દંડ ફટકારવામાં આવ્યો છે. અબડાસામાં મિંયાણી વિસ્તારમાં જીમ્પેક્ષ લિ.ની ત્રણ લીઝમાં ગેરકાયદે બેન્ટોનાઇટનું ખનન થયું હોવાનું બહાર આવ્યું હતું. ત્રણેય સ્થળે રૂા. બે કરોડથી વધુ રકમનો દંડ ભરવા ખાણ-ખનિજ વિભાગે નોટિસ ફટકારી છે. આ તમામ 22 લીઝધારકોને રૂા. 52.31 કરોડનો દંડ ભરવા તાકીદ કરવામાં આવતાં ગેરકાયદે ચલાવનારા ખનિજચોરોમાં પણ ફફડાટ ફેલાયો હતો. અમે તો કાયદેસર લીઝધારકો છીએ ને ક્યારે માપણી કરવામાં આવી, ક્યારે ચેકિંગ થયું તેની કોઇ જાણ પણ તંત્ર દ્વારા કરવામાં આવી નથી
બીજી બાજુ ખુદ પોલીસતંત્રના કચ્છના આઇ.જી. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બંને પોલીસવડાને કચ્છના ખનિજચોરોના નામની યાદી સાથે પગલાં લેવા જણાવ્યું છે છતાં પગલાં લેવાતાં નથી આ બાબતે ખુદ શ્રી વાઘેલાને પૂછતાં તેમણે કહ્યું કે, વાત સાચી છે પરંતુ ખાણ-ખનિજ વિભાગ સહકાર આપે તો પોલીસ કોઇને પકડે. નુંધાતડ, અકરી, ખીરસરા, મિંયાણી વિસ્તારમાં ખનિજચોરી આજની તારીખમાં થાય છે જેના સામે પગલાં લેવા નાયબ પોલીસ અધીક્ષક નખત્રાણાને આજે જ તાકીદ કરી હોવાનું જણાવીને આઇ.જી.એ જણાવ્યું કે, સંબંધિત ખાતાનું જે કામ છે તેને પણ આ ઝુંબેશમાં જોડાવવું જોઇએ, પોલીસ તંત્ર કોઇને છોડશે નહીં.