મુંબઇમાં ઝંઝાવાતના ભય વચ્ચે મુશળધાર વરસાદJune 11, 2019

 દહીંસરથી વિરાર અને થાણેથી ડોમ્બિવલી સુધી અનરાધાર વરસાદથી જાહેર પરિવહનને અવરોધ
મુંબઇ તા.11
મુંબઈના બારાથી ત્રણસો નોટિકલ માઈલ દૂર વાદળ સર્જાયું છે જે ટૂંક સમયમાં ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરશે. આને કારણે મુંબઈનો દરિયો તોફાની બનશે પરંતુ છતાં આ ચક્રવાત કિનારા પર આવવાની સંભાવના નથી. આઈએમડીના સૂત્રોના જણાવ્યા મુજબ આ ચક્રવાતના કારણે દરિયામાં મોજા ઉછળશે. આજે મોડી સાંજે પશ્ર્ચિમી અને પરાના ઉપનગરમાં દહિસરથી વિરાર તેમ જ થાણેથી ડોંબિવલી ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થતાં ગરમીથી ત્રસ્ત લોકોને આરામ મળ્યો હતો. રાતના મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ વરસાદ આવતા ખેડૂતો સહિત સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જોકે, અમુક વિસ્તારોમાં પીવાના પાણીની તંગીના અહેવાલો વચ્ચે રવિવાર અને સોમવારે પડેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત થઈ હતી. રાજ્યના વિવિધ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે થોડી ગરમીમાંથી રાહત થઈ શકે, જેમાં સવારના વરસાદની સાથે તથા વાવાઝોડું આવી શકે છે, એવું હવામાન ખાતા વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રની પશ્ર્ચિમકિનારાથી 300 કિલોમીટર દૂર અરબીસમુદ્રમાં અગિયારથી બારમી જૂનની વચ્ચે ચક્રવાત સર્જાવવાની શક્યતા જોવાઈ રહી છે ત્યારે આ ચક્રવાત મહારાષ્ટ્રના કિનારે આવશે નહીં એવો અંદાજ મળતા મહારાષ્ટ્ર સરકારે રાહતનો શ્ર્વાસ લીધો છે. આમ છતાં કોંકણ અને મુંબઈના માછીમારોને સમુદ્રમાં નહીં જવાની સલાહ અપાઇ છે.