મોદી માટે હવાઇ રૂટ ખોલવા પાક. રાજીJune 11, 2019

 હવે પાકિસ્તાનના હવાઇ માર્ગે મોદી કિર્ગિસ્તાન જઇ શકશે
લાહોર તા.11
શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સમિટમાં સામેલ થવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રથી થઈને કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેક જઈ શકશે. સોમવારે ભારત સરકારે અપીલ કરી હતી કે તેઓ મોદીના વિમાનને તેમના હવાઈ વિસ્તારમાંથી પસાર થવાની મંજૂરી આપે. આ અપીલને પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સરકારે મંજૂર કરી દીધી છે. મોદી 13-14 જૂનના રોજ એસસીઓ સમિટમાં સામેલ થવાના છે. આ સંમેલનમાં ઈમરાન ખાન પણ હાજર રહેવાના છે.
નોંધનીય છે કે, ભારતીય સેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનાન બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર એરસ્ટ્રાઈક કરી હતી. ત્યારપછી પાકિસ્તાને તેમના 11 હવાઈ માર્ગથી દક્ષિણી

પાકિસ્તાન થઈને જતા માત્ર બે રસ્તા ખોલ્યા હતા. ભારતે પાકિસ્તાનથી મોદીના બિશ્કેક જવા માટે તેમનો હવાઈ રસ્તો ખોલવાની અપીલ કરી હતી.
ભારત સરકારને નિર્ણયની માહિતી આપવામાં આવશે: પાક અધિકારીઓએ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે, ઈમરાન ખાન સરકારે ભારતની અરજી સ્વીકારી લીધી છે. મોદીનું વિમાન હવે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રથી થઈને બિશ્કેક જઈ શકે છે. ઔપચારિકતા પૂરી કર્યા પછી આ નિર્ણય વિશે ભારતને જણાવી દેવામાં આવશે. નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણને પણ એરમેનને સૂચિત કરવાનો આદેશ આપવામાં આવશે.
ઈમરાન ખાન પણ સંમેલનમાં સામેલ થવાના છે: પાકિસ્તાનનું કહેવું છે કે, અમને આશા છે કે, ભારત શાંતિવાર્તાના પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપશે. અધિકારીએ જણાવ્યું છે કે, ઈમરાન ખાને તાજેતરમાં જ કાશ્મીર મુદ્દા સહિત ઘણાં વિવાદોનો ઉકેલ લાવવા માટે તેમના સમકક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. પાકિસ્તાનને આશા છે કે, ભારત શાંતિ પ્રસ્તાવ વિશે પ્રતિક્રિયા આપશે. જોકે એસસીઓ સમિટ સિવાય વડાપ્રધાન મોદી અને ઈમરાન ખાન વચ્ચે વાતચીત થશે કે નહીં તે વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી.