વાવાઝોડાની અસર શરુ : સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદJune 12, 2019

  • વાવાઝોડાની અસર શરુ : સૌરાષ્ટ્રમાં તોફાની વરસાદ

રાજકોટ તા,12
ખતરનાક સ્વરૂપ ધારણ કરીને ‘વાયુ’ વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં સંભવિત તમામ ખતરાને પહોંચી વળવા તંત્ર તૈયાર છે. સંભવત : કાલે પરોઢિયે સાયકલોન સૌરાષ્ટ્રના સાંગરકાંઠે ટકરાશે. તેવી દહેશત છે ત્યારે આજે બપોરથી જ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવી ગયો છે અને કેટલાય સ્થળોએ વરસાદ શરુ થયો છે. દીવમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં બે મીટરથી ઉંચા લોઢ ઉછળી રહ્યા છે. તકેદારીના ભાગરૂપે દીવમાં વીજપુરવઠો બંધ કરી દેવાયો હોવાનું જાણવા મળે છે. સાથે જ દીવમાં હોટેલોમાં રોકાયેલા પ્રવાસીઓને સુરક્ષિત ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાવાઝોડાની અસરના પગલે આજે સવારથી જ સૌરાષ્ટ્રનું વાતાવરણ પલટી ગયું હતું. જેતપુર, ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ, સુત્રાપાડા વગેરે સ્થળોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. સુત્રાપાડામાં સવારથી જ વરસાદ વરસવો શરુ થયો છે. સાથે જ 20 કીમીની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ વરસાદ શરુ થયો છે. દ.ગુજરાતના 6 જિલ્લાના 23 તાલુકાઓમાં ગઈરાતથી જ હળવોથી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. વલસાડના તિથલમાં દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કચ્છમાં પણ વાવાઝોડાની અસરથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. કંડલામાંથી 3 હજાર લોકોનું સ્થળાંતર કરાયુ છે. હળવદના રણકાંઠાના અગરિયાઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઉનામાંથી 650 લોકોનું સ્થળાંતર થયું છે.