માનવ સામે કૂદરતને વામણો ઠેરવવાનો મોકોJune 12, 2019

ર્લ્ડ કપમાં 16મીને રવિવારે ભારત પાકિસ્તાનની ‘ભીડંત’ને સૌથી મોટો મુકાબલો માનનારા ભોંઠા પડે તેવો મુકાબલો આજ રાતથી શરૂ થવાનો છે. આપ બધ્ધા આ આર્ટિકલ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં તો એ મુકાબલાના એંધાણ વર્તાવા શરૂ થઇ ચૂક્યા હશે. મુકાબલો હશે કુદરત સામે માનવનો! ચોમાસું શરૂ થાય તે પહેલાં કુદરત વાવાઝોડાં સ્વરૂપે આંટો વાઢવા (કે ઓટલો વાળવા) આવી રહ્યો છે. હવામાનની ભાષામાં તેને ‘વાયુ’ સાઇકલોન કહેવાયું છે. અરબી સમુદ્રમાંથી પ્રગટેલું ‘વાયુ’ વાવાઝોડૂં 120 થી 135 કિ.મી. (પ્રતિ કલાક)ની ઝડપે ગુજરાત - સૌરાષ્ટ્ર - કચ્છનાં સાગર કાંઠે આજ (તા. 12ને બુધવાર) રાતનાં ટકરાવાનું છે. હું અને તમે કદાચ ભરનીંદ્રામાં સુતા હઇશું ત્યારે આ વણનોતર્યા મે’માન ખાબકી ચૂકયા હશે. બુધવારે રાતનાં ત્રણેક વાગ્યે સૌરાષ્ટ્રના વેરાવળ - ગીર સોમનાથના દરિયાકાંઠે ઝંઝાવાત વેરાઇ ચૂકયો હશે. ઇન્ડિયન મેટેરોલોજિકલ ડિર્પાટમેન્ટ (આઇએમડી)નાં કહેવા પ્રમાણે 1998નાં કંડલા (કચ્છ)માં ખાબકેલા અને 1999માં ઓરિસ્સામાં ત્રાટકેલા વિનાશક વાવાઝોડાં જેવી જ તીવ્રતાવાળું વાવાઝોડૂં સૌરાષ્ટ્ર - કચ્છ સહિત ગુજરાતનાં સાગરકાંઠાને નડે તેમ લાગે છે. જો કે ‘વાયુ’ વાવાઝોડૂં કેવળ ગુજરાત સ્પેશિયલ નથી. લક્ષદ્વીપ, કેરળ, દ.મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ રાજસ્થાન અને હરિયાણાના અમુક વિસ્તારોને પણ નડે તેમ છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં તો ગઇકાલ (મંગળવાર) રાહતથી જ તેની અસર વર્તાવા માંડી છે. પણ સૌથી મોટી ચેલેન્જ ગુજરાતને (રાધર, ગુજરાતની સરકારને) છે. કેમ કે હવે કૂદરત સામે માણસ વામણો.... એવા બહાના ચાલે તેમ નથી. ચલાવી લેવાય તેમ પણ નથી. વિજ્ઞાન બેહદ આગળ વિકસી ગયું છે. છેલ્લા 3-4 દિવસથી ભારતીય મૌસમ વિભાગ ગાઇ - વગાડીને કહી રહ્યું છે કે વાવાઝોડૂં કયાં, કયારે, કેવું અને શા કારણે ત્રાટકવાનું છે. આમ છતાં વહીવટીતંત્ર રાહત - બચાવમાં ઊણું ઉતરે તો આવા ઉણપવાળા તંત્રથી ગુજરાતને ભગવાન પણ બચાવી ન શકે. ઝંઝવાતના ઇતિહાસનાં સૌથી વિનાશક એવા વાવાઝોડાંનો છેલ્લા બે - ત્રણ દિવસથી બૂંગિયો ઢોલ પિટાઇ રહ્યો હોવા છતાં આપણાં પ્રવાસ - પ્રિય મુખ્યમંત્રી ગઇકાલે વેરાવળ - સોમનાથ અને સાસણમાં ફરતા હતાં. તેઓએ સોમનાથ દાદાના દર્શન કર્યા અને સાસણમાં એકીસાથે 11 સિંહોને નિહાળવાનો લૂફ્ત (આનંદ) ઉઠાવ્યો. ખરેખર તો રૂપાણી સાહેબે સાતેય કામ પડતાં મૂકી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો હિસ્સો બની જવું જોઇતું હતું, લેકિન વો દિન કર્હાં કિ......!!
ખેર, મોડે - મોડે પણ રૂપાણીજીને ગંભીરતા સમજાણી અને ગઇકાલે (મંગળવારે) મોડી સાંજે તેમણે હાઇ લેવલની બેઠક યોજી લીધી. આમ તો બેઠકમાં નવું બીજું કંઇ નહોતું. સ્ટેટ ચીફ સેક્રેટરીએ અગાઉ જાહેર કર્યા તે રાહત - બચાવની કામગીરીનું રૂપાણીએ પુન:મૂલ્યાંકન માત્ર કર્યું: વધારામાં એટલું જાહેર કર્યું કે 13 થી 15 જૂને યોજાનારા શાળા - પ્રવેશોત્ત્સવના કાર્યક્રમો વાવાઝોડાંને ધ્યાને લઇ હાલતૂર્ત મુલતવી રાખયા સારું છે કે તંત્ર આખું રૂપાણી જેવું ટાઢુંબોળ નથી. પરિણામે કૂદરત સામે બરાબરની ટક્કર જોવા - જાણવા મળવાની. ‘વાયુ’ વાવાઝોડૂં સૌરાષ્ટ્ર આવતાં - આવતાં વધુ તાકતવર અને તીવ્ર ગતિવાળું બનવાનું અને દેવભૂમિ દ્વારકાથી માંડી વેરાવળ, ગિર સોમનાથ, ઊના અમરેલી, રાજુલા, વિકટર, જાફરાબાદ, દીવ અને ભાવનગરથી માંડી કચ્છનાં દરિયાકાંઠાને ધમરોળવાનું એમ હવામાન વિભાગ કહે છે. સામે પક્ષે તંત્રએ પણ બાથ ભીડવાનું નકકી કર્યું છે. કૂદરત અને માનવનાં આ મુકાબલા સામે ક્રિકેટ વર્લ્ડકપનો કોઇપણ મુકાબલો કૂચ્ચો ગણાય. તંત્રએ સંભવિત અસરગ્રસ્તોને યુધ્ધનાં ધોરણે અત્યારથી જ સલામત સ્થળે ખસેડી લીધા છે. એક અંદાજ પ્રમાણે 2 લાખથી વધુ લોકો સરકારની સીધી નિગરાની હેઠળ સલામત છે. વીજળી, ટેલિકોમ્યુનિકેશન્સ, તબીબી સેવા અને પીવાના પાણીથી માંડી ફૂડ પેકેટ્સ વગેરેની ઇમરજન્સી તમામ જરૂરિયાત સરકારી - તંત્રએ પૂરી કરી દીધી. રાધર, તંત્રનો એવો દાવો છે. આ ઉપરાંત 34 ટીમ એરફોર્સની અને નેવી, કોસ્ટગાર્ડ સહિતના સૈન્યની પ્લાટૂનો અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની લગભગ 36 જેટલી ટૂકડી રાહત - બચાવના તમામ સાધન - સરંજામ સાથે ચૌ - તરફ તૈનાત થઇ ચૂકી છે. ગુજરાત ઉપર વધુ ઘાત હોવાથી કેન્દ્ર સરકાર પણ વધુ સતેજ થઇ ગઇ. ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે તાકીદની બેઠક યોજી જરૂરી તમામ પગલાં લેવા સંલગ્ન વિભાગોને તેમજ ગુજરાત સરકારને આદેશ કર્યા. કૂદરતનો ખૌફ જેટલો વિકરાળ છે, માનવતંત્રની તૈયારી પણ એવી જ જડબેસલાક છે. રાજકોટમાં 13મીને ગુરુવારે તમામ શાળા - કોલેજો બંધ રહેશે તો દરિયાકાંઠાના 10 જિલ્લાની શાળા - કોલેજો તો 12 - 13 અને 14 એમ 3 દિવસ સળંગ બંધ રહેશે. 15 મીને શનિવારે કોઇ શાળાએ જવાનું ટાળે તો સળંગ પાંચ દિવસનું મીની - વેકેશન મળી જાય. સરકારે લોકોને સલામત સ્થળે ખસેડ્યા એટલું જ નહીં, પશુ - પ્રાણીઓની પણ કેર કરી. વેરાવળ રેન્જનાં 13 થી 16 સિંહોને પણ સલામત સ્થળે ખસેડી લીધા. ટૂંકમાં આગોતરાં તમામ પગલાં લીધા. આમપણ હવે કાળોકેર વર્તાવવો કૂદરત માટે પણ સહેલો નથી. આ નવું હિન્દુસ્તાન છે. 1998માં કચ્છના કંડલામાં દસેકહજાર લોકોનો ભોગ લઇ અને 1999માં ઓરિસ્સામાં વાવાઝોડાંએ પાંચેક હજાર લોકોનો ભોગ લઇ વિનાશ વેર્યો હતો. એ જ ક્ષમતાનું (ફેની) વાવાઝોડૂં ગયા મે મહિનામાં ઓરિસ્સામાં ફરી ત્રાટકયું ખરું પણ કશું ઝાઝું બગાડી ન શકયું. ઓરિસ્સાની બીજું જનતાદળ (બીજેડી) સરકાર અને કેન્દ્ર સરકારે એવો મુકાબલો કર્યો કે સંયુકત રાષ્ટ્રએ પણ બન્નેની પીઠ થાબડી. હવે આ મોકો ગુજરાત સરકાર પાસે આવ્યો છે. આફતને ‘અવસર’માં પલ્ટાવવાની શેખી સાચ્ચી સાબિત કરવાનો મોકો. જો આજ (બુધવાર)ની રાત અને આવતીકાલ (ગુરૂવાર)ની સવાર હેમખેમ પસાર થઇ જાય તો વર્ષો જૂની કહેવત: ઇશ્ર્વરનાં ઘર આગળ માનવી સદાય વામણો.... પલ્ટાઇ જશે. લોકો છપ્પન ઇંચની છાતી ફૂલાવીને કહી શકશે તે માનવનાં સંરક્ષણાત્મક પડકાર સામે કૂદરત જેવો કૂદરત પણ વામણો ઠર્યો! સૌરાષ્ટ્ર - ગુજરાતનાં કાંઠાળ વિસ્તારમાંથી વાવાઝોડૂં વીલા મોઢે વહ્યું જશે તો દુશ્મન (પાકિસ્તાન) પણ મોમાં આંગળા નાંખી જશે. કેમ કે ગુજરાત - કચ્છનાં કાંઠેથી ટકરાઇ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાવાનું છે. ત્યાં જે થાય તે! એક અનુમાન મુજબ અરબી સમુદ્રમાં દબાણ ઉભું થતાં પાકિસ્તાનનાં સાગરકાંઠે ગરમીનું પ્રમાણ વધી જશે. હાલ ત્યાં 35 થી 37 ડિગ્રી તાપમાન છે તે 40-42 ડિગ્રી સેલ્શિયસે પહોંચી જશે. આવું 2015માં જૂનમાં થયું હતું. રમજાનનો મહિનો હતો અને કરાંચીમાં એવી ગરમી પડી કે પાણી વિનાનાં 3000 થી વધુ લોકો તરફડી મર્યા હતાં. ભારત અને પાકિસ્તાનમાં આ જ મુખ્ય તફાવત છે. ત્યાં માનવી માનવતાને ભરખી રહ્યો છે અને આપણે કૂદરતને બાથ ભીડી રહ્યાં છે. ગુજરાત - સૌરાષ્ટ્ર માથેથી વાવાઝોડૂં ઓછી તબાહી થી અથવા જાન - માલનાં નહીવત નુકસાનથી પસાર થઇ જશે તો માનવ ઇતિહાસનો કૂદરત સામેનો સૌથી મોટો મુકાબલો જીત્યો ગણાશે. બેસ્ટ ઓફ લક્ક... રૂપાણી સરકાર!!