સળંગ બે રિટર્ન ફાઇલ નહીં થાય તો ઇ-વે બિલ નહીં બનેJune 12, 2019

  • સળંગ બે રિટર્ન ફાઇલ નહીં થાય તો ઇ-વે બિલ નહીં બને

અમદાવાદ તા. 12
ટૂંક સમયમાં જે કરદાતાઓએ સળંગ બે જીએસટી રિટર્ન ફાઇલ ના કર્યા હોય તેઓ ઇ-વે બિલ જનરેટ નહીં કરી શકે. કેન્દ્ર સરકારે કરચોરી ડામવા માટે અને રિટર્નના ફાઇલિંગમાં શિસ્ત વધારવા માટે નવા સુધારા અમલી બનાવવાનું નકકી કર્યું હતું અને તેના ભાગરૂપે 21 જુનથી રિટર્ન નહીં ભરનારા વેપારીઓના ઇ-વે બિલ જનરેટ ના થાય અને તેઓ માલ ટ્રાન્સપોર્ટના કરી શકે તેવો નિર્ણય કર્યો છે. અમુક નિષ્ણાંતોના મતે, આ પ્રકારના નિયમથી અનેક પ્રામાણિક કરદાતાઓ પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
જીએસટી કાયદા મુજબ કોઇપણ વેપારીએ રૂા. 50,000થી વધુના માલની હેરાફેર માટે ઇ-વે બિલ જનરેટ કરવું ફરજિયાત છે. એપ્રિલ 2018થી ઇ-વે બિલનો નિયમ અમલી કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ તાજેતરમાં એક નોટિફિકેશ બહાર પાડીને જણાવ્યું હતું કે જીએસટી કાયદા મુજબ સળંગ બે રિટર્ન ફાઇલ નહીં કરનારા વેપારીઓ માલ પરિવહન માટે 21 જૂન બાદ ઇ-વે બિલ જનરેટ નહીં કરી શકે.
ઇ-વે બિલ વગર રૂા. 50,000થી વધુની કિંમતના માલનું ટાન્સપોર્ટેશન શકય નથી અને ટ્રાન્સપોર્ટરો પણ આ પ્રકારના માલના ટ્રાન્સપોર્ટ માટે તૈયાર નહીં થાય. નિયમ મુજબ ઇ-વે બિલ અને ઇનવોઇલ વગર માલની હેરફેર કરતું વાહન ઝડપાય તો રૂા.10,000ની પેનલ્ટી અથવા તો જેટલી રકમની કરચોરી થતી હોય તે ભરવાની રહે છે અને વાહન પણ જપ્ત થઇ શકે છે. આથી વેપારીઓને 20 જૂન સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરી દેવા જરૂરી છે.
જીએસટી ચોરીના કુલ 3,626 કેસ ઝડપાયા હતા જેમાં કુલ કરચોરી રૂા. 15,278 કરોડ નોંધાઇ હતી. સરકાર સામાન્ય રીતે દર મહિના જીએસટી દ્વારા રૂા. 95,000 કરોડનું કલેકશન મેળવે છે તે જોતાં કહી શકાય કે નજીવા પ્રમાણમાં કરચોરીના કેસમાં પગલે પ્રામાણિક વેપારીઓએ પણ પરેશાનીનો સામનો કરવો પડશે. આ જોગવાઇ અંગે વિચારણા કરવાની જરૂરિયાત છે.