રાજકોટ-મુંબઈ વચ્ચે ગો-ઈન્ડિગોની હવાઈ સેવા મળશેJune 11, 2019

રાજકોટ તા,11 ગ્રેટર ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને સફળતા
એપ્રિલ માસમાં જેટ એરવેઝ દ્વારા ચાલતી રાજકોટ-મુંબઈની ત્રણ ફલાઈટો 1લી મે, 2019થી કેન્સલ કરવા અંગેની જાહેરાત કરવામાં આવતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા અન્ય જુદીજુદી એરલાઈન્સ ચલાવતી છએક કંપનીઓને પત્ર દ્વારા મુંબઈ-રાજકોટ-મુંબઈ તથા દિલ્હી-રાજકોટ-દિલ્હી રૂટ પર હવાઈસેવા આપવા રજૂઆત કરવામાં આવેલ. આ રજૂઆતમાં આ સેકટરમાં ચલાવવામાં આવતી ફલાઈટોમાં ઓકયુપન્સી રેશિયો 90%થી વધારે રહેતો હોવા અંગે તેમજ અન્ય પ્રકારની સઘળી આંકડાકિય માહિતી ગ્રેટર ચેમ્બર દ્વારા આપવામાં આવેલ. જે અનુસંઘને ગો ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા હકારાત્મક વિચારણા કરી રહેવા અંગે ગ્રેટર ચેમ્બરને જાણ કરવામાં આવેલ. તા.23મે 2019 સુધી રાષ્ટ્રીય ચૂંટણીકાર્ય હોય, લોકપ્રતિનિધિ કે મંત્રીઓ તે કાર્યમાં કાર્યરત રહેલ પરંતુ ચૂંટણીનું કાર્ય પૂર્ણ થતા લોકપ્રતિનિધિ મોહનભાઈ કુંડારિયાને આ વિષયે માહિતી આપી જાણ કરતા તેઓ દ્વારા તેમજ ગ્રેટર ચેમ્બર દ્વારા ગો ઈન્ડિગો એરલાઈન્સના અધિકારીઓ સાથે સતત ફોલોઅપ કરવામાં આવતા આ એરલાઈન્સ દ્વારા તા.01/06થી મુંબઈ-રાજકોટ-મુંબઈ વચ્ચે હવાઈસેવા શરુ કરવાની વિચારણા અંતિમ તબકકામાં રહેલ છે. આમ ગ્રેટર રાજકોટ ચેમ્બરની રજૂઆતને કારણે મુંબઈ-રાજકોટ-મુંબઈ વચ્ચે નિયમિત રીતે હવાઈ સેવા મળી રહેશે.
આ ઉપરાંત હાલમાં ચાલી રહેલ એરઈન્ડિયા દ્વારા એક જ વખત મળતી સેવા પણ તા.1 જુન 2019થી અઠવાડિયામાં માત્ર ત્રણ વખત જ મળવા અંગે જાહેરાત કરવામાં આવેલ છે. જે રાજકોટ અને સૌરાષ્ટ્રને અન્યાયકર્તા જાહેરાત છે. તે અંગે પણ એર ઈન્ડિયાના ચેરમેન તથા એવીએશન મંત્રાલયના મંત્રીસમક્ષ ગ્રેટ ચેમ્બર દ્વારા ભાવપૂર્વક રજૂઆત કરવામાં આવી રહેલ છે. તે અંગે આપણા લોકપ્રતિનિધિ મોહનભાઈ કુંડારિયા પણ ખૂબ જ ચિંતિત રહી સતત પ્રયત્નશીલ રહેલ છે અને તેઓનો સહકાર મળીરહેલ છે. તેમ ગ્રટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઈ દોશી દ્વારા જણાવવામાં આવેલ છે.