વર્લ્ડકપ V/S વરસાદ : ઢંગધડા વગરનું ‘વર્લ્ડ કલાસ’ આયોજનJune 12, 2019

30મી મેથી ઈગ્લેન્ડ ખાતે 12મા ક્રિકેટ વિશ્ર્વકપની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ વખતે જે રીતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ કઢંગું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં યોજાયેલી કુલ 16 મેચમાંથી ત્રણ મેચ વરસાદને કારણે પડતી મૂકવામાં આવી છે. હજુ આજે અને આવતી કાલે રમાનારી મેચો માટે પણ 85 ટકા જેટલા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આવી મહત્ત્વની સ્પર્ધાઓમાં આયોજકોએ મુખ્યત્વે હવામાનને ધ્યાનમાં રાખીને મેચનું આયોજન કરવું જોઈએ.
જો મેચો એશિયાના કોઈ દેશમાં રમાવાની હોય તો મોસમ વિશે ખાસ કંઈ ચિંતા કરવા જેવું હોતું નથી, કેમ કે એશિયામાં મે-જૂન દરમિયાન વરસાદને કારણે મેચો ના રમાઈ હોય તેવું બહુ ઓછું બનતું હોય છે, પરંતુ ઈંગ્લેન્ડ જેવા દેશમાં જ્યાં ગમે ત્યારે વાતાવરણ બદલાઈ શકતું હોય ત્યાં જ્યારે આવી મોટી સ્પર્ધાનું આયોજન કરાયું હોય ત્યારે હવામાનને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, અને એ પ્રમાણે જ શેડ્યુઅલ ગોઠવવું જોઈએ.
આ વખતે તમે જુઓ તો વેસ્ટ ઈન્ડિઝને દક્ષિણ આફ્રિકા સામે જીતવાનો મોકો હતો, પરંતુ વરસાદે બાજી બગાડી તો, સ્પર્ધામાં ટકી રહેવા માટે જ્યારે શ્રીલંકાને જીતવાની જરૂર છે ત્યારે શ્રીલંકાની એક નહીં પણ બે મેચ પડતી મુકાઈ છે.
શ્રીલંકાની બંને મેચ પ્રમાણમાં નબળી કહી શકાય તેવી બંગલાદેશ અને પાકિસ્તાનની ટીમ સામે હતી, શ્રીલંકા આમેય ન્યૂઝીલેન્ડ સામે એક મેચ હારી ચૂકી છે અને હવે સ્પર્ધામાં ટકી રહેવા માટે તેને પોતાના કરતાં વધુ મજબૂત એવી ભારત, ઈગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે છે, આથી આ બધી ટીમો સામે જીતવું તેમના માટે મુશ્કેલ છે. શ્રીલંકન ટીમનું ફોર્મ જોતાં તેમ જ વરસાદને કારણે શ્રીલંકા માટે હવે સ્પર્ધામાં ટકી રહેવું લગભગ અશક્ય છે. આનું મુખ્ય કારણ એ છે કે આવી મહત્ત્વની સ્પર્ધાઓમાં લિગ મેચો દરમિયાન કોઈ મેચ પડતી મુકાય તો બીજે દિવસે રમી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી નથી.
આને કારણે આ વિશ્ર્વકપ સૌથી નિરસ વિશ્ર્વકપ થઈ રહેશે તેવું લાગી રહ્યું છે કેમ કે વરસાદને કારણે પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા જેવી ટીમોને ભોગવવાનો વખત આવ્યો છે.
હજુ આ સ્પર્ધામાં 30 જેટલી લિગ મેચ રમાવાની બાકી છે, જો વરસાદને કારણે આમાંની દસ કરતાં વધુ મેચો પડતી મુકાય અને આ પરિણામને આધારે જે ટીમ ફાઈનલ કે સેમી ફાઈનલ સુધી પહોંચે તે ટીમ ત્યાં સુધી પહોંચવાની સાચી દાવેદાર ગણી શકાય ખરી? કેમ કે ફાઈનલ સુધી પહોંચવામાં જો વરસાદે મોટો ભાગ ભજવ્યો હોય તો જે ટીમ જીતે તે પણ ખરેખર વિશ્ર્વ ચેમ્પિયન કહી શકાય ખરી?
આવી મોટી ક્રિકેટની સ્પર્ધાનું આયોજન કરતી સમિતિએ આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વિશ્ર્વકપ જેવી મોટી સ્પર્ધાઓમાં રિઝર્વ ડે રાખવાની ખૂબ જ જરૂર છે જેથી કરીને કોઈ પણ ટીમને અન્યાય ન થાય અને દરેકને સરખી તક મળે તેમ જ ક્રિકેટ વિશ્ર્વને પણ સાચો વિશ્ર્વ વિજેતા મળે અન્યથા નબળી ટીમો સામે જીતેલી ટીમ ફાઈનલ સુધી પહોંચે અને વિજેતા બને તો તેનો ફાયદો શું. આવી નિરસતાને રોકવા માટે આઈસીસીએ પગલાં લેવાં જરૂરી છે!