અમરેલીના વાતાવરણમાં પલટો, સવારથી જ ધીમીધારે વરસાદ શરૂJune 12, 2019

અમરેલી તા.12
સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠે વાયુ વાવાઝોડુ આગામી કલાકોમાં જ ત્રાટકવાનું હોય, વાવાઝોડાના આગમનની છડી પોકારતા વાતાવરણનું નિર્માણ થઇ જવા પામ્યું છે ત્યારે અમરેલી જીલ્લામાં ગઇકાલ રાત્રીના સમયથી પવનની ગતિ એકદમ ધીમી થઇ જવા પામી છે. વાતાવરણમાં ભારે બફારો જોવા મળી રહ્યો છે.સવારથી આકાશમાં વાદળાઓ છવાઇ જવા પામ્યા છે અને આ લખાય છે ત્યારે સવારે 10 વાગ્યાના સમયે અમરેલીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જ્યારે દરીયાકાંઠાના વિસ્તારોમાં આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે અને ધીમી ધારે વરસાદ શરૂ થઇ ગયાનું જાણવા મળેલ છે.
અમરેલી જીલ્લાનાં દરીયાકાંઠાના વિસ્તાર એવા જાફરાબાદ પંથકમાં વાવાઝોડાની અસરની શરૂઆત થઇ જવા પામી છે ત્યારે આજે સવારે વાવાઝોડાની શરૂઆત અગાઉ જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
અમરેલી જીલ્લાનાં કલેકટર આયુષ પોતાની ટીમ સાથે આજે સવારે જાફરાબાદ ખાતે દોડી ગયા છે અને પરીસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી આદેશો પણ આપ્યા છે.