ગીરના 30 સાવજ નું રહેઠાણ હવેથી કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, આંધ્ર, ઉત્તર પ્રદેશ બનશેJune 12, 2019

  • ગીરના 30 સાવજ નું રહેઠાણ હવેથી કર્ણાટક, પંજાબ, મધ્યપ્રદેશ, આંધ્ર, ઉત્તર પ્રદેશ બનશે

જુનાગઢ તા. 12
આજે સાસણ ખાતે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ ગીરના 30 સાવજોને અન્ય 6 રાજ્યોમાં મોકલવા માટેના પત્ર જે તે રાજ્યના વન અધિકારીઓને સુપ્રત કર્યા હતા.
વિજયભાઈ રૂપાણીએ આજે ગીરના 30 સિંહોને કર્ણાટક, પંજાબ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યના ઝૂમાં મોકલવા માટે જે તે રાજ્યના અધિકારીઓને પત્ર સુપ્રત કર્યા હતા, આજે મુખ્યમંત્રીએ પત્ર સુપરત કરતા ગીરના 30 ડાલામથા સાવજો હવે દેશના 6 રાજ્યોમાં ગર્જના કરશે, અને ગીરની ગરિમા અને સાસણની સિંહ ભૂમિની અન્ય રાજ્યોમાં પ્રદર્શની કરશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ ની કેવડિયા કોલોની ખાતે એક નવું ઝુ બની રહ્યું છે, ત્યારે આ ઝુમાં દેશ વિદેશના પ્રાણી-પક્ષીઓ આવે અને કેવડિયા ખાતેનું ઝુ જોઈ દેશભરમાંથી આવતા પ્રવાસીઓ વિવિધ પ્રાણી પક્ષીઓથી માહીતગાર થાય તે માટે અન્ય રાજ્યમાંથી પ્રાણી પક્ષીઓને લાવવામાં આવશે. આજે સાસણગીર ખાતે ગીરના 30 જેટલા સિંહને દેશના 6 રાજ્યોમાં સરકારની પ્રાણી-પક્ષીઓની આદાન-પ્રદાન નીતિ અનુલક્ષીને મોકલવામાં આવશે જેના બદલામાં અન્ય રાજ્યમાંથી 142 જેટલા પ્રાણીઓ ગુજરાતમાં મોકલવામાં આવશે, અને તે પ્રાણીઓ કેવડિયા કોલોની ખાતે નવા બનતા ઝુમાં રાખવામાં આવશે. આમ જૂનાગઢ જિલ્લાના ગીર વિસ્તારના 30 જેટલા ડાલામથ્થા સાવજો ટૂંક સમયમાં ગીરમાંથી પોતાનું રહેઠાણ, પરિવાર છોડી અન્ય રાજ્યમાં તેમનું કાયમી રહેઠાણ બનાવશે તેના બદલામાં કેવડીયા કોલોનીનું ઝુ સમૃદ્ધ બનશે અને ગીરના સાવજના બદલામાં 142 પ્રાણીઓ કેવડીયા કોલોની ખાતે આવશે જે ભારતભરના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવી જ રીતે ગીર ડાલામથ્થા સાવજો પણ અન્ય રાજ્યમાં ગીરનું ગૌરવ વધારતી ગર્જનાઓ કરી દેશ-વિદેશના પ્રવાસીઓને ગીર માં આવવા માટે આકર્ષિત અને પ્રોત્સાહિત કરશે.