મોરબીમાં બિલ્ડરને બાંધી રૂા.8 લાખ રોકડની લૂંટJune 12, 2019

મોરબી તા.12
મોરબીમાં મકાન ભાડે લેવા બહાને આવેલ ત્રણ લૂંટારૂઓએ આવીને બિલ્ડરને રૂમમાં પુરી ભર બપોરે રૂા8 લાખ રોકડની લૂટ કરી નાશી છૂટતા મોરબીમાં સનસનાટી મચી જવા પામી છે. ત્રણેય લૂંટારૂને ઝડપી લેવા, પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં ઉમા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢીના મેનેજર શૈલેષભાઇ મણીયાર આજે બપોરના સમયે પોતાની ઓફિસે બેઠા હતા.તે સમયે એક અજાણ્યો શખ્સ તેમની ઓફિસે ગયો હતો અને પોતાને મકાન ભાડે લેવું છે તેમ કહ્યું હતું આથી મેનેજરે મકાન ભાડે આપતા નથી તેમ જણાવ્યું હતું.એટલી વારમાં બીજા બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને મેનેજર કઈ સમજે વિચારે તે પહેલાં આ ત્રણ શખ્સોએ તેમના મોઢે સેલો ટેપ લગાવી દીધી હતી બાદમાં તેમને બાંધીને રૂમમાં પુરી દીધા હતા.ત્યારબાદ આ ત્રણેય શખ્સો ઓફિસના ટેબલના ખાનામાં રાખેલો રૂ.8 લાખની રોકડ ભરેલો થેલો લઈને નાસી છૂટ્યા હતા જ્યારે રૂમમાં પુરાયેલા મેનેજરે જેમ તેમ કરી પોતાનો હાથ ખોલીને ખિસ્સામાં રહેલા મોબાઈલથી તેમના પરિચિતને આ ઘટનાની જાણ કરી હતી.આથી એ પરિચિતે ત્યાં આવીને રૂમનું બારણું ખોલીને મેનેજરને મુક્ત કર્યા હતા બાદમાં મેનેજરે ઓફિસના ટેબલના ખાનામાં જોતા તેમાં રૂ.8 લાખની રોકડ ભેલો થેલો ગાયબ હતો. આથી તેમણે લૂંટ થયાનું માલુમ પડતા આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી લૂંટની ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.ભર બપોરે રૂ.8 લાખની લૂંટ થતા ભારે ચકચાર મચી જવા પામી છે સાથે જ બી ડિવિઝન પીઆઈ આઈ.એમ.કોંઢિયા એ સીસીટીવી ના આધારે આગળની તપાસ હાથ ધરી છે.