સૌરાષ્ટ્રના દરિયામાં મોટા લોઢ ઉછળ્યા : પોરબંદર, દિવ,મહુવામાં વાવાઝોડાની સૌથી વધુ અસર વર્તાશેJune 12, 2019

રાજકોટ તા,12
વાયુ ચક્રવાત વેરાવળથી 300 કિ.મી. અને મુંબઈથી 350 કિ.મી. દૂર છે. આજે મધ્યરાત્રી વેરાવળના દરિયાકાંઠે વાવાઝોડુ ત્રાટકનાર હોય હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાવાઝોડાની સૌથી વધુ અસર પોરબંદર, મહુવા, દિવમાં વર્તાનાર છે. વાવાઝોડાની અસર શરુ થઈ હોય તેમ દરિયામાં મોટા લોઢ ઉછળી રહ્યા છે. આવતિકાલ બપોર પછી વાવાઝોડાની અસર ઓછી થવાના નિર્દેશ હવામાન વિભાગે આપ્યા છે.
વાયુ વાવાઝોડુ વેરાવળ તરફ આગળ ધપી રહ્યું છે.આ વાવાઝોડું વેરાવળના દક્ષિણથી 300 કિલોમીટર દૂર છે. સાંજ સુધીમાં દરિયામાં ઉભું થયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. પૂર્વમધ્ય અરેબિયન સમુદ્રથી વાયુ છેલ્લા 6 કલાકમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ ધપ્યું છે.
વાવાઝોડું કાલે સવારે ગુજરાતના ઉત્તરપશ્ચિમ તરફ ગતિ કરે અને પોરબંદર- મહુવા વચ્ચે તેમજ વેરાવળ અને દીવ ક્ષેત્રની આસપાસ ચક્રવાતી તોફાનમાં તબ્દીલ થઇ શકે છે. જેના પગલે 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને તેની ઝડપ 135 કિલોમીટર પ્રતિકલાક સુધી પણ પહોંચી શકે છે. આમ, હાલની સ્થિતિ જોતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વાયુ વાવાઝોડાની ભારે અસર જોવા મળે તેવી સંભાવના છે. હાલમાં આ વાવાઝોડું પૂર્વમધ્ય અરેબિયન સમુદ્રમાં 15.2 ઉત્તર અક્ષાંસ, 70.2 પૂર્વ રેખાંશ ખાતે પથરાયેલું છે. વાયુ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે ભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
આજ સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારોમાં પવનની ગતિમાં થયો છે. પૂર્વમધ્ય અને તેની સાથેના ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્રમાં રાત્રિ સુધીમાં તેની ઝડપ 110-120 કિમી પ્રતિ કલાક થાય તેવું અનુમાન છે.
કાલે સવારે પવનની ઝડપ 110થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે અને તે 135 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. આ પછી તેનું જોર ઘટતું જશે. ઉત્તરપૂર્વ અરેબિયન સમુદ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં આજે સવારે દરિયાના ઊંચા મોજા ઉછળી શકે છે. વાયુ વાવાઝોડાની મુખ્યત્વે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં અસર જોવા મળશે.